Feature Stories

107 વર્ષથી સુરતીઓને જ્ઞાનનું ભાથું પીરસી રહ્યા છે મે. લલ્લુભાઇ નારણદાસ એન્ડ સન્સ

તમે 107 વર્ષ પહેલાંના સુરતની કલ્પના કરો એ સમય એવો હતો જ્યારે ઘોડાગાડી માલેતુજાર લોકો માટેનું વાહનવ્યવહારનું સાધન ગણાતું અને સાઇકલ પણ જૂજ લોકો પાસે હતી. એવા એ સમયમાં સ્કૂલનાં બાળકોને જ્ઞાનનું ભાથું મળી રહે તે માટે ભાગળ લીમડા ચોક વિસ્તારમાં જ્ઞાનની પરબ એવી પાઠ્યપુસ્તકોની દુકાન શરૂ કરી મંગળદાસ લલ્લુભાઇ બુકસેલરે બાળકો માટે સ્ફુલી જ્ઞાન સરળ બનાવ્યું હતું. સાથે જ તેમણે વ્યાપારીઓ માટે નામું લખવું સરળ બને તે માટે નામાના ચોપડા વેચવાનું શરૂ કર્યું હતું. એ સમયે સુરતનો વિસ્તાર ચોકથી રેલવે સ્ટેશન સુધીનો ગણાતો. બદલાતા જમાના પ્રમાણે આ પેઢીએ પણ પોતાના ધંધાની સીમા વિસ્તારી બાળકો માટે રમકડાં અને ગેમ્સનું વેચાણ પણ શરૂ કર્યુ હતું. આજે કોમ્પ્યુટરના આ યુગમાં આંગળીના ટેરવે જ્ઞાન મળવું સરળ થઈ ગયું છે એવા આ આધુનિક યુગમાં આજે પણ 107 વર્ષે પણ આ પેઢી અડીખમ ઉભી છે તો એની પાછળનું શું રહસ્ય છે તે આપણે આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલકો પાસે થી જાણીએ..

મંગળદાસ બુકસેલર સ્કૂલોમાં પુસ્તકોની ડિલિવરી સાયકલ પર કરતાં
આ પેઢીનો પાયો મંગળદાસ લલ્લુભાઇ બુકસેલરે 1915માં નાંખ્યો હતો. ત્યારે તેમની ઉંમર 22 વર્ષની હતી. એમણે પોતાના પિતા લલ્લુભાઇ નારણદાસના નામે આ પેઢીની શરૂઆત કરી હતી. તેમને બાળકો સ્કૂલમાં ભણી અને પ્રગતિ કરે તેમાં ઇન્ટરેસ્ટ હતો એટલે તેમણે સ્કૂલ બુક્સ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. તેઓ જાતે સુરતમાં જ સ્કૂલ બુક્સ પ્રિન્ટ કરાવતા ત્યારે ગવર્નમેન્ટની બુક્સ નહીં હતી. પેઢીની શરૂઆતમાં તે પાઠ્યપુસ્તકો અને નામાના ચોપડા તથા સ્ટેશનરી વેચતા. સ્કૂલ તરફથી જથ્થાબંધ પુસ્તકોનો ઓર્ડર આપવામાં આવતો. તેઓ સ્કૂલમાં સાયકલ પર બુક્સની ડિલિવરી આપવા જતાં. ત્યારે તેમણે કઠોર પરિશ્રમ કરી આ બિઝનેસ જમાવ્યો હતો. ત્યારે ભાગળ રાજમાર્ગ પર ત્રણથી ચાર દુકાનો હતી. જૂનામાં આ પેઢી હતી.

બાબુભાઈની સાથે તેમના બે ભાઈઓએ પણ સહકાર આપ્યો
આ પેઢીની સ્થાપના કરનારા મંગળદાસ બુકસેલરનો આગ્રહ હતો કે આ પેઢીનું નામ કાયમ આગળ વધે અને પ્રગતિ કરે એટલે તેમની ઈચ્છા હતી કે તેમના દીકરા બાબુભાઈ સાથે બીજા બે દીકરા શાંતિલાલ અને મનુભાઈ પણ પેઢીને સહકાર આપે એટલે તેઓ પણ બેસતા અને ધંધાને આગળ ધપાવ્યો હતો. 1963થી આ પેઢીનું સંચાલન બાબુભાઈના દીકરા કૃષ્ણકાંત બુકસેલરે 1964-65થી હાથમાં લીધું હતું.

તે જમાનામાં પુસ્તક એક આનામાં વેચાતું
એ જમાનામાં બુકનો ભાવ એક આનાથી શરૂ થઈને 2 રૂપિયા સુધી પુસ્તકો વેચાતાં. એ જમાનામાં ગ્રાહકો પેઢી સુધી સાઈકલ પર અથવા પગપાળા આવતાં હતાં. પુસ્તકોની દુકાનો બહુ જૂજ હોવાથી સુરતની આસપાસના ગામના લોકો પણ અહીં પુસ્તકોની ખરીદી માટે આવતા.આજના જમાનાના લોકો નવા વર્ષના નામાના ચોપડા જે ગ્રાહકો ખરીદી કરવા માટે આવે છે તે લોકોનું કહેવું છે કે અમે છેલ્લી બેથી ત્રણ પેઢીથી તમારે ત્યાંથી જ શુકનવંતા ચોપડાની ખરીદી કરીયે છીએ. અને એની સાથે અમારી ભાવના જોડાયેલી છે. આજના કોમ્પ્યુટરના યુગમાં ચોપડામાં લખાણ વધતું-ઓછું કરતા હોય તો પણ ચોપડાની તો સારા મૂહુર્તમાં ખરીદી કરવી તેવો લોકોનો આગ્રહ હોય છે. ચોપડાની સાથે કેલેન્ડર, પંચાંગ, તારીખના ડટ્ટા વગેરે ખરીદતાં જ હોય છે.
આઝાદી પહેલાંની બુક્સ ઓટલા પર મૂકી ઓછા ભાવે વેચી
દક્ષેશભાઈ બુકસેલરે જણાવ્યું કે, 1970-80ના સમયગાળા દરમિયાન દુકાનના ઓટલા પર આઝાદી પહેલાની ઠગલાંબંધ પુસ્તકો ઓછા ભાવે વેચવા મૂકી હતી. કવિઓની, લેખકોની, કહેવતની, શબ્દકોશની પુસ્તકોનો સમાવેશ થતો હતો.

