National

મુંબઈ: PM મોદીએ સમુદ્ર પર બનેલા દેશના સૌથી લાંબા પુલ અટલ સેતુનું કર્યું ઉદ્ઘાટન

મુંબઈઃ (Mumbai) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે મુંબઈના સમુદ્ર પર બનેલા દેશના સૌથી લાંબા પુલ અટલ સેતુનું (Atal Setu) ઉદ્ઘાટન (Inauguration) કર્યું હતું. મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંકને અટલ સેતુનું નામ આપવામાં આવ્યું છે. તે દેશનો સૌથી લાંબો પુલ છે અને એન્જિનિયરિંગનો નમૂનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો અને હવે પોતાના વચનને નિભાવતા તેઓએ દેશના સૌથી મોટા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસરે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાજર રહ્યા હતા.

આ પુલ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની મુસાફરીને સરળ બનાવશે. લોકોને લાંબા ટ્રાફિક જામમાંથી રાહત મળશે અને આ બ્રિજ પરથી કલાકોની મુસાફરી હવે મિનિટોમાં પુરી કરી શકાશે. આ પુલ 21.8 કિમી લાંબો છે. લગભગ 16 કિમીનો ભાગ સમુદ્ર પર બાંધવામાં આવ્યો છે જ્યારે સાડા પાંચ કિમીનો ભાગ જમીન પર બાંધવામાં આવ્યો છે. અટલ સેતુ પર મુસાફરી કરનારાઓએ માત્ર 250 રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે. તેનું મોટા ભાગનું બાંધકામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સૌથી મોટી કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ કર્યું છે.

નાસિકમાં PM મોદીનો રોડ શો
આ પહેલા પીએમ મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના નાસિકમાં રોડ શો કર્યો હતો અને રામકુંડ અને શ્રી કાલારામ મંદિરમાં પૂજા પણ કરી હતી. મોદીએ અહીં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાનનો રોડ શો હોટલ મિર્ચી ચોકથી શરૂ થયો હતો. તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અને ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ હાજર હતા. વડાપ્રધાનના સ્વાગત માટે રોડ શોના માર્ગો પર હજારો લોકો હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઘણા કલાકારો અને આદિવાસીઓએ પ્રસ્તુતિઓ આપી હતી. ‘નાસિક ઢોલ’ જેવા વિશેષ જૂથોએ પણ કાર્યક્રમો રજૂ કર્યા હતા. લગભગ 35 મિનિટ લાંબો રોડ શો બે કિલોમીટરથી વધુનું અંતર કાપ્યા બાદ સંત જનાર્દન સ્વામી મહારાજ ચોક ખાતે સમાપ્ત થયો હતો.

કાલારામ મંદિરમાં પૂજા
રોડ શો પછી પીએમ મોદી ગોદાવરી નદીના કિનારે સ્થિત રામકુંડ પહોંચ્યા હતા જ્યાં તેમને નાસિક પુરોહિત સંઘના પ્રમુખ સતીશ શુક્લા દ્વારા પરંપરાગત ‘પાઘડી’ અર્પણ કરવામાં આવી હતી. વડાપ્રધાને ત્યાં જળ પૂજન અને આરતી કરી હતી. તેઓ અખિલ ભારતીય સ્વામી સમર્થ ગુરુકુલ પીઠના વડા અન્નાસાહેબ મોરે, નાસિક સ્થિત કૈલાશ મઠના સ્વામી સંવિદાનંદ સરસ્વતી અને ભાજપના આધ્યાત્મિક સેલના તુષાર ભોસલેને પણ મળ્યા હતા. વડાપ્રધાને ભગવાન રામના પ્રખ્યાત મંદિર કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ મંદિર 2 માર્ચ 1930ના રોજ બીઆર આંબેડકર દ્વારા મંદિરમાં દલિતોના પ્રવેશની માંગ સાથે શરૂ કરાયેલા વિરોધ માટે પણ જાણીતું છે.

Most Popular

To Top