Dakshin Gujarat

નેત્રંગના ધાણીખૂંટ પાસે કરજણ નદી પરનો 6 દાયકા જૂનો પુલ જોખમી

ભરૂચ: મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં મોતની ઘટના બાદ નેત્રંગના (Netrang) ધાણીખૂંટ ગામે કરજણ નદી (Karjan river) પર ૬ દાયકા જૂના જર્જરીત પુલ (Bridge) પર જો ધ્યાન ન અપાય તો ભવિષ્યમાં પત્તાંના મહેલની માફક ધરાશાયી થાય એવો ભય દેખાઈ રહ્યો છે. આ પુલ પર રોડમાં તિરાડો (Cracks) અને મસમોટાં ગાબડાં પડી ગયાં છે. તેમજ પુલના નીચેના ભાગે સાંધામાંથી રેતી, કપચી, મટિરિયલ્સ અને કોલમ પરનું પ્લાસ્ટર ખરતું જાય છે. પુલના એક ભાગમાં તિરાડો પડતાં રેલિંગમાં વાઈબ્રેશનથી તિરાડો પડવા લાગી છે. ખાસ કરીને પુલ પર છ વર્ષ પહેલાં અકસ્માતને કારણે રેલિંગ તૂટી જતાં સામાન્ય કરાઠા અને વાંસ બાંધીને કવચ ઊભી કરી છે. વર્ષોથી આ પ્રશ્ન હોવા છતાં આ વિભાગ મૌન સેવી રહ્યો છે.

કરજણ નદી પર સને-૧૯૬૯માં પુલ બનાવવામાં આવ્યો હતો
નેત્રંગ નજીક ધાણીખૂંટ ગામે કરજણ નદી પર સને-૧૯૬૯માં પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલ પરથી ભારેખમ વાહનો ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ અવરજવર કરતા હોય છે. ખાસ કરીને તંત્રની ઘોર નિષ્કાળજી કારણે આજે ૬૧ વર્ષ બાદ આ પુલ જર્જરિત અને પોપડા પડનારો બની ગયો છે. ખાસ કરીને ધોધમાર વરસાદના પગલે કરજણ નદી બે કાંઠે વહેતી હોય છે. કઠિતપણે નેશનલ હાઈવે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ વટેમાર્ગુઓ ભોગ બની રહ્યા છે. ૧૯૯૪ તેમજ ૨૦૦૪માં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવતાં જે-તે સમયે ઘણું નુકસાન થતાં આ રસ્તો બંધ કરવાની નોબત આવી હતી. જો કે, મરામત કરીને રાબેતા મુજબ ચાલુ કરાયો હતો.

પુલ પર ટ્રક અથડાતાં ૧૦૦ ફૂટ જેટલી રેલિંગ તૂટીને નદીમાં ધરાશાયી થઇ હતી
૨૦૧૬માં આ પુલ પર ટ્રક અથડાતાં ૧૦૦ ફૂટ જેટલી રેલિંગ તૂટીને નદીમાં ધરાશાયી થઇ હતી. નદીની ઊંડાઈ પણ ૧૦૦ ફૂટ ઊંડી હોવાથી આ જર્જરિત બ્રિજ એ ભયજનક કહેવાય. કરજણ નદીના પુલ પરના તિરાડો અને ગાબડાં બાબતે અવરજવર કરતા વાહનચાલકોની એક જ માંગ છે કે, શું તંત્ર મોરબી દુર્ઘટનાની જેમ રાહ જોવા માંગે છે. કોઈક વાહન સાથે પુલ ધરાશાયી થાય અને મોતને ભેટે તેની આ વિભાગ જવાબદારી લેશે? જેથી આ બ્રિજને રિપેરિંગ કરવાની માંગ ઊઠી છે.

Most Popular

To Top