Madhya Gujarat

નડિયાદ ડમ્પીંગ સાઈટનો વિવાદ ફરી ‘સળગ્યો’

નડિયાદ: નડિયાદમાં ડમ્પીંગ સાઈટનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. નડિયાદ શહેરનો કચરો મંજીપુરા-કમળા રીંગ રોડ આવેલી ડમ્પીંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. આ ડમ્પીંગ સાઈટથી ફેલાતા પ્રદુષણથી આસપાસ રહેતા 500 પરિવારોને માઠી અસર પડી છે. ખાસ તો સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. ડમ્પીંગ સાઈટ પર કચરાને સળગાવતા રાત્રે 1 કીમી વિસ્તારમાં 0 વિઝીબલીટી રહેતા આસપાસના લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો વખત આવ્યો છે.

નડિયાદમાં મંજીપુરા-કમળા રીંગ રોડ આવેલ ડમ્પીંગ સાઈટથી પ્રદુષણ થતાં આસપાસ આવેલી નાની મોટી સોસાયટીઓમાં રહેતા લોકોની હાલત કફોડી બની છે. નડિયાદ નગરપાલિકા શહેરમાંથી જે કચરાનો નિકાલ કરે છે તે અહીંયા આ ડમ્પીંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. આ કચરાના ઢગમા વારંવાર આગ લાગવાના બનાવો બને છે. જેના કારણે પુષ્કળ ધુમાડો ઉત્પન્ન થાય છે અને અસહ્ય દુર્ગંધ ફેલાય છે.

જે મંજીપુરા રોડ ઉપર આવેલ જવાહર નગર વિસ્તાર, મંજીપુરા ચોકડી તેમજ કમળા રોડ ઉપર સહિત 1 કીમી વિસ્તારમાં પ્રદુષણ ફેલાવે છે. સાંજે 7થી રાત્રે 11 તો ક્યારેક એ પછી પણ સતત ધુમાડાના કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેના કારણે અહીંયા આસપાસ રહેતા લગભગ 500 પરિવારોને જોખમ ઊભું થયું છે. ડમ્પીંગ સાઈટ પર કચરાને સળગાવતા રાત્રે 1 કીમી વિસ્તારમાં 0 વિઝીબલીટી રહેતા અમારે ઘરમાં પુરાઈ રહેવું પડે છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. આ પ્રદુષણથી શ્વાસોશ્વાસ લેતા ખાંસી, શ્વાસ રૂંધાવાની ગંભીર બિમારીઓનુ પ્રમાણ વધી રહ્યું છે. તો વળી આ આંખોમાં બળતરા થવી તેમજ અસ્થમા જેવી બીમારીઓનું ભોગ બનવુ પડે છે.

ડમ્પિંગ સાઈટ ખસેડવા માગ
અગાઉ આ બાબતે નડિયાદ નગરપાલિકા, GPCB સહિતની ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે. નવેમ્બર 2022માં રજૂઆત કરી હતી. આ બાદ સમસ્યામાં થોડી રાહત થઈ હતી. પરંતુ છેલ્લા લગભગ અઢી માસથી ડમ્પીંગ સાઈટની સમસ્યા વકરી છે. આ સમસ્યાનો વધારો થતાં આજે અમે બધા રહીશો ભેગા થયા છે. તેમજ અમારા તમામ સ્થાનિકોની આ ડમ્પીંગ સાઈટ શહેરથી દૂર ખસેડવાની માગ છે. – પુજાબેન હોતચંદાણી, સ્થાનિક

ડમ્પીંગ સાઈટની ફરતે બાઉન્ડ્રી વોલ નથી
અહીંના સ્થાનિક અગ્રણી દ્વારા નગરપાલિકામાં આ સમસ્યાને આવરી લેતા કેટલા મુદ્દાઓની માહિતી માંગી હતી, જે મામલે જવાબ આપતા પાલિકાએ જણાવ્યુ હતુ કે, આગ લાગે છે ત્યારે માટી નાખી તેના પર કાબુ લેવામાં આવે છે. તો અમુક કિસ્સામાં ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ છે. આ ઉપરાંત પ્રાણીઓના મૃતદેહ આવે તો તેને આ સાઈટ પર જમીનમાં દાટી દેવામાં આવે છે. ખાસ કરીને આ ડમ્પીંગ સાઈટ પર બ્રાઉન્ડી વોલ ન હોવાનો ખુલાસો પણ થયો છે. જેના કારણે ગાય જેવા પશુઓ તેમજ શ્વાન કચરાના ઢગલાને ખેંચી જતાં હોય છે. જો કે, પાલિકાએ પોતાની પાસે ભંડોળ થશે એટલે બાઉન્ડ્રી વોલ બનાવવાનું કામ કરવાનું જણાવાયુ છે.

Most Popular

To Top