Feature Stories

90 વર્ષે પણ હકીમ ચીચીની જડીબુટ્ટીઓ સુરતીઓ માટે અકસીર દવાઓ સાબિત થઈ રહી છે

હકીમ ચીચી સુરતમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જેણે આ નામ નહીં સાંભળ્યું હોય. જેટલું આ નામ રોચક છે એટલો જ એના ઉદ્દભવનો ઇતિહાસ રોચક છે.1910ના આસપાસની વાત છે શેખ મોહમ્મદ નવસારીવાલા સુરતની ગલી-ગલીઓમાં ફરતા હતાં અને તાળાની ચાવીઓ બનાવી આપતા. તેઓ એક વખત સચીનના નવાબના ઘરે તીજોરીની ચાવી બનાવવા ગયા હતાં ત્યારે સચીનના નવાબ સાહેબની તબિયત સારી નહીં હતી તેમની સારવાર માટે જૂનાગઢથી એક હકીમ આવ્યાં હતાં. શેખ મોહમ્મદ નવસારીવાલાએ જૂનાગઢના હકીમ સાહેબ સાથે કોઈ દવા વિશે ચર્ચા કરી હતી. ત્યારે જૂનાગઢના હકીમ સાહેબે પ્રશ્ન કર્યો હતો કે તમે આ દવાઓ વિશે કઈ રીતે જાણો છો? જવાબમાં શેખ મોહમ્મદ નવસારીવાલાએ જણાવ્યું હતું કે મને દવાની જાણકારી આપતા પુસ્તકો વાંચવાનો શોખ છે એને કારણે જ હું દવાઓ વિશે જાણું છું. ત્યારે જૂનાગઢના હકીમ સાહેબે પ્રસ્તાવ મુક્યો હતો કે તમને હકીમ બનવામાં રસ હોય તો જૂનાગઢ મારી પાસે આવો. એટલે તેઓ જૂનાગઢ પહોંચ્યા અને ત્યાં રહીને હિકમત હાંસિલ કરી હકીમ બન્યાં. આ વ્યક્તિ એટલે સમગ્ર સુરતીઓ માટે જાણીતું નામ હકીમ ચીચી. આ નામ દરેક સુરતીની જીભ પર છે કારણકે એલોપથી દવાઓના આ જમાનામાં પણ હકીમ ચીચીની જડીબુટ્ટીઓ સુરતીઓ માટે અકસીર દવાઓ સાબિત થઈ રહી છે. હકીમ શેખ મોહમ્મદ નવસારીવાલા હકીમ ચીચી તરીકે જાણીતા થયા. આજે 90 વર્ષે પણ હકીમ ચીચી પેઢીની જડીબુટ્ટીઓની દવાઓ પર સુરતીઓ આંખો મીંચીને વિશ્વાસ કરે છે. તો શા માટે તે આપણે આ ફાર્મસી દુકાનના પાંચમી પેઢીનાં સંચાલક મોહમ્મદ કાસીમ અબ્દુલ હકીમ હકીમચીચી પાસેથી જાણીએ.

  • વંશવેલો
  • હકીમ શેખ મોહમ્મદ હકીમ ચીચી
  • હકીમ મોહમ્મદ કાસીમ હકીમ ચીચી
  • શેખ મોહમ્મદ મોહમ્મદ કાસીમ હકીમ ચીચી
  • અબ્દુલ હકીમ શેખ મોહમ્મદ હકીમ ચીચી
  • મોહમ્મદ કાસીમ અબ્દુલ હકીમ હકીમ ચીચી
  • મોહમ્મદ અનસ મોહમ્મદ કાસીમ હકીમ ચીચી
  • મોહમ્મદ અક્રમ મોહમ્મદ કાસીમ હકીમ ચીચી

એક ગ્રામ કેસર અઢી રૂપિયે મળતું જે હવે 250 રૂ. ગ્રામ મળે છે: મોહમ્મદ અમીન સીરાજઉદ્દીન કાઝી
આ પેઢીમાં છેલ્લાં 54 વર્ષથી અકાઉન્ટન્ટ તરીકે સેવા આપતા મોહમ્મદ અમીન સીરાજઉદ્દીન કાઝીએ જણાવ્યું કે હું 17 વર્ષની ઉંમરનો હતો ત્યારથી એટલે કે 1967થી આ પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે સેવા આપું છું. ત્યારે મારી સેલેરી 200 રૂપિયા હતી એ જમાનો સોંઘવારીનો (બરક્તવાળો) જમાનો હતો. પહેલાંના સમયમાં 10 રૂપિયે અને 15 રૂપિયે કિલો જડીબુટ્ટીઓ મળતી. બદામ 60થી 70 રૂપિયે કિલો મળતી જે હવે 900 રૂપિયે કિલો મળે છે. ચારોળી 60થી 70 રૂપિયે કિલો મળતી અને એક ગ્રામ કેસર અઢી રૂપિયામાં મળતું જે હવે 250 રૂપિયે એક ગ્રામ મળે છે. એ સમયમાં ડ્રાય ફ્રૂટ ખાનારો વર્ગ ખૂબ ઓછો હતો.