1990ના દસકામાં સુરતમાં ચાઈનીઝ રમકડાં બજારમાં આવવા લાગ્યાં
કોમ્પ્યુટરનો યુગ આવતાં નામાના ચોપડાનો વપરાશ ધીરે-ધીરે ઘટતો ગયો પણ આજ પેઢીના નામથી ધંધો ચાલુ રાખવાનો હોવાથી બહું વિચાર કરીને સ્કૂલ બુક્સ, એકાઉન્ટ બુક્સ, સ્ટેશનરીની સાથે સાથે જમાના પ્રમાણે થોડું પરિવર્તન લાવવાનાં ઈરાદા થી 1996થી કૃષ્ણકાંતભાઈ બુક્સેલરે રમકડા અને ગેમ્સનું વેચાણ શરૂ કર્યું હતું. 1990ના દસકામાં ભારતીય રમકડાં ઉપરાંત ચાઈનીઝ રમકડાં બજારમાં આવવાના શરૂ થયા હતાં.

1968 અને 2006ની રેલમાં લાખો રૂપિયાનું નુકસાન થયું: દીપેશ બુકસેલર
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક દીપેશ બુકસેલરે જણાવ્યું કે 1968માં સુરતમાં પુરની સ્થિતિમાં ઉભી થઇ હતી ત્યારે આ દુકાનમાં પુસ્તકો, નામાના ચોપડા અને સ્ટેશનરીને નુકસાન થયું હતું. એ વખતે સ્ટેશનરીમાં ચોક, પેન્સીલ, રબર, લાકડાની ફૂટપટ્ટી, ચોક સ્ટીક અને ડસ્ટર વેચાતું હતું. જ્યારે 2006માં સુરતમાં ભયંકર પુર આવ્યું હતું જેને સુરતીઓ ક્યારેય નહીં ભૂલી શકે. તે વખતે આ દુકાનમાં ત્રણ ફુટ જેટલું પાણી ભરાયું હતું એ વખતે પુસ્તકો અને રમકડાંને ત્રણ લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. આ પેઢીને રેલને કારણે ખાસ્સો આર્થીક ફટકો પડયો હતો.

1993માં દશેરાના દિવસે દુકાનમાં આગ લાગી: દક્ષેશભાઈ બુક્સેલર
આ દુકાનના ચોથી પેઢીના સંચાલક દક્ષેશભાઈ બુકસેલરે જણાવ્યું કે 1993માં દશેરાના દિવસે આ દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારે દુકાનને પોણા ભાગનું નુકશાન થયું હતું. ત્યારે આગમાં સ્કૂલ બુક્સ, નામાની બુક્સ અને સ્ટેશનરી બળીને ખાખ થઈ હતી. લગભગ ત્રણ લાખ રૂપિયાનું નુકસાન પેઢીને થયું હતું. આગને કારણે દુકાનની એવી હાલત થઈ હતી કે નવેસરથી જ દુકાન બનાવવી પડે. આગને કારણે દુકાન બિસ્માર થવાથી ફરી દુકાનનું નિર્માણ નહીં થયું ત્યાં સુધી બે વર્ષ સુધી ધંધો ફરજીયાત બંધ રાખવો પડ્યો હતો.

રવિવારના દિવસે સાંજે દુકાન ખોલવામાં આવે છે
રવિવારનો રજાનો ફુરસદનો દિવસ હોય એટલે સાંજના સમયે લોકો ખરીદી માટે નીકળતા હોય છે. એટલે આ દુકાન રવિવારે સાંજે 4થી રાત્રીના 9 વાગ્યાં સુધી ખુલ્લી રાખવામાં આવે છે. જેથી આખું અઠવાડિયું કામમાં વ્યસ્ત રહેતા લોકો રવિવારે રજાના દિવસે ખરીદી કરી શકે. સ્કૂલ સ્ટેશનરીનું વેચાણ દિવસે-દિવસે વધતું જાય છે જેમાં કમ્પાસ બોક્સ, પાઉચ, લંચ બોક્સ, વોટર બેગ વધારે વેચાય છે.

2001થી ગિફ્ટ આર્ટિકલ્સ અને કાર્ડસનું વેચાણ શરૂ કર્યું
આ પેઢી દ્વારા 1996માં ધંધાનું વિસ્તરણ કર્યા બાદ રમકડાં અને ગેમ્સના વેચાણમાં સફળતા મળતા 2001માં દુકાનના પહેલાં માળે કૃષ્ણકાંતભાઈના મોટા દીકરા દક્ષેશભાઈના સહકારથી મિડવે કાર્ડસ અને ગિફ્ટના નામથી બિઝનેસનું બીજીવાર વિસ્તરણ કર્યું. કાર્ડસનું વેચાણ હવે ઓછું થયું છે પણ વેચાય તો છે જ.

Most Popular

To Top