Gujarat Main

દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

ગાંધીનગર: મોટા ઉપાડે ઈન્ડિયા મહાગઠબંધન બનાવનાર કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તુટે જેવી થઈ ગઈ છે. ગુજરાતમાં આપ સાથે ગઠબંધન કરી કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ઉમેદવારોના નામો જાહેર કર્યા છે, પરંતુ પોતાના જ મોટા ગજાના નેતાઓને સાચવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહ્યું છે. ભરૂચમાં મર્હૂમ અહેમદ પટેલના સંતાનોની નારાજગી હજુ દૂર થઈ નથી ત્યાં વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપમાં સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ અને AAPમાં તો કાર્યકર્તા અને નેતાઓને સાચવવા એ જ મોટો પડકાર બની ગયો છે. એક બાદ એક મોટા નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે. હવે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને છોટાઉદેપુરથી 5 વખત સાંસદ રહી ચૂકેલા નારણ રાઠવા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપમાં જોડાયા છે.

છોટા ઉદેપુરના દિગ્ગજ આદિવાસી નેતા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આજે તા. 27 ફેબ્રુઆરીને મંગળવારે તેઓ ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યલાય કમલમ ખાતે પહોંચી કેસરિયો ધારણ કરી રહ્યાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં રાઠવા કેસરિયો ધારણ કર્યો છે. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.

દરમિયાન જાણવા મળ્યા મુજબ ગઈકાલે સોમવાર તા. 26 ફેબ્રુઆરીના સાંજથી જ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવાનો ફોન બંધ હતા. ત્યારથી જ નારણ રાઠવા ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચા વહેતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ પાસે આદિવાસી નેતા તરીકેનો એકમાત્ર ચહેરો નારણ રાઠવા છે. જો તેઓ ભાજપમાં જોડાશે તો કોંગ્રેસની હાલત હવે વધુ કફોડી બની જશે.

નારણ રાઠવા સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત 10,500થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે, જેના પગલે આજે કમલમ ખાતે ભરતી મેળા જેવો માહોલ સર્જાયો હતો.

Most Popular

To Top