Business

શિવજીનાં નામ

શિવજીનાં અનેક નામ છે. ‘અષ્ટાધ્યાયી રુદ્રી’ના પાંચમા અધ્યાયમાં શિવજીનાં અનેક નામો ગણાવેલ છે. આ ઉપરાંત પુરાણો તથા શિવસ્તોત્રોમાં પણ શિવજીનાં અનેક નામ ગણાવેલ છે. શિવજીનાં અનેક નામો અને તેમનો અર્થ શિવસ્વરૂપને સમજવામાં મહત્ત્વપૂર્ણ સહાય કરે તેમ છે. તેવાં કેટલાંક નામ અને તેમના અર્થ અહીં પ્રસ્તુત છેઃ

૧. શિવ            = મંગલસ્વરૂપ
૨. શંકર            = કલ્યાણ કરનાર
૩. ગિરીશ          = કૈલાસગિરિના અધિપતિ
૪. ભોળાનાથ       = સરળ કે ઋજુ સ્વભાવના
૫. મહાકાલ         = કાલના અધિપતિ અર્થાત્ કાલાતીત
૬. ત્રયંબકેશ્વર       = ત્રિનેત્રયુક્ત
૭. નીલકંઠ          = વિષ ધારણ કરવાને લીધે જેમના, કંઠનો વર્ણ નીલ થયો છે તે
૮. ચંદ્રશેખર        = મસ્તક પર ચંદ્રને ધારણ કરનાર
૯. ત્રિપુરારિ        = ત્રિપુરાસુરનો નાશ કરનાર
૧૦. પશુપતિ       = સૌ જીવના અધિપતિ
૧૧. શૂલપાણિ      = જેમના હાથમાં ત્રિશૂલ છે તે
૧૨. આશુતોષ      = તરત પ્રસન્ન થનાર

જ્યોતિર્લિંગ
જ્યોતિર્લિંગ પણ શિવલિંગ જ છે પરંતુ તેનું મહત્ત્વ વિશિષ્ટ છે, તેથી સૌ શિવમંદિરોમાં જ્યોતિર્લિંગનું વિશેષ સ્થાન ગણાય છે.
જ્યોતિર્લિંગની ઉત્પત્તિ વિશે અનેક કથાઓ પ્રચલિત છે. સૌથી સંતોષજનક અને પ્રતીતિકર ખુલાસો આ પ્રકારે છેઃ પ્રાચીનકાળમાં મહાન યજ્ઞો થતા. કોઈ વાર આ મહાન યજ્ઞના સ્થાન પર તે મહાયજ્ઞની સ્મૃતિમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવતી હતી. જે સ્થાન પર યજ્ઞનો અગ્નિ હોય, યજ્ઞજ્યોતિ હોય તે સ્થાન પર જ લિંગની સ્થાપના કરવામાં આવતી હતી, તેથી તે લિંગને જ્યોતિર્લિંગ કહેવામાં આવેલ છે. આ રીતે જ્યોતિર્લિંગ તે મહાન યજ્ઞના અવશેષરૂપ કે સ્મૃતિરૂપ છે. અગ્નિને જ્યારે ઠારી દેવામાં આવે ત્યારે તેનો જે આકાર થાય છે, તેવો જ આકાર શિવલિંગનો પણ છે. આ સમાનતા સૂચક અને નોંધનીય છે. જ્યોતિર્લિંગ યજ્ઞના અવશેષરૂપ હોવાથી તેની પૂરી પરિક્રમા થાય છે કારણ કે યજ્ઞના અગ્નિકુંડની પૂરી પરિક્રમા થાય છે. જ્યોતિર્લિંગનો પ્રસાદ ગ્રહણ કરી શકાય છે કારણ કે યજ્ઞનો પ્રસાદ – યજ્ઞપ્રસાદ ગ્રહણ કરી શકાય છે.  આમ મહાયજ્ઞના અવશેષરૂપ હોવાથી જ્યોતિર્લિંગ પરિક્રમા અને પ્રસાદની બાબતમાં અન્ય શિવલિંગોથી ભિન્ન છે તે હકીકત નોંધનીય પણ છે અને સૂચક પણ છે.

ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે
૧. સોમનાથ – પ્રભાસક્ષેત્ર, સૌરાષ્ટ્ર
મલ્લિકાર્જુન – શ્રીશૈલ, આંધ્રપ્રદેશ
૩. મહાકાલ – ઉજ્જૈન, મધ્યપ્રદેશ
૪. ઓમ્કારમમલેશ્વર – ઓમ્કારેશ્વર, નર્મદાતટ, મધ્યપ્રદેશ
૫. વૈદ્યનાથ : ૧ મરાઠાવાડા – મહારાષ્ટ્ર, પરભણી જંક્શનથી પરલી જવાય છે. પરલી ગામ પાસે છે. ૨. સીડીહ કે ભાગલપુરથી જવાય છે. બિહાર રાજ્યમાં છે. ૩. હિમાચલપ્રદેશ
નોંધઃ આમ વૈદ્યનાથ ત્રણ છે.

૬. ભીમાશંકર – મહારાષ્ટ્ર – મુંબઈ અને પૂનાથી બસ દ્વારા જઈ શકાય છે.
૭. રામેશ્વર- તમિલનાડુ
૮. નાગનાથ – ૧ મહારાષ્ટ્ર રાજ્યના મરાઠાવાડા વિસ્તારમાં ઔઢાગ્રામ પાસે છે, ૨. દ્વારિકા પાસે છે, ૩. અલમોડા (હિમાલય)થી થોડે દૂર જાગનાથ મંદિર છે. તે પણ નાગનાથ ગણાય છે.
નોંધ આમ નાગનાથનાં ત્રણ મંદિર છે.
૯. વિશ્વનાથ – વારાણસી, ઉત્તરપ્રદેશ
૧૦.ત્રયંબકેશ્વર  – નાસિક પાસે ત્ર્યંબકેશ્વર છે.
૧૧. કેદારનાથ – ઉત્તરાખંડ, હિમાલય
૧૨. ઘુશ્મેશ્વર – ઈલોરા પાસે છે. ઔરંગાબાદ(મહારાષ્ટ્ર)થી જવાય છે.

Most Popular

To Top