તીણો અવાજ હોવાને કારણે હકીમ ચીચી નામ પડ્યું: મોહમ્મદ કાસીમ અબ્દુલ હકીમ હકીમચીચી
આ ફાર્મસી શોપના પાંચમી પેઢીનાં સંચાલક મોહમ્મદ કાસીમ અબ્દુલ હકીમ હકીમ ચીચીએ જણાવ્યું કે મારા દાદાના દાદા હકીમ શેખ મોહમ્મદ હકીમ ચીચી જૂનાગઢથી સુરત આવ્યા બાદ ઘરની નીચે જ દવાખાનું ખોલ્યું. દવાખાનાની પ્રેક્ટિસ કરતાં-કરતાં તેઓ લોકોમાં પ્રખ્યાત થયા લોકો તેમને તાળા-કૂચીવાળા હકીમ સાહેબના નામે ઓળખવા લાગ્યાં. એમનો અવાજ તીણો હોવાથી લોકોએ તેમનું હકીમ ચીચી હુલામણું નામ પાડ્યું. એને કારણે એમની અટક નવસારીવાલાના સ્થાને હકીમ ચીચી બની ગઈ. તેમનું આ નામ જ લોકોમાં પેઢીની ઓળખ બની છે.

ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો અનુભવ લેવા માટે અન્યત્ર સર્વિસ કરી
શેખ મોહમ્મદ હકીમ ચીચી પછી તેમના પુત્ર અબ્દુલ હકીમ શેખ મોહમ્મદ હકીમ ચીચી પેઢીમાં બેસતાં થયાં. તેઓ દર્દીને જોઈને તપાસીને દવાઓ આપતા હતાં સાથે-સાથે એમના મનમાં વિચાર આવ્યો કે લોકોને જડીબુટ્ટીઓ અને દવાઓની સાથે-સાથે મરી-મસાલા, ડ્રાયફ્રૂટ, કોસ્મેટિક અને રોજીંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ થાય તે માટે ડિપાર્ટમેન્ટલ સ્ટોર શરૂ કરવા માટેની જાણકારી મેળવવા ચૌટા બ્રિજની ઉપર પ્રેમચંદ નેહાલચંદ નામની દુકાનમાં ત્રણથી ચાર મહિના બધી વસ્તુઓની જાણકારી લેવા અનુભવ લેવા સર્વિસ કરી. ત્યાર પછી 1970માં એમણે દવાખાના અને જડીબુટ્ટીઓ સાથે ડીપાર્ટમેન્ટલ સ્ટોરની પણ સ્થાપના કરી. જે દવાખાનું દવાખાના મુઇનુસ સિહત હતું એની જગ્યાએ પેઢીનું નામ હકીમ ચીચી ફાર્મસી કર્યું. જેમાં ઉચ્ચ ક્વોલિટીના ડ્રાયફ્રૂટ અને મરી-મસાલાના વેચાણને કારણે આ પેઢી લોકોમાં વિશ્વાસનું પાત્ર બની.

2006ની રેલમાં જડીબુટ્ટીઓ અને તૈયાર દવાઓના સ્ટોકને નુકસાન
2006ના વર્ષમાં સુરતમાં આવેલી ભયંકર રેલને સુરતીઓ કદાપી નહીં ભૂલી શકે. આ રેલમાં આ પેઢીનાં ગોડાઉનમાં 8થી 9 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. ગોડાઉનમાં રહેલી જડીબુટ્ટીઓ અને તૈયાર દવાઓના લાખો રૂપિયાના સ્ટોકને નુકસાન થયું હતું. શોપમા ગ્રાઉન્ડ ફ્લોર પર એકથી દોઢ ફૂટ પાણી ભરાવાને કારણે કાઉન્ટરને નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાનને વેઠયા બાદ હિંમત અને સાહસ કરીને એ જ સમયગાળા દરમિયાન દુકાનની કાયાપલટ કરવામાં આવી અને કોમ્પ્યુરાઇઝડ અને સેલ્ફ સર્વિસ કરવામાં આવી.

ન. પ્રા.શિક્ષણ સમિતિની એક સ્કૂલને હકીમ શેખ મોહમ્મદ હકીમ ચીચી નામ અપાયું છે
મનપા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોને નામાંકિત વ્યક્તિઓના નામ અપાય છે તેમાં ગોલવાડ સ્થિત શાળા નમ્બર 58ને હકીમ શેખ મોહમ્મદ હકીમ ચીચી નામ આપવામાં આવ્યું છે જે હકીમચીચી પરિવાર માટે ખૂબ ગૌરવની વાત છે.

પંડિત જવાહરલાલ નહેરુ સાથે નો યાદગાર પ્રસંગ
મોહમ્મદ કાસીમ અબ્દુલ હકીમ હકીમ ચીચીએ એક યાદગાર પ્રસંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મારા દાદા શેખ મોહમ્મદ હકીમ ચીચીના સમય દરમિયાન જ્યારે દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ સાહેબ કોંગ્રેસની એક બેઠક માટે સુરત આવ્યાં હતાં ત્યારે અમારા ઘરે તેમણે ભોજન લીધું હતું.

