Business

નામ જ મલ્લિકા બાકી સબ ફીકા

કેટલીક અભિનેત્રીઓ એવી હોય છે જેની પાસે અભિનય સિવાયનું ઘણું હોય છે ને તેના આધારે જ તેઓ અભિનયની કારકિર્દીમાં અમુક સમય ટકી રહે છે. મલ્લિકા શેરાવતનું ઉદાહરણ સામે છે. મલાઈકા અરોરા, સની લિયોનીનો પણ ઉલ્લેખ ઉમેરી શકો. મલ્લિકા એક સમયે સેન્સેશન હતી પણ અત્યારે ક્યાંક દેખાતી નથી. ‘ખ્વાહીશ’ અને ‘મર્ડર’માં તે બોલ્ડ દૃશ્યોમાં દેખાય પછી સેક્સ સિમ્બોલ તરીકે તે ગોઠવાય ગઈ. મહેશ ભટ્ટ આવી અભિનેત્રીને ચાન્સ આપે જ આપે. ‘મર્ડર’ તેમની જ ફિલ્મ હતી. આવી ફિલ્મ પછીતે મસાલા ફિલ્મોમાં આવતી ત્યારે પ્રેક્ષકો ખુશ થઈ જતાં. આ કારણે જ તેને ‘વેલકમ’ પણ મળી હતીને ‘ડબલ ધમાલ’ પણ કરી લીધી. છેલ્લા દોઢ-બે દાયકામાં એવી ફિલ્મો ધણી બની જેમાં સેક્સ એક ખાસ આકર્ષણ હોય. સની લિયોનીની જેમ મલ્લિકા પણ તેવી ફિલ્મો માટે નક્કી કહેવાતી.

હરિયાણાના હિસાર જિલ્લાની એ જાટ યુવતીનું નામ આમ તો રીમા લાંબા હતું પણ મલ્લિકા વધારે આકર્ષક હતું એટલે તે અપનાવ્યું. તેણે આ નામ સાથે માની મૂળ અટક શેરાવત જોડી દીધી. ફિલ્મોમાં આવી ત્યારે લાંબો સમય તેણે પરણેલી છે કે કુંવારી એ વાતનું ય રહસ્ય રાખ્યું કારણ કે તેણે જે ઈમેજ બાનાવવી હતી તેમાં પરણેલી કે છૂટાછેડા લીધેલી હોય તે વાત જાણાવવી ખોટ કરે તેમ હતી. બાકી તે કરણસીંઘ ગીલને પરણી છૂટાછેડા આપી ચુકી હતી. મલ્લિકા શરૂમાં અમિતાભને શાહરૂખ સાથે ‘સેન્ટ્રો’કારની એડમાં પણ આવેલી અને મ્યુઝિક વિડીયોમાં ય કામ કરેલું પછી ‘જીના સિર્ફ મેરે લીયે’ માં તેને તક મળી અને કારકિર્દીના વિકલ્પો ખૂલતા ગયા અને મણી સત્નમની ‘ગુરુ’માં તો ‘માયા માયા’ ગીતમાં પણ આવી. મલૈકાથી માંડી મલ્લિકાને આઈટમ ગર્લ તરીકે સારી કમાણી થઈ શકે છે પણ સાથે જ પેલી સેક્સી ઈમેજ તેને ‘પ્યારકે સાઈડ ઈફેક્ટ્સ’ ફિલ્મ પણ અપાવેલી. તેની એવી વધુ ફિલ્મોમાં ‘માન ગયે મુગલ-એ-આઝમ’ અને ‘ડબલ ધમાલ’ પણ છે. પણ આઈટમ નંબર તરીકે તેની ફિલ્મો ધણી છે.

આ મલ્લિકા હિન્દી ફિલ્મોથી આગળ વધી હોલીવુડની ‘હિસ્સ’માં આવી અને પછી ‘પોલિટિક્સ ઓફ લવ’ ઊપરાંત અમેરીકા પોપસ્ટાર બ્રુનો માર્સ સાથે પેરડી વિડીયો પણ આવી. સાથે સાથે ટેલિવિઝન શો પણ મળતા ગયા જેમાં ‘ધ બેચલર્સ ઈન્ડિયા’ એક છે. તે ‘દશાવથારમ’ નામની તમિલ ફિલ્મમાં હતી અને ‘ટાઈમ રાઈડર્સ’ નામની ચાઈનીઝ ફિલ્મમાં પણ હતી. ઝી ફાઈવ માટે તેણે ત્રણ વર્ષ પહેલાં ‘ધ સ્ટોરી’ નામની વેબસિરીઝમાં ય કામ કર્યું છે અને પછીના વર્ષે ‘બૂ સબકી ફટેગી’ વેબસિરીઝ પણ કરી જેમાં તેની સાથે તુષાર કપૂર હતો.

પણ અત્યારે તેની પાસે ઝાઝી ફિલ્મો નથી. હા,રજત કપૂરની ‘આરકે’માં છે કે 1960ના ફિલ્મજગતની વાત કરે છે જેમાં તેની સાથે રજત કપૂર અને રણવીર શૌરી છે. ‘રોમી-ધ સેફ્રોન ચેપ્ટર’માં તે વિવેક ઓબરોય, અરબાઝ ખાન સાથે આવશે. એ ફિલ્મ ગુરુગ્રામની સત્ય ઘટના આધારીત છે. એકવાર વ્હાઈટ હાઉસના ડીનરમાં હાજરી આપી આવેલી મલ્લિકા ‘ધ મિથ’ નામની ચાઈનીઝ ફિલ્મમાં જેકી ચાન સાથે પણ ચમકી છે એટલે પ્રચારમાં રહેવાનું તે બરાબર જાણે છે. તે મહત્વાકાંક્ષી છે ને એજ કારણે તે આટલું એચિવ કરી શકી છે. અલબત્ત, તે સારો શારીરિક બાંધો ધરાવતી બ્યુટીફૂલ વુમન છે પણ હવે તે ફિલ્મોમાં આવે ત્યારે સેન્સેશન પેદા કરી શકતી નથી. મલ્લિકા કાંઈ ફિલ્મજગતની મલ્લિકા તો ન જ બની શકેને!

Most Popular

To Top