Columns

ઉત્તર પ્રદેશની પોલીસ અતિક એહમદના આખા પરિવારને ખતમ કરી નાખશે?

ભારતની ન્યાયપ્રથા એટલી ધીમી છે કે કોઈ રીઢા ગુનેગારને ફાંસીના માંચડે પહોંચાડતા દાયકાઓ નીકળી જાય છે. ઉત્તર પ્રદેશની સરકારે ન્યાયપ્રથા સુધારવાને બદલે માફિયાઓનું એન્કાઉન્ટર કરીને તેમને સજા કરવાનો શોર્ટ કટ શોધી કાઢ્યો છે. જો કે તેમાં ગુનેગારોને સજા કરવા જતાં નિર્દોષ નાગરિકો ફસાઈ જાય તેવી પણ સંભાવના છે. ગુનેગારોના માથામાં ગોળી મારીને તેમને ખતમ કરવાની પોલીસને સત્તા આપવામાં આવે છે ત્યારે તેઓ તે સત્તાનો દુરુપયોગ કરીને પોતાના જૂના હિસાબો પણ ચૂકતે કરી લેતા હોય છે.

૧૯૯૦ના દાયકામાં મુંબઈમાં ગુનાખોરી વધી ગઈ હતી ત્યારે તેને ડામવા માટે પોલીસ દ્વારા એન્કાઉન્ટરોનો સિલસિલો ચાલુ કરવામાં આવ્યો હતો. તેને કારણે પ્રદીપ શર્મા અને દયા નાયક જેવા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટો હીરો બની ગયા હતા. તેમણે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ખંડણીનું નેટવર્ક ઊભું કરી દીધું હતું. પાછળથી મોટા ભાગના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટો સામે ભ્રષ્ટાચારના કેસો કરીને તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશની પોલીસે ગુરુવારે સવારે માફિયા ડોન અને ભૂતપૂર્વ સંસદસભ્ય અતિક એહમદના પુત્ર અસદનું ઝાંસીમાં એન્કાઉન્ટર કરી નાખ્યું. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારીઓને શાબાશી આપીને તેમનો જુસ્સો વધાર્યો હતો. ઝાંસીના એન્કાઉન્ટરમાં અસદનો સાથી ગુલામ પણ માર્યો ગયો હતો. તેમની પાસેથી વિદેશી બનાવટની રિવોલ્વરો મળી આવી હતી.

હજુ ગયા મહિના સુધી અસદ સામે કોઈ કેસ નહોતો. તેણે બીજા ગુંડાઓ સાથે મળીને આ વર્ષની તા. ૨૪ ફેબ્રુઆરીના પ્રયાગરાજ ખાતે ઉમેશ પાલની હત્યા કરી કાઢી હતી. અસદ અતિક એહમદનો ત્રીજો પુત્ર છે. તેના પિતા અને બે ભાઈઓ જેલમાં હોવાથી તેણે ગયા વર્ષના ઓગસ્ટમાં ગેન્ગનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. અસદ એહમદ ભણવા માટે વિદેશ જવા માગતો હતો, પણ તે જઈ શક્યો નહોતો, કારણ કે તેના પાસપોર્ટને પોલીસની મંજૂરી મળી શકી નહોતી.

અસદના પિતા અતિક એહમદને ગુજરાતની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે, કારણ કે તેને ડર હતો કે ઉત્તર પ્રદેશની પોલીસ તેનું બનાવટી અથડામણમાં મર્ડર કરી નાખશે. અતિકનો ભાઈ અશરફ ઉત્તર પ્રદેશની બરેલી જેલમાં બંધ છે. અતિકે અને અશરફે જેલમાં બેઠા બેઠા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને અસદને ઉમેશ પાલનું મર્ડર કરવાની સલાહ આપી હતી. અસદે તેના માટે ગુંડાઓની ટોળી એકઠી કરી હતી.

અસદે ઉમેશ પાલનો પીછો કર્યો હતો અને પોતાની પિસ્તોલ વડે તેની હત્યા કરી નાખી હતી. અસદનું આ કૃત્ય સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયું હતું. તેના માથાં પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ઉમેશ પાલ બહુજન સમાજ પાર્ટીના વિધાનસભ્ય રાજુ પાલની હત્યાનો મુખ્ય સાક્ષી હતો. રાજુ પાલની હત્યા વર્ષ ૨૦૦૫માં અતિક એહમદના ઇશારા પર કરવામાં આવી હતી. અતિક એહમદે ૨૦૦૬માં ઉમેશ પાલનું અપહરણ પણ કરાવ્યું હતું. તે કેસનો તાજેતરમાં ચુકાદો આવ્યો હતો, જેમાં અતિકને સજા કરવામાં આવી છે.

રાજુ પાલ માયાવતીના બહુજન સમાજ પક્ષનો સભ્ય હતો. તે ૨૦૦૫માં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો. તેણે અતિક એહમદના ભાઈ ખાલિદ અઝીમને વારાણસી (પશ્ચિમ) બેઠક પર હરાવ્યો હતો. ચૂંટણીના થોડા જ મહિના પછી અતિક એહમદે રાજુ પાલની હત્યા કરાવી કાઢી હતી. ગુડ્ડુ મુસ્લિમે અતિક પાસેથી ૮ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. તે રૂપિયા ચૂકવી શકતો નહોતો. અતિક એહમદે તેને ૮ લાખ રૂપિયા વસૂલ કરવા રાજુ પાલની હત્યાનું કામ સોંપ્યું હતું. ગુડ્ડુ મુસ્લિમે બોમ્બ વડે રાજુ પાલની હત્યા કરી હતી.  ઉમેશ પાલ વકીલ હતો. તે રાજુ પાલની હત્યાનો સાક્ષી હતો. તેની ઉપર સાક્ષી પાછી ખેંચી લેવા ભારે દબાણ કરવામાં આવતું હતું. ઉમેશ પાલે દબાણ સામે ઝૂકી જવાનો ઇનકાર કર્યો માટે તેની હત્યા કરી કાઢવામાં આવી હતી.