1932થી 1960ના સમયમાં સુરતની વસ્તી માત્ર 8 લાખની હતી
આ ફાર્મોસી શોપના સંચાલક મોહમ્મદ કાસીમ અબ્દુલ હકીમ હકીમ ચીચીએ જણાવ્યું કે મારા પિતા અને દાદા કહેતા હતા કે 1932થી 1960ના સમય દરમિયાન સુરતની વસ્તી લગભગ 8 લાખની હતી. આજે સુરતની વસ્તી 55 લાખને પાર કરી ગઈ છે. હું આ પેઢીમાં 1986થી 18 વર્ષની ઉંમરે જોડાયો હતો.

ક્રિકેટર વિશ્વનાથ સાથેનો યાદગાર પ્રસંગ
મોહમ્મદ કાસીમ અબ્દુલ હકીમ હકીમ ચીચીએ જણાવ્યું કે 1970ના દાયકા દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયા વચ્ચેની એક મેચ બાદ મુંબઈની એક હોટલમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મારા પિતા અબ્દુલ હકીમ શેખ મોહમ્મદ હકીમ ચીચીએ આ પેઢીની પ્રોડક્ટ શેમ્પૂચી સાબુનું ગિફ્ટ હેમ્પર ઇન્ડિયન ક્રિકેટર વિશ્વનાથને આપ્યું હતું.

બિઝનેસનો સંબંધ પારિવારિક સંબંધ બની ગયો: યોગેશભાઈ વાંકાવાલા
વાંકાવાલા ટ્રેડર્સના યોગેશભાઈ વાંકાવાલાએ જણાવ્યું કે 1973થી વાંકાવાલા ટ્રેડર્સ હકીમ ચીચીના સ્ટોકીસ્ટ છે. આ પેઢીના ગેસુદરાઝ હેર ઓઇલ, શેમ્પૂચી સાબુ અને પેટની ઠંડક માટે ગુલકંદ તથા અન્ય પ્રોડક્ટ્સ બીજી દુકાનોમાં સપ્લાય કરે છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી હકીમ ચીચી પેઢીનાં રાહતે કલ્બ (હાર્ટ ટોનિક), ઝીયાબીતોલ (ડાયાબિટીઝ માટેની દવા) અમદાવાદથી લઈને વાપી સુધી આપે છે. ગુજરાત બહાર રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ જાય છે. વર્ષોથી આ પેઢી સાથે સંકળાવાને કારણે હકીમચીચી સાથેનો અમારો બિઝનેસનો સંબંધ પારિવારિક સબંધ બની ગયો છે.

મર્હુમ અભિનેતા દિલીપ કુમાર આ પેઢીના શરબત મુંબઈ મંગાવતા
મોહમ્મદ કાસીમ અબ્દુલ હકીમ હકીમ ચીચીએ જણાવ્યું કે મર્હુમ અભિનેતા દિલીપ કુમાર સાહેબને આ પેઢીનાં શરબત પસંદ હતાં. તેઓ ખાસ મુંબઈથી માણસ સુરત આ પેઢીનાં શરબત લેવા મોકલતા. તેઓ મારા દાદા શેખ મોહમ્મદ હકીમ ચીચી સાથે દેવલાલી (નાસીક પાસે) માં કોલેજમાં સાથે ભણતાં હતાં.

આખા દેશમાંથી કાચી જડીબુટ્ટીઓ મંગાવીને વેચવાનું શરૂ કર્યું
શેખ મોહમ્મદ નવસારીવાલા જે પાછળથી હકીમ ચીચીને નામે ઓળખાતા થયા તેમના પુત્ર હકીમ મોહમ્મદ કાસીમ હકીમ ચીચી અલીગઢ યુનિવર્સીટીમાંથી ભણીને આવ્યા બાદ પેઢીનું સંચાલન શરૂ કર્યું જેનું નામ દવાખાના મુઇનુસ સિહત હતું. જે 1932માં સ્થપાઈ હતી. તેમની હકીમી દવાઓ લેવા સારવાર કરાવવા દૂર-દુરના ગામોથી લોકો આવતા. તેઓ વૃધ્ધાવસ્થામાં પહોંચતા તબિયતને કારણે તેમના દવાખાનાની પ્રેકટીસ ઓછી થતી ગઈ ત્યારે તેમણે આખા ભારતમાંથી કાચી જડીબુટ્ટીઓ મંગાવીને એનું પણ વેચાણ દવાખાનાની સાથે કર્યું. તેઓ બસ અને ટ્રેન મારફતે કશ્મીરથી લઈને કન્યાકુમારીથી જડીબુટ્ટીઓ મંગાવતા હતા. તેમણે 600થી 650 જેટલી જડીબુટ્ટીઓ ઉપલબ્ધ કરાવી. એ સમયે આખા સાઉથ ગુજરાતમાં કોઈપણ જડીબુટ્ટીની દુકાન નહીં હતી. એમના બાદ એમના પુત્ર હકીમ મોહમ્મદ કાસીમ હકીમ ચીચીએ પેઢીનું સંચાલન કર્યું હતું.

Most Popular

To Top