સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટમાં કોરોનાના 65 કેસ : બેનાં મોત

રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના સંક્રમણમાં વધારા સાથે કેસની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ બોટાદ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. સૌરાષ્ટ્રમાં ર4 કલાક દરમિયાન વધુ નવા 108 પોઝિટિવ કેસ સામે ૫૮ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં ૫૭ શહેર-8 ગ્રામ્ય કુલ ૬૫, જામનગર 8 શહેર-3 ગ્રામ્ય કુલ 11, જૂનાગઢ 5 શહેર-4 ગ્રામ્ય કુલ 9, ભાવનગર 10 શહેર-4 ગ્રામ્ય કુલ 14 મોરબી 3, બોટાદ 3, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર 1-1 કેસ સહિત કુલ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ 38, જામનગર 7, જૂનાગઢ પ, ભાવનગર 6, મોરબી-અમરેલી 1-1 સહિત 58 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કચ્છમાં નવા 7 પોઝિટિવ કેસ સામે એક પણ દર્દી સાજો થયો નથી. રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ શહેર – જિલ્લામાં બે દર્દીનાં મૃત્યુ થયા છે.

ભાવનગર જિલ્લામા નવા 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,205 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 7 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 10 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાનાં કુંઢેલી ગામ ખાતે 1, સિહોર તાલુકાનાં થોરડી ગામ ખાતે 1, મહુવા ખાતે 1 તેમજ ગારીયાધાર તાલુકાનાં માનવિલાસ ગામ ખાતે 1 કેસ મળી કુલ 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 6 અને તાલુકાઓમાં 7 કેસ મળી કુલ 13 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં નોંધાયેલા 6,205 કેસ પૈકી હાલ 35 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 69 દર્દીઓના મોત થયા છે.

રાજકોટમાં ભાવિ તબીબોને કોરોના  મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થી પોઝિટિવ

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડીકલ કોલેજમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેમાં ફર્સ્ટયરના 10 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વિસ્ફોટના કારણે આ મેડિકલ કોલેજમાં ચાલતો ઓફલાઈન અભ્યાસ બંધ કરવામાં આવ્યો છે અને ઓનલાઇન અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.

હાલ મેડિકલ કોલેજમાં 10 વિદ્યાર્થીઓ પૈકી 1 વિદ્યાર્થિની અને 9 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી મેડિકલ કોલેજના ડીન ડો.મુકેશ સામાણી દ્વારા મેડિકલ સ્ટાફની તત્કાલિક બેઠક બોલવાઈ હતી. બેઠકમાં આજથી વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઇન શિક્ષણ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓને તત્કાલીન વેક્સિન અપાશે

આ અંગે નિવેદન આપતા ડો.મુકેશ સામાણીએ જણાવ્યું હતું કે, હાલ કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ કેરમાં સારવાર શરૂ કરવામાં આવી છે અને કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓને તત્કાલિન વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સિવિલની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા જ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

Related Posts