ઉમેશ પાલની હત્યા ૬ ગુંડાઓ દ્વારા કરવામાં આવી હતી. હત્યાનું કાવતરું ઘડવામાં બીજા ત્રણ ગુંડાઓ સામેલ હતા. આમ કુલ નવ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે પૈકી ઉત્તર પ્રદેશની પોલીસ દ્વારા ત્રણનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું છે. પોલીસે પહેલું એન્કાઉન્ટર તા. ૨૭ ફેબ્રુઆરીના અરબાઝ નામના ગુંડાનું કર્યું હતું. તે કૌશાંબીનો રહીશ હતો. તેણે હત્યારાઓને ભાગી જવામાં કાર લઈને મદદ કરી હતી. પોલીસે બીજું એન્કાઉન્ટર વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન નામના ગુંડાનું કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ઉમેશ પાલ પર પહેલી ગોળી ઉસ્માને છોડી હતી. ત્યાર બાદ ઉમેશ પાલ પર ગોળી છોડનારા અસદનું પણ હવે એન્કાઉન્ટર થઈ ગયું છે.

ઉત્તર પ્રદેશની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન માફિયા ડોન અતિક એહમદે કબૂલ કર્યું છે કે તે દાયકાઓથી ઉત્તર પ્રદેશમાં ગુંડારાજ ચલાવતો હતો અને પોલીસ અધિકારીઓ પણ તેની ધરપકડ કરતાં ડરતા હતા. માફિયા ડોન તરીકે કારકિર્દીની શરૂઆત કરીને અતિકે રાજકારણમાં ઝંપલાવી દીધું હતું. લોકસભાની ચૂંટણી જીતીને તે સંસદમાં પણ પહોંચી ગયો હતો. વર્ષ ૨૦૧૯માં અતિક ઉપર મોહિત જયસ્વાલ નામના બિલ્ડરનું અપહરણ કરવાનો કેસ પણ કરવામાં આવ્યો હતો. અતિકના ગુંડાઓ તેનું અપહરણ કરીને દેવરિયા જેલમાં લઈ ગયા હતા. ત્યાં તેની મારપીટ કરવામાં આવી હતી. મોહિત જયસ્વાલે ૪૫ લાખ રૂપિયાની ખંડણી ચૂકવી તે પછી તેનો છૂટકારો થયો હતો.

ઉત્તર પ્રદેશની પોલીસે અતિક એહમદના ઘરની તલાશી લીધી તો તેમને ઓછામાં ઓછાં ૨૦૦ બેન્કનાં ખાતાંઓની વિગતો મળી હતી. અતિક અને તેના સગાસંબંધીઓના નામે ૧૦૦ જેટલી મિલકતો હોવાના દસ્તાવેજો પણ મળ્યા હતા. તેમાં કિસાનો પાસેથી બળજબરીથી પડાવી લીધેલી કેટલીક જમીનોનો પણ સમાવેશ થતો હતો. હવે તો ઇડી દ્વારા પણ અતિક એહમદની બેનંબરી સંપત્તિ બાબતમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

તેમાં જાણવા મળ્યું છે કે અતિકના પુત્ર ઓમાર અને પત્ની શાઇસ્તાના નામે પણ ૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. અતિકને કુલ પાંચ પુત્રો છે. તેમાંના બે જેલમાં છે. ત્રીજા અસદનું એન્કાઉન્ટર થઈ ગયું છે. બીજા બે પુત્રો હજુ ભણે છે. જે અતિક એહમદ ઉત્તર પ્રદેશમાં આતંકનો પર્યાય બની ગયો હતો તે હવે કરુણાજનક હાલતમાં મૂકાઈ ગયો છે. કોર્ટની સુનાવણી દરમિયાન તે લગભગ આજીજી કરતો દેખાતો હતો. તેને ડર છે કે તેના પુત્ર અસદની જેમ ઉત્તર પ્રદેશની પોલીસ તેના પરિવારની પણ એન્કાઉન્ટરમાં હત્યા કરી  નાખશે.

ઉત્તર પ્રદેશમાં માયાવતી અને મુલાયમ સિંહ યાદવના શાસન દરમિયાન ગુનાખોરીને છૂટો દોર મળ્યો હતો. ઘણા બધા માફિયાઓને તેમના દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ ચૂંટણીમાં જીતી પણ ગયા હતા. ઘણા ગુંડાઓ તો જેલમાં બેઠા બેઠા ચૂંટણી લડતા હતા અને જીતી જતા હતા. યોગી આદિત્યનાથની સરકાર આવી તે પછી તેણે માફિયાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું હતું. જે ગુંડાઓ ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેમની સામે ફોજદારી કેસો કરવા ઉપરાંત તેમની ગેરકાયદે મિલકતો બૂલડોઝર વડે ખતમ કરવામાં આવી હતી. તેને કારણે તેમનું આર્થિક સામ્રાજ્ય ધ્વસ્ત થઈ ગયું હતું. ઉત્તર પ્રદેશની સરકાર બૂલડોઝરની સરકાર બની રહી છે. હવે ઉત્તર પ્રદેશની સરકાર બનાવટી અથડામણો કરનારી સરકાર તરીકે વિખ્યાત બની રહી છે.

Most Popular

To Top