Feature Stories

સુરતમાં માતાજીની ભક્તિ માટે સજાવાતી ગરબીઓમાં ઝળકે છે મુસ્લિમ બહેનોની આર્ટિસ્ટિક સેન્સ

તહેવારોને ધર્મના કોઈ સીમાડા નથી નડતા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ટાવર નજદીક કુંભારવાડના મુસ્લિમ પરિવારની મોટાભાગની મહિલાઓ. આ મહિલાઓ નવરાત્રીમાં માતાજીની ગરબીની સજાવટનું કામ કરી માતાજીની ભક્તિમાં રંગો પુરી રહી છે. આ કુંભરવાડના મુસ્લિમ પરિવારો એમની સાતથી 8 પેઢીઓથી માતાજીના ગરીબીની સજાવટ કરે છે. પહેલાં આ પરિવારના પુરુષો પણ આ જ કામ કરતા પણ પછી થી મોટાભાગની મહિલાઓએ ગરબી સજાવટનું કામ સંભાળી લીધું છે જ્યારે પરિવારના પુરુષો બીજા કામ-ધંધા તરફ વળ્યા છે. અહીં સજાવવામાં આવતી ગરબીઓ નવસારી, ચીખલી, બીલીમોરા,સાયણ, કોસંબા, વાપી સુધી જાય છે. માટલી (ગરબી) રાજકોટ, અમદાવાદ,મહેસાણા, સિધ્ધપુરથી આવે છે. જ્યારે તેની સજાવટનું કામ આ કુંભરવાડમાં થાય છે

25 મુસ્લિમ પરિવાર ડિઝાઇનર ગરબી તૈયાર કરે છે : નઝમાબેન
કુંભરવાડના નઝમાબેન યાકુબભાઈ માટલાવાલાએ જણાવ્યું કે 100-સવાસો વર્ષ પહેલાંથી તેમના પૂર્વજો અહીંજ પાણીના માટલા-માટલી બનાવતાં. વર્ષો થી આ પરિવારો ગરબી બનાવે છે. જોકે હવે અહીં ભઠ્ઠી નથી લાગતી કે નથી ચાકડા પર માટલા બનતા કે નથી ગરબી તૈયાર થતી લાલ અને સફેદ રંગના માટલા, દીવા, કુંડા, મીઠાઈ ભરવા માટેની નાની માટકઓનો સ્ટોક બહારથી મંગાવવામાં આવે છે પછી અહીં ગરબીની સજાવટ ગ્રીન કલર, મરૂન કલર,યલો, પોપટી કલર ગરબી પર કરાય છે અને આ કલર ફેબ્રિક, વોટર કલર હોય છે.

સાદી ગરબી પર આકર્ષક કલર કર્યા બાદ ડેકોરેટીવ ડીઝાઇન જેમકે ફૂલ, સાથિયા, આભલા, મિરર વર્ક અને લેસનું વર્ક કરી ગરબી તૈયાર કરાય છે. અહીં કુંભરવાડમાં વસેલા 25 જેટલાં મુસ્લિમ પરિવારો નવરાત્રીના એક મહિના પહેલાંથી ગરબી સજાવટનું કામ શરૂ કરે છે. નવરાત્રીના અઠવાડિયા, દસ દિવસ પહેલાં માતાજીના ભક્તો ગરબી લેવાં કુંભરવાડમાં આવે છે. અહીંના દરેક પરિવાર આ દિવસો દરમિયાન રોજના 100-150થી વધારે ગરબી વેચે છે. ડિઝાઈનર આકર્ષક ગરબી તૈયાર કરવામાં એક કલાકથી વધારેનો સમય નીકળી જાય છે.

સુરતમાં સજાવટ કરેલી ગરબી નવસારી, વાપી જાય છે
સુરતમાં સજાવટ કરેલી ગરબીની ડીમાન્ડ નવસારી, ચીખલી, બીલીમોરા, સાયણ,કોસંબા, વાપીમાં પણ છે કારણકે ત્યાં સજાવટ કરેલી તૈયાર ગરબી નથી મળતી. આ પરિવારો ત્યાંના હોલસેલ વ્યાપારીઓને ગરબીનો સ્ટોક આપે છે.
દિવાળીના દીવડા, જન્માષ્ટમીની દહીં હાંડીની માટકીઓ માટે પણ મેળો લાગે છે
રઝીયાબેન ઇસ્માઇલ શેખે જણાવ્યું કે અહીં નવરાત્રીમાં ગરબી માટે, દિવાળીમાં દીવડા માટે, જન્માષ્ટમીની દહીં-હાંડીની માટકીઓ ખરીદવા લોકોની ભીડ રહે છે. આ ખરીદી માટે લોકોનો મેળો લાગે છે. લગ્ન પ્રસંગો માટે ગણેશ માટલી લેવા પણ લગ્નસરામાં લોકોની ભીડ રહે છે. કુંભરવાડના પરિવારોની રોજીરોટી આ જ માટલીઓ છે.

Most Popular

To Top