SURAT

સુરતમાં મચ્છરોને ભગાડવા માટે મહાનગર પાલિકા ડ્રોનનો ઉપયોગ કરશે

સુરત(Surat): કેન્દ્ર સરકાર(Central Government)ની અમૃત 2.0 યોજના હેઠળ જુદાં જુદાં કામો માટે મહાનગર પાલિકાઓને ગ્રાન્ટ મળે છે. ખાસ કરીને સુરત(Surat) મનપા(Municipal Corporation) માટે આ સ્કીમ ફળદાયી પૂરવાર થઇ છે. કેમ કે, આ સ્કીમના પ્રથમ રાઉન્ડમાં માતબર ગ્રાન્ટ મેળવ્યા બાદ બીજા રાઉન્ડમાં એટલે કે અમૃત 2.0માં પણ સુરત મનપાના 460 કરોડની પ્રોજેક્ટ કોસ્ટના પ્રોજેક્ટને મંજૂરી મળી ચૂકી છે.

  • અમૃત 2.0 સુરત મનપાને ફળશે : મનપાના 460 કરોડના પ્રોજેક્ટ મંજૂર થયા
  • મોટા ભાગે પાણી, ગટર અને ગાર્ડનની સુવિધાઓ માટેનાં કામોને મંજૂરી

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતુ કે, અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અમૃત યોજના લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે તથા પર્યાવરણની જાળવણીના હેતુથી આ મિશન શરૂ કરાયું છે. આ યોજનાના મુખ્ય હેતુ શહેરના અંતિમ છેડા સુધી પીવાનું પાણી, ડ્રેનેજ, ગાર્ડન જેવી પ્રાથમિક સુવિધા પહોંચાડવાનો છે. આ યોજનામાં સરકાર દ્વારા પાણી પુરવઠા, ડ્રેનેજ, ગાર્ડન, વોટરબોડી રિજુવિનેશનના સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અન્વયે સુરત મહાનગરપાલિકાના પાણી પુરવઠા માટેની ટ્રાન્સમિશન લાઈનનું રૂ.251.60 કરોડનું કામ, ડ્રેનેજના સિવેજ નેટવર્ક રિહેબિલિટેશન, નવું ડ્રેનેજ નેટવર્ક નાંખવાનું તથા ટ્રીટેડ વોટર માટેની ડિસ્પોઝલ લાઈન સહિતના કુલ રૂ.202. 48 કરોડનાં કામો તથા વોટરબોડી રિજુવિનેશન તથા ગાર્ડનના કુલ રૂ.6.23 કરોડનાં કામો મળી કુલ રૂ.460.31 કરોડનાં કામો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યાં છે.

સુરતે વોટર ઇન્ટેલિજન્ટ મેનેજમેન્ટમાં દિલ્હીની બરાબરી કરી
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી સ્કીમ હેઠળ ઘણા બધા પ્રોજેક્ટમાં સુરત આગળ છે. ત્યારે સ્માર્ટ વેસ્ટ વોટર ઇન્ટેલિજન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં દેશનાં માત્ર બે શહેર પસંદ થયાં છે. જેમાં દિલ્હી અને ગુજરાતમાંથી એકમાત્ર સુરતની પસંદગી થઇ છે. આ સિસ્ટમ કેટલી ઉપયોગી છે તે કોરોનાકાળમાં પ્રતીતિ થઇ હતી. જે-તે વિસ્તારમાં સુએઝના પાણીનાં સેમ્પલોની ચકાસણી થકી કોરોનાનાં સંક્રમણ અંગે જાણકારી મળી શકી હતી. આ સિસ્ટમમાં જે-તે વિસ્તારમાંથી ડ્રેનેજના પાણીનાં સેમ્પલો લઇ તે વિસ્તારમાં વાયરસ, બેક્ટેરિયા, બીમારી અંગે માહિતી મેળવી શકાય છે. કોરોનાકાળમાં સુરત મનપાએ કયા વિસ્તારમાં સૌથી વધારે સંક્રમણ છે તે જાણવા તે વિસ્તારમાંથી ડ્રેનેજનાં સેમ્પલ લઇ આરટીપીસીઆર કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં આ સિસ્ટમ આરોગ્યલક્ષી કામગીરી માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આ સિસ્ટમથી ચોક્કસ વિસ્તારમાં આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભા થાય તો વધુ ધ્યાન આપી શકાય છે.

આગ લાગવાની ઘટનામાં ડ્રોન કેમેરાનો મહત્તમ ઉપયોગ કરવા મથામણ
મનપાનાં ભવિષ્યનાં આયોજનો બાબતે મનપા કમિશનરને જણાવ્યું હતું કે, ડ્રોન કેમેરા મહાનગર પાલિકાનાં વિવિધ કામો માટે ખૂબ ઉપયોગી છે. આથી તેનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મુકાઇ રહ્યો છે. ખાસ કરીને આગ લાગે તેવા બનાવોમાં બચાવ કામગીરીમાં ડ્રોનનો ઉપયોગ ફાયદાકારક પૂરવાર થઇ શકે. ગત વર્ષ ભાઠા જેવા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો ત્યારે ત્યારે ડ્રોન મારફતે તપાસ થઇ શકી હતી. હવે મચ્છરોને કાબૂમાં લેવા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં પણ ડ્રોનનો ઉપયોગ કરી શકાય.

હવે સરકારના ઇ-શ્રમ કાર્ડની કામગીરી પણ મનપા પર થોપાશે
રાજ્ય સરકારનાં ઘણાં કામો મનપા પર થોપવામાં આવે છે. સરકારના સેવા સેતુ પણ હવે મનપાએ કરવા પડે છે. ત્યારે હવે ઇ-શ્રમ કાર્ડની કામગીરી પણ મનપા પર આવી જાય તેવું લાગી રહ્યું છે. કેમ કે, સરકારે મનપાને શહેરના અસંગઠિત શ્રમિકોમાં ઇ-શ્રમ કાર્ડ બનાવી આપવાની ઝુંબેશ શરૂ કરવા સૂચના આપી હોવાનું મનપાનાં સૂત્રો જણાવી રહ્યો છે. મનપામાં કોન્ટ્રક્ટ પર કામ કરતા કર્મચારીઓ, ઇજારદારના કામદારો, કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો, લારી-ગલ્લાવાળાઓ વગેરેને ઇ-શ્રમ કાર્ડ બનાવી આપવાની જવાબદારી મનપા પર થોપાશે.

Most Popular

To Top