Charchapatra

ઉપેક્ષા

કોઈને માઠું લાગે તેમ બોલવું કે વર્તન કરવું તે ઉપેક્ષા. ઉપેક્ષા એ એક પ્રકારની બેદરકારી, બેપરવાઈ કે લાપરવાઈ કહેવાય. ઉપેક્ષાભાવથી સામેની વ્યક્તિને દુઃખ થાય છે. જાણીજોઈને કોઈની પણ ઉપેક્ષા, ધૃણા કે અવજ્ઞા કરવી એ અનુચિત કહેવાય. કોઈનો આદરસત્કાર ન કરી શકો અને તિરસ્કાર કરો તે સરાસર ખોટું છે. કેટલાક તો એવું વિચારે કે સામા પક્ષે કંઈ જ પ્રાપ્ત કરવા જેવું નથી એમ વિચારી ઉપેક્ષાભાવથી વર્તન કરે છે. આજકાલ દરેક સંબંધોમાં સ્વાર્થ નજરે પડે છે. કુટુંબમાં કે સ્નેહીમિત્ર તરફથી કોઈ લાભ થવાનો નથી એમ માની વ્યવહારમાં બેદરકારી દાખવે છે. અજાણતાં એકાદ શત્રુ ઊભો થયો હોય તો તેની તરફ મધ્યસ્થભાવ, અનપેક્ષા ચાલી જાય પણ અંગત મિત્રોનો અનાદર કરો તે સારા વ્યક્તિની નિશાની નથી. કેટલીક વખત વ્યક્તિ યુક્તિથી દગો કે છેતરપિંડીના ભાવ સાથે ઉપેક્ષા કરતી જોવા મળે છે. આપણી કોઈ ઉપેક્ષા કરે અને જે દુઃખ થાય તેવું જ દુઃખ સામેની વ્યક્તિને પણ થાય જ છે. ગફલતથી અભાવ પેદા થયો હોય તો તેની સ્પષ્ટતા કરવી જોઈએ. ટૂંકમાં પારિવારિક કે કોઈ પણ સંબંધોમાં સવાધાન રહી આદરસત્કાર આપો તો જ આપણે આદરસત્કાર મળે. જેવું કરો તેવું ભોગવવું પડે છે.

 મધર ટેરેસાના વિચારોમાં વાંચવા મળ્યું તે મુજબ- આજે સૌથી મોટી બીમારી કુષ્ઠ રોગ કે ક્ષય નથી, પણ કોઈના દ્વારા થયેલી ઉપેક્ષાની લાગણી છે. આપણે વિચારતા હોઈએ છીએ કે ગરીબી ફક્ત ભૂખ, નગ્નતા અને ઘરવિહોણા હોવામાં છે પણ ઉપેક્ષા, પ્રેમના અભાવ કે નફરત અને કોઈના પ્રતિ દુર્લક્ષ એ સૌથી મોટી ગરીબી છે.  ચાલો ત્યારે ઉપેક્ષાભાવથી વર્તનના વ્યવહારને તિલાંજલિ આપીએ. સૌને આદરમાન આપીએ.
નવસારી           -કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top