Dakshin Gujarat

ચીખલીના જાણીતા તબીબ હોસ્પિટલ ગયા બાદ ઘરે પરત ફર્યા જ નહીં, પુત્રએ CCTVમાં જોયું તો..

ઘેજ: ચીખલીના (Chikhli) જાણીતા તબીબ (Doctor) હોસ્પિટલ પર ગયા બાદ સાંજે ઘરે પરત નહીં ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ અમી હોસ્પિટલના તબીબ રાજેશભાઇ લાલજીભાઇ પટેલ (ઉ.વ. 56 રહે. દેવદર્શન સોસાયટી સમરોલી) 15 માર્ચ મંગળવારના રોજ દસેક વાગ્યાના અરસામાં સમરોલી નેશનલ હાઇવે (National Highway) સ્થિત તેમની અમી હોસ્પિટલમાં ગયા હતા અને બપોરે ઘરે આવી જમીને આરામ કરીને ફરી પાંચેક વાગ્યે હોસ્પિટલમાં ગયા હતા. બાદમાં સાંજે નવેક વાગ્યા સુધીમાં પરત નહીં ફરતા મોબાઇલ ફોન પણ બંધ આવતા તેમના દીકરાએ અમી હોસ્પિટલ પર જઇ સીસીટીવી ફૂટેજ તપાસતા ડો. રાજેશભાઇ સવા આઠેક વાગ્યે ચાલવા માટે નીકળ્યા હતા અને તરત ફરી હોસ્પિટલમાં આવી તેમની ટોયોટા ઇટોસ કાર જી.જે. 21 એએ 3845 લઇને કયાંક જતા જણાયા હતા. બાદમાં સગા સંબંધી અને મિત્રોના ઘરે તપાસ કરતા તેઓ મળ્યા ન હતા. તેઓ રંગે શ્યામવર્ણના અને આશરે ઉંચાઇ પાંચ ફૂટ સાત ઇંચ છે. શરીરે સફેદ તથા ભૂરી પટ્ટી વાળો શર્ટ તથા કાળા રંગનો પેન્ટ પહેરેલું છે.

અમી હોસ્પિટલના તબીબ રાજેશભાઇ વર્ષોથી હોસ્પિટલ ચલાવે છે અને તેમના મૃદુ અને સરળ સ્વભાવ સાથે ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોસ્પિટલના ખર્ચમા ઉદારતા દાખવતા આવ્યા છે અને જેને લઇને ચીખલી વાંસદા સહિત સમગ્ર વિસ્તારમાં જાણીતા છે ત્યારે તેમના ગુમ થયા અંગેની વાત વાયુવેગે ફેલાતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળવા પામ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે આ જાણીતા તબીબ કયા કારણોસર ગુમ થયા તે સહિતની વિગત તપાસ બાદ જ ખબર પડશે. પોલીસ મથકે ફરિયાદ તેમના પુત્ર હેમાંગ રાજેશભાઇ પટેલે આપી હતી.

બગવાડા હાઇવે પર ડોક્ટરની કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
પારડી : પારડીના બગવાડા હાઇવે પર ડોક્ટરનો સિમ્બોલ લગાવી જતી કારમાંથી પોલીસે દારૂ ઝડપી પાડ્યો હતો. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પારડીના બગવાડા ટોલનાકા પર કાર નં. જીજે 15 સીએ 3690ને અટકાવી તપાસ કરતા પેટ્રોલ ટાંકી તથા ડમ્પરમાં બનાવેલા ચોરખાનામાંથી રૂ.૨૫,૭૦૦નો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે ચાલક સહિત બે શખ્સની ધરપકડ કરી મહિલા સહિત 4 ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સુજન ઉર્ફે સૂર્યા સપન નશકર અને કૃણાલ ઉર્ફે લાલુ ઉત્તમ પટેલને પકડી પાડ્યા હતા. જ્યારે પંકજ કાંતી પટેલ (રહે. દમણ ડાભેલ), ફૈઝલ અન્સાર કાપડિયા (રહે. નવસારી), વિમલ પટેલ (રહે. દેલવાડા નવસારી) અને ભાવના ઉત્તમ પટેલ (રહે. બીલીમોરા)ને વોન્ટેડ બતાવ્યા હતા. કાર પર ડોક્ટરનો સિમ્બોલ લગાવેલો મળી આવ્યો હતો. દારૂનો જથ્થો દમણથી બીલીમોરા અને ગણદેવી લઇ જવાતો હતો. દારૂનો જથ્થો મંગાવનાર મહિલા સહિત ત્રણ શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.

Most Popular

To Top