Dakshin Gujarat

વિજલપોરના રસ્તા ખખડધજ, અકસ્માતને નોતરૂ

નવસારી : વિજલપોર નગરપાલિકા નવસારી નગરપાલિકામાં ભળી ગયા બાદ વિજલપોર શહેરનો વિકાસ રૂંધાવા માંડ્યો છે. વિજલપોર શહેરના આંતરિક રસ્તાઓ વર્ષોથી બનાવવામાં નહીં આવતા રસ્તાની હાલત બદથી બદતર બની ગઈ છે. જેના પગલે અકસ્માતો થવાનો ભય હંમેશા લોકોને સતાવી રહ્યો છે. ત્યારે વિજલપોર વિસ્તારમાંથી નવા ચૂંટાયેલા નગરસેવકો જનતાની સેવા કરવામાં નિષ્ફ્ળ નીવડ્યા છે.વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે વિજલપોરમાં ઘણા વિસ્તારોમાં વિકાસના કામો થયા છે. પરંતુ વિજલપોર નગરપાલિકામાં છેલ્લા ચૂંટાયેલા નગરસેવકોનો અંદર-અંદર વિવાદ શરૂ થઇ ગયો હતો. જેથી જનતાના કામો બાજુમાં મુકાઈ ગયા હતા. ઘણા લાંબા સમય સુધી ચાલતા વિજલપોર શહેરમાં એક પણ વિકાસના કામો થયા ન હતા. જોકે ત્યારબાદ રાજ્ય સરકારે વિજલપોર નગરપાલિકાને નવસારી નગરપાલિકામાં ભેળવી નવસારી-વિજલપોર સંયુક્ત નગરપાલિકા બનાવી હતી.

ટેમ્પાના ટાયરમાંથી પથ્થર ઉછળીને પડતા દુકાનનો કાચ તૂટી ગયો
મારૂતિનગરથી ધીરૂભાઇની ગલી સુધી જતો ખરાબ બની ગયો છે. આજે એક ટેમ્પો તે રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ટેમ્પાના ટાયરમાં પથ્થર આવી જતા તે પથ્થર ઉછળીને રસ્તાની બાજુમાં આવેલી હર સલૂનની દુકાનનો કાચ તોડી દુકાનમાં પડ્યો હતો. તે સમયે દુકાનમાં ગ્રાહકો પણ હતા. જોકે સદનસીબે કોઈ ઇજા થઇ ન હતી. પરંતુ દુકાનનો કાચ તૂટી જતા દુકાનદારને નુકશાની થઇ હતી.
ડ્રેનેજનું ગંદુ પાણી બહાર આવતા લોકોને હાલાકી
આ રસ્તા પર આવી ઘણી ઘટનાઓ બની ચુકી છે. જેથી સ્થાનિકો નગરસેવકો અને પાલિકામાં જઈ રસ્તો વ્યવસ્થિત બનાવવા માટે રજૂઆતો કરી હતી. પરંતુ પાલિકા તો પાલિકા સ્થાનિક નગરસેવકો પણ આંખ આડા કાન કરી દેતા હજી સુધી રસ્તાઓ બન્યા નથી. જે સમસ્યાનો ભોગ આમ જનતા ભોગવી રહી છે. આ સિવાય વિજલપોરમાં ડ્રેનેજની સુવિધા પણ વ્યવસ્થિત નથી. ચોમાસામાં ધોધમાર વરસાદમાં તમામ ડ્રેનેજો બ્લોક થઇ જતા ભરાયેલા પાણીનો નિકાલ તો દૂર રહ્યો પણ ડ્રેનેજનું ગંદુ પાણી બહાર આવે છે. જેના કારણે લોકોએ ગંદકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

નવસારીમાં જોડાયા બાદ પણ વિજલપોરની પરિસ્થિતિ જેવી ને તેવી
જે સમયે વિજલપોર વિસ્તાર નવસારી પાલિકામાં સમાયો હતો તે સમયે વિજલપોરમાં નવસારી જેવા વિકાસના કામો થશે તેવી આશા જાગી હતી. પરંતુ વિજલપોર શહેરનો વિકાસની પરિસ્થિતિ જેવી હતી તેવી જ છે. વિજલપોરમાં આંતરિક રસ્તાઓ છેલ્લા ઘણા વર્ષોથી બનાવવામાં આવ્યા જ નથી. જેથી રસ્તાઓ ખરાબ થઇ ગયા હતા. હાલ ચોમાસામાં પડેલા ધોધમાર વરસાદને પગલે રસ્તાઓની હાલત બદથી બદતર થઇ ગઈ છે. વાહન ચાલકો અને રાહદારીઓ જીવન જોખમે ચાલી રહ્યા છે. બીજી તરફ રસ્તાની આજુબાજુ રહેતા લોકોને પણ ભય સતાવી રહ્યો છે.

નગરસેવકો વિજલપોરનો વિકાસ કરવાનું ભૂલી ગયા
ગત નગરપાલિકાની ચૂંટણીમાં વિજલપોર વિસ્તારમાંથી નવા ચહેરાઓને ટિકિટ મળી હતી. જેથી વિજલપોરના લોકોએ ખોબે ખોબા ભરીને મત આપીને નગરપાલિકામાં મોકલ્યા હતા. પરંતુ વિજલપોરના વોર્ડમાંથી ચૂંટાયેલા નગરસેવકો વિજલપોરમાં વિકાસ કરવાનું ભૂલી ગયા હોય તેમ ધ્યાન આપતા જ નહીં હોવાના આક્ષેપો વિજલપોરની જનતા કરી રહી છે. ત્યારે નવા ચૂંટાયેલા નગરસેવકો વિજલપોરનો વિકાસ કરવામાં નિષ્ફ્ળ નીવડ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top