Vadodara

ફટાકડાં અને શોર્ટ સર્કિટને કારણે 40 થી વધુ આગના બનાવો, એક વૃધ્ધાનું મોત

વડોદરા: વડોદરા શહેર અને જીલ્લામાં નાના મોટા આગની ઘટનાના 40 થી વધુ બનાવો બન્યા હતા.જેમાં દીપાવલીના દિવસે પાદરાના સ્ટેશન રોડ પર ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં આવેલ લાકડાં ના બેન્સામાં બુધવારે મોડી રાતે આગ લાગી હતી.સો મીલ માં ભીષણ આગ લાગી હોવાની જાણ થતાં પાદરા પોલીસ મથકના પીઆઈ એસ.ડી.ધોબી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ તાત્કાલિક પ્રથમ પાદરા નગર પાલિકાના ફાયર વિભાગના કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા સાથે પાલીકાના પ્રમુખ પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલા તથા સ્થાનિક કોર્પોરેટર કૌશિક દરજી પણ ઘટના સ્થળે  દોડી આવ્યા હતા.સો મીલ માં લાકડાં હોવાથી આગ વધુ ન ફેલાય તે માટે ઘટનાની જાણ વડોદરા ફાયર વિભાગને કરવામાં આવી હતી.પાદરા નગર પાલિકાના ફાયરવિભાગની સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના વડીવાડી તથા જીઆઈડીઆઈસી ફાયર ફાયટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

જયારે અન્ય એક બનાવમાં પાદરાના નવાપુરા વિસ્તારના સંતરામ મંદિરની સામે મકાનમાં આગલાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવની જાણ થતાં  પાદરા ફાયર ફાઈટરની ટિમ આવી આગ પર કાબુ મેળવ્યો હતો.જ્યારે મકરપુરા જીઆઈડીસીમાં બીપીન ભાઈ પટેલ 884/14 ના શેડમાં શ્રી સાઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટરર્સ નામની કંપની ધરાવે છે. જે કંપનીમાં શનિવારે સવારે આઠથી સાડા આઠ કલાકના સમયગાળા દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી.જેમાં પરિવારથી વિખુટા પડી એકલવાયું જીવન જીવતા અને છેલ્લાં 2 વર્ષથી કંપનીમાં રહી દેખરેખ કરતા 70 વર્ષીય વૃધ્ધા આગની લપેટમાં આવી જતા ભડથું થઈ ગયા હતા.બીજી તરફ સાંજના સવા આઠેક વાગ્યાના સુમારે મકરપુરા જીઆઇડીસી ડાયમંડ પાર્ક કંપનીમાં આગ લાગી હતી.

આ ઉપરાંત સવારે પોણા બાર વાગ્યાના અરસામાં ન્યુ કારેલીબાગ ખોડીયાર નગર થી સયાજી ટાઉનશીપ રોડ ઉપર આવેલ મારુતિ નગર ફર્નિચરના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી.ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડોદરામાં નવેમ્બર મહિનાના પ્રારંભે જ  આગ લાગવાના બનાવોની શરૂઆત થઈ હતી.1 લી નવેમ્બરના રોજ રાત્રીના 9 વાગ્યાની આસપાસ હરણી તળાવ, ગદા સર્કલ પાસે જલારામ ડેપો તેમજ સદગુરુ ટીમ્બર માર્ટમાં અચાનક ભીષણ આગ લાગતા આગને પગલે ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ હતી.અને સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ કોલ જાહેર કરી 10 થી વધુ  દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.સદનસીબે નજીકમાં આવેલું જલારામ ટીમ્બરનું ગોડાઉન બચી જતા તંત્રે રાહત અનુભવી હતી. જ્યારે વડસર વિસ્તારમાં ચાર ઝૂંપડામાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આગના બનાવમાં શહેરના રાવપુરા મામાની પોળ ખાતે એક કાર સહિત છ વાહનોને પણ નુકસાન થયું હતું.જ્યારે બે લારી, ગેસ લાઇન તેમજ ઝાડમાં પણ આગ લાગવાના બનાવો બન્યા હતા.જ્યારે નાના-મોટા ગોડાઉન કંપનીઓ તેમજ ઉંડેરાના એક ખેતરમાં પણ આગની ઘટના બની હતી.

Most Popular

To Top