National

અફઘાનિસ્તાનથી ભારતે એમ્બેસીના કર્મીઓ લાવવામાં સફળતા બાદ નાગરિકોને પણ લાવવાની તજવીજ

નવી દિલ્હી : કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban’s)નો કબજો થયાના બે દિવસ પછી ભારતે (India) એક આકરી અને જટિલ કવાયત હેઠળ અફઘાનીસ્તાન (Afghanistan)ના પાટનગરમાંથી પોતાના તમામ રાજદ્વારીઓ અને અન્ય સ્ટાફને બહાર કાઢવાનું કામ પૂર્ણ કરી લીધું છે. ત્રાસવાદી (Embassy) જૂથે સત્તા પર કબજો જમાવતા 1996 પછી બીજીવાર ભારતે પોતાના કાબુલ મિશન (Mission kabul)ને અસરકારક રીતે બંધ કરી દીધું છે.

તાલિબાનોની ક્રુરતાના ભયથી દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કરતા સ્થાનિક રહીશોના ગભરાટથી અંધાધુંધીનું સાક્ષી બનેલા કાબુલ એરપોર્ટ પર તેના એક દિવસ પછી અમેરિકાના ટેકાથી ભારતે બે સૈન્ય વિમાનમાં ભારતીય દૂત અને અન્ય કર્મચારીઓ સહિત અંદાજે 200 લોકોના સ્થળાંતરના મિશનને પાર પાડ્યું હતું. સોમવારે આઇએએફના પહેલા સી-17 હેવી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે 40 કર્મચારીઓનું સ્થળાંતર કરાવ્યું હતું, જ્યારે બીજું એરક્રાફ્ટ મંગળવારે બપોરે રાજદૂત, અન્ય રાજદ્વારીઓ, સુરક્ષા અધિકારીઓ અને કેટલાક પત્રકારો તેમજ ત્યાં ફસાયેલા ભારતીયો સહિત લગભગ 150 લોકોને લઇને પાછું ફર્યું હતું.

વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હી નજીક હિન્ડનમાં બીજા વિમાને ઉતરાણ કર્યાના તરત પછી ન્યૂયોર્કથી ટ્વિટ કર્યું હતું કે કાબુલમાંથી ભારતીય રાજદૂત અને દૂતાવાસના અન્ય કર્મચારીઓને ખસેડવાની કામગીરી એક આકરી અને જટિલ કવાયત હતી. એ તમામનો આભાર જેમણે પોતાના સહકાર અને સુવિધાથી તેને સંભવ બનાવ્યું. એક અન્ય ટ્વિટમાં જયશંકરે 21 ભારતીયોને કાબુલથી પેરિસ લઇ જવા માટે પોતાના ફ્રેન્ચ સમકક્ષ જીન યવેસ લે ડ્રિયનનો આભાર માન્યો હતો. આ બાબત સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે જ્યારે જયશંકર પોતાના અમેરિકન સમકક્ષ એન્ટોની બ્લિંકન સાથે વાતચીત કરતાં હતા ત્યારે એનએસએ અજીત ડોવાલે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ જો બાઇડનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે આ સ્થળાંતર મિશન અંગે વાતચીત કરી હતી.

કાબુલ એરપોર્ટ પર અફરાતફરીને ધ્યાને લઇ બીજું વિમાન તાઝિકિસ્તાન એરબેઝ પર રખાયું
કાબુલ એરપોર્ટ પર ચાલી રહેલી અફરાતફરી અને અંધાધુંધીને ધ્યાને લઇને ભારતે પોતાનું બીજુ વિમાન સોમવારે તાઝિકિસ્તાનના એક એરબેઝ પર ઊભું રાખ્યું હતું અને તેણે ભારતીયોની વતન વાપસી માટે આજે સવારે ત્યાંથી કાબુલ માટે ઉડ્ડયન કર્યું હતું.

Most Popular

To Top