Columns

મનોરંજન માટે માછીમારીની છૂટ આપી શકાય?

ભારતના બંધારણની 51-A કલમ મુજબ ભારતના નાગરિકોની જે મૂળભૂત 11 ફરજો છે, તેમાં સાતમા નંબરની કલમ દ્વારા પર્યાવરણ અને જીવસૃષ્ટિની રક્ષાની જવાબદારી દેશના દરેક નાગરિકોને સોંપવામાં આવી છે. 51-A કલમમાં નદીઓ, તળાવો, જંગલો, જંગલી જાનવરો ઉપરાંત સૂક્ષ્મ જીવજંતુઓનો પણ સમાવેશ થાય છે. ઇ.સ. 2002માં બંધારણના 86મા સુધારા દ્વારા આ 11 ફરજો માત્ર સરકારની જ નહીં પણ દેશના તમામ નાગરિકોની નક્કી કરવામાં આવી હતી. સાતમી ફરજનો અર્થ થાય છે કે જ્યાં સુધી અતિશય આવશ્યક અને અનિવાર્ય ન હોય ત્યાં સુધી કોઈ પણ જીવની હિંસા કરવી જોઈએ નહીં. ભારતના કરોડો લોકો માંસાહારી છે અને કેટલાક મત્સ્યાહારી પણ છે.

તેઓ પોતાનું પેટ ભરવા જીવોની હિંસા કરતા હોય તો કાયદો તેનો નિષેધ નથી કરતો, પણ મનુષ્યોના મનોરંજન માટે કોઈ પણ જીવની હિંસા કરવાની ભારતનું બંધારણ છૂટ આપતું નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા સરકસમાં વન્ય પ્રાણીઓના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે આ કલમને આભારી છે. દક્ષિણ ભારતમાં યોજાતી જાલિકટ્ટુની રમત પર પણ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયંત્રણો મૂકવામાં આવ્યાં તે પણ બંધારણની આ ભાવનાને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યાં હતાં. આ ભાવનાની ઉપેક્ષા કરીને ભારત સરકાર ‘ધ ઇન્ડિયન મરીન ફીશરીઝ એક્ટ’નામનો કાયદો લાવવા માગે છે, જેમાં માત્ર મનોરંજનના હેતુથી કરોડો માછલાંઓની હત્યા કરવાનું સરકાર દ્વારા લાઇસન્સ આપી દેવામાં આવશે. સંસદના ચોમાસું સત્રમાં આવનારું આ બિલ મંજૂર ન થાય તે માટે દેશભરના જીવદયાપ્રેમીઓ ઝુંબેશ ચલાવી રહ્યા છે.

હિન્દુત્વના નામે સત્તા પર આવેલા ભાજપે ગોમાંસની નિકાસ એટલી વધારી દીધી છે કે છેલ્લાં 4 વર્ષમાં માંસની નિકાસ બાબતમાં ભારત પહેલા ક્રમાંકે પહોંચી ગયું છે. આટલું ઓછું હોય તેમ સરકાર સંસદમાં ધ ઇન્ડિયન મરીન ફીશરીઝ બિલ મંજૂર કરાવવા ચાહે છે, જેની 18 (1)નંબરની કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ કે કંપનીને ‘રિક્રિયેશનલ ફીશીંગ’નું લાઇસન્સ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ બિલની 2 (F) કલમમાં ‘ફીશીંગ’નો અર્થ ‘માછલાં પકડવા’તેવો કરવામાં આવ્યો છે. આ સવલતનો અર્થ પર્યટકોને આકર્ષવા માટે અને રૂપિયા રળવા માટે કરવામાં આવશે. જો આ રીતે ફીશીંગ કરવાનાં લાઈસન્સો આપવામાં આવશે તો નદી કે સમુદ્રના કિનારે આવેલાં તીર્થસ્થળોમાં પણ પર્યટકોને આકર્ષવાના બહાને કરોડો નિર્દોષ માછલાંઓની હિંસા કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ જશે. ‘સરકાર દ્વારા મનોરંજન માટે માછીમારી’ની જે યોજના ઘડવામાં આવી છે તેમાં સમુદ્રના જળચરોને થનારી વેદના, પીડા અને તેમની અનુકંપાનો વિચાર પણ કરવામાં આવ્યો નથી.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રાણીઓ ઉપરની ક્રૂરતાને અટકાવવા માટે ઘડવામાં આવેલા કાયદાઓથી પણ તે વિરુદ્ધ છે. 1960ના પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ 2(A) મુજબ પ્રાણીની વ્યાખ્યામાં મનુષ્ય જાતિ સિવાયના તