National

PM મોદીના સંપત્તિ વહેંચવાના ભાષણ સામે ચૂંટણી પંચ પહોંચી કોંગ્રેસ

નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) ‘સંપત્તિની વહેંચણી’ પર આપેલા ભાષણ સામે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. પક્ષે પંચને કાર્યવાહી કરવા વિનંતી કરી છે. કોંગ્રેસે ચૂંટણી પંચને કહ્યું કે વડાપ્રધાનનું નિવેદન વિભાજનકારી અને દુર્ભાવનાપૂર્ણ છે જે ચૂંટણી આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનના બાંસવાડામાં એક જનસભામાં કહ્યું કે કોંગ્રેસનો મેનિફેસ્ટો (Manifesto) કહે છે કે તેઓ માતાઓ અને બહેનોના સોનાનો હિસાબ લેશે. પછી તે મિલકતની વહેંચણી કરી લેશે. તે તેમને વહેંચવામાં આવશે જેમના વિશે મનમોહન સિંહની સરકારે કહ્યું હતું કે સંપત્તિ પર મુસ્લિમોનો પ્રથમ અધિકાર છે. મોદીએ કહ્યું કે અગાઉ જ્યારે તેમની સરકાર સત્તામાં હતી ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. આનો અર્થ એ છે કે સંપત્તિ એકઠી કર્યા પછી તેઓ તેને વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચશે. ઘૂસણખોરોને વહેંચણી કરશે. શું તમારી મહેનતની કમાણી ઘૂસણખોરોને આપવામાં આવશે? મોદીએ કહ્યું શું તમે આ સ્વીકારો છો? શું સરકારને તમારી મિલકત જપ્ત કરવાનો અધિકાર છે? શું સરકારને તમારી સંપત્તિ, તમારી મહેનતની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે?

મોદીના આ નિવેદન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે પ્રથમ તબક્કાના મતદાનમાં નિરાશા બાદ નરેન્દ્ર મોદીના જુઠ્ઠાણાનું સ્તર એટલું નીચે આવી ગયું છે કે ડરના માર્યા તેઓ હવે જનતાને આમાંથી વિચલિત કરવા માંગે છે. કોંગ્રેસના ક્રાંતિકારી મેનિફેસ્ટોને અપાર સમર્થનના વલણો સામે આવવા લાગ્યા છે. દેશ હવે પોતાના મુદ્દાઓ પર મત આપશે, પોતાના રોજગાર, પોતાના પરિવાર અને પોતાના ભવિષ્ય માટે મત આપશે. ભારત ભટકશે નહીં!

Most Popular

To Top