Dakshin Gujarat Main

નવસારી- વલસાડના આકાશમાંથી અગનગોળા વરસ્યા : તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું

નવસારી, વલસાડ : વલસાડમાં (Valsad) રોજબરોજ ગરમીનો પારો નવી ઊંચાઇ બનાવી રહ્યો છે. આજરોજ વલસાડમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ભારે ગરમીને લઈ બપોરે લુ ચાલી હતી. બીજી તરફ લઘુત્તમ તાપમાનનો પારો પણ 22.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા વહેલી સવારે (Morning) અને સાંજે (Evening) પણ ગરમીની અનુભૂતિ થઈ હતી. ભારે ગરમી વચ્ચે ભેજનું પ્રમાણ 79 ટકા નોંધાયું હતું. જ્યારે નવસારીમાં મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડ્યું હતું. પરંતુ નવસારીમાં (Navsari) ધકધકતો તાપ યથાવત રહ્યો છે. જેના કારણે લોકોએ બપોરે બહાર નીકળવાનું ટાળ્યું હતું. તો ધકધકતા તાપને પગલે ખેડૂતોને (Farmer) પાક સુકાઈ જવાની ભીતિ છે.

  • વલસાડમાં મોસમનો સૌથી ગરમ દિવસ
  • ધકધકતા તાપને પગલે ખેડૂતોનો પાક સુકાવાની ભીતિ
  • નવસારીમાં ગરમી સાથે બફારો પણ વધુ હોવાથી લોકો પરસેવે રેબઝેબ

ગત સોમવારે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગત મંગળવારે મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો વધારો થતા ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે આજે બુધવારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી ગગડતા 39.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રીએ યથાવત રહ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 23 ટકાએ રહ્યું હતું. જ્યારે આજે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 5.1 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

નવસારીમાં છેલ્લા 4 દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. ગરમીનો પારો હાલમાં થોડા દિવસોથી 38 થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યો છે. જેના પગલે નવસારીમાં દઝાડતી ગરમી પડી રહી છે. જેથી બપોર દરમિયાન લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરંતુ દિવસ દરમિયાન ફુંકાયેલા ગરમ પવનોને લીધે પણ ગરમી યથાવત રહી છે. ત્યારે હમણાંથી જ લોકોએ ગરમીથી બચવા માટે એ.સી. અને કુલરનો ઉપયોગ કરવા માંડ્યા છે.

બીજી તરફ ધકધકતો તાપ પડતા ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે. પાણીની સમસ્યા ઉપરથી ગરમીનો પ્રકોપ વધુ હોવાથી પાક સુકાઈ જવાની ખેડૂતોને ચિંતા થઇ રહી છે. નવસારીમાં ગરમી સાથે બફારો પણ વધુ હોવાથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

તાપમાનમાં ઘટાડો છતાં 10 કિમી ઝડપે ગરમ પવનો લૂં ફેકતા ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો

સુરત: છેલ્લા ત્રણ અઠવાડિયાથી પવનની દિશા બદલાવાની સાથે જ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે તાપમાનમાં ઘટાડો નોંધાવા છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં તાપમાન સતત વધવાને કારણે હિટ સ્ટ્રોકના કિસ્સામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં આજે તાપમાન 39 ડિગ્રી રહેતા લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કર્યો હતો. આગામી દિવસમાં ગરમી તેનો અસલ મિજાજ બતાવે તેવી શક્યતા છે. હોળી બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે. દરમિયાન શહેરમાં આજે સવારથી જ ગરમીનો અહેસાસ થતો હતો. શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. બપોરે તો લોકોએ આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવું અનુભવ્યું હતું. શહેરમાં આજે 29 ટકા ભેજની સાથે 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. બપોરે ફૂંકાયેલા ગરમ પવનથી બચવા માટે લોકોએ ઘરમાં જ પૂરાઇ રહેવાનું પસંદ કર્યું હતું. મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાયા હતા જેના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ગરમ પવનને કારણે ડિહાઇડ્રેશન અને લૂ લાગવાના કિસ્સામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કાળઝાળ ગરમીમાં વધુ પ્રમાણમાં પ્રવાહી પીવાની અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની સલાહ તબીબો આપી રહ્યાં છે.

Most Popular

To Top