National

મુંબઈ દુનિયાનું બીજા નંબરનું સૌથી વધુ પ્રદૂષિત શહેર

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) પ્રદૂષણનું પ્રમાણ ઉંચુ જોવા મળે છે. પરંતુ હવે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે હવે પ્રદૂષણનું ઊંચુ પ્રમાણ દિલ્હી સાથે મુંબઈમાં (Mumbai) પણ જોવા મળ્યું છે. દરિયા કિનારે વસેલા આ શહેરનાં લોકો પ્રદૂષિત હવાના કારણે બિમાર થઈ રહ્યાં છે. મુંબઈ દુનિયાનું બીજા નંબરનું સૌથી વધુ પ્રદૂષિત શહેર બની ગયું છે.

મુંબઈ શહેર હવે દિલ્હીની જેમ ‘ગેસ એન્ડ ડસ્ટ ચેમ્બર’ બની ગયું છે. પ્રદૂષિત હવાના મામલામાં મુંબઈએ દિલ્હીને ઘણા કદમ પાછળ છોડી દીધું છે. શહેરની હવાની ગુણવત્તા (AQI) છેલ્લા બે અઠવાડિયાથી અત્યંત નબળી (250–350) શ્રેણીમાં રહી છે. લાંબા સમયથી આ પ્રદૂષિત હવાના કારણે મુંબઈમાં હવે લોકો શ્વાસ સંબંધી રોગો, શરદી, કફ, ઉધરસથી પીડાઈ રહ્યા છે અને લોકોને બીમાર કરી રહ્યા છે. આંકડાઓ અનુસાર, BMC પાસે પ્રદૂષિત હવાને કારણે મૃત્યુનો કોઈ સીધો ડેટા નથી પરંતુ 2017-2021 સુધીમાં 13,444 લોકો શ્વાસ સંબંધી રોગને કારણે મૃત્યુ પામ્યા છે. આ મૃત્યુના કારણોમાં પ્રદૂષણ અને રોગનો પણ સમાવેશ થાય છે. આ જ કારણ છે કે હવે શહેરના મોટા ડોક્ટરો લોકોને વધતા પ્રદૂષણ અને આગામી હોળીના તહેવારમાં વધુ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

જાણકારી મુજબ મુંબઈમાં તાજેતરના સમયમાં અસ્થમા, બ્રોકાઇટિસ અને અન્ય શ્વસન રોગોના વધુ દર્દીઓ મળી રહ્યા છે. શહેરમાં બદલાયેલ હવામાન, વધતી જતી ગરમી અને સૌથી ઉપર શહેરમાં સતત કામકાજ અને તેમાંથી આવતી ધૂળ અને ધુમાડાને કારણે લોકોને વધુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓ આંખોમાં બળતરાની ફરિયાદ પણ જણાવી રહ્યા છે. લોકોને ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની ફરજ પડી રહી છે.

મુંબઈમાં વધતા પ્રદૂષણ મામલે રાજકારણ પણ શરૂ
મુંબઈમાં વધતા પ્રદૂષણ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રના પૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને શિંદે સરકાર પર પ્રહાર કર્યા છે. આદિત્યએ સીએમ શિંદેને રાજ્ય સરકારમાં પર્યાવરણ મંત્રી ન હોવા બદલ અસંવેદનશીલ ગણાવ્યા છે. આદિત્ય ઠાકરેના ટ્વીટનો વિરોધ કરતા, મુંબઈના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા આગળ આવ્યા અને અગાઉની સરકારોને દોષી ઠેરવ્યા. તેમણે કહ્યું કે શહેરમાં વધતા પ્રદૂષણ માટે અગાઉની સરકારો જવાબદાર છે. સૌએ જોયું છે કે અગાઉનું પર્યાવરણ મંત્રાલય કેવી રીતે કામ કરતું હતું. મંત્રી લોઢાએ જોકે કહ્યું કે શિંદે સરકાર મુંબઈમાં પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લઈ રહી છે.

Most Popular

To Top