Dakshin Gujarat

ચૂંટણી પૂર્ણ થતા બુટલેગરો ફરી થયા સક્રિય : નવસારી ગ્રીડ હાઇવે ઉપર કારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો

નવસારી : ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી દારૂ ભરેલી કાર (Alcohol Car) સાથે 2ને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે (Police) દારૂ ભરાવનાર 2 અને દારૂ મંગાવનાર 4 સહીત 6ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસે એક ક્રેટા કાર (નં. જીજે-15-સીજી-3609) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 2,40,120 રૂપિયાની વિદેશી દારૂની 900 બાટલીઓ મળી આવતા બારડોલી તાલુકાના નિઝર ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા આયુષ ઉર્ફે જીલુ પ્રવિણભાઈ માહ્યાવંશી અને વલસાડના ઉમરગામ તાલુકામાં સરીગામ સરી ગામ ત્રણ રસ્તા પાસે નુતુરનગર ફળીયામાં ગંગાજમના સરસ્વતી એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ ચંદ્રશેખર સિંહને ઝડપી પાડ્યા હતા.

દારૂ મંગાવનાર 4 સહીત 6ને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે આયુષ ઉર્ફે જીલુ અને આનંદની પૂછપરછ કરતા દમણના રીંગણવાડામાં રહેતા અંકિત પટેલ અને દમણના બામણપુજામાં રહેતા ફેનિલ પટેલે દારૂ ભરાવી આપ્યો હતો. તેમજ મહુવા તાલુકાના તરસાડી ગામે રહેતા દિનેશ સુરેશભાઈ સોની ઉર્ફે દિનેશ મારવાડી, મહુવા તાલુકાના કણઈ ગામે રહેતા અમિત જીતુભાઈ દરબાર, મહુવા તાલુકાના પથરણ ગામે રહેતા ભરત પટેલ અને સુરત કામરેજ તાલુકાના અંત્રોલીમાં રહેતા રીંકોએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે દારૂ ભરાવનાર 2 અને દારૂ મંગાવનાર 4 સહીત 6ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખની કાર અને 20,500 રૂપિયાના 4 મોબાઈલ મળી કુલ્લે 7,60,620 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મોટી દમણના પટલારાના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
દમણ : સંઘપ્રદેશ દમણ એક્સાઈઝ વિભાગે ગેરકાયદે રીતે દારૂની ચાલી રહેલી હેરાફેરી સામે કડક ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે 3 ડિસેમ્બરનાં રોજ મોટી દમણ પટલારાનાં સીંગા ફળિયા ખાતે રહેતો અજય ઠાકુરભાઈ પટેલના ઘરમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા એક્સાઈઝ વિભાગની ટીમે સ્થળ પર જઈ ઘરમાં તપાસ કરતાં મોટી માત્રામાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. વિભાગની ટીમે 1920 દારૂની બોટલના બોકસ જપ્ત કરી આ મામલે એક્સાઈઝ એક્ટ અને ડ્યૂટી રૂલ્સ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 45 દિવસની અંદર દમણ એક્સાઈઝ વિભાગે 15 જેટલા દારૂના કેસમાં 33,72,108 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે દારૂની હેરાફેરીના ઉપયોગમાં લેવાયેલા 8 વાહનો અને 1 બોટ જપ્ત કરવાની કાર્યવાહી પણ કરી છે.

Most Popular

To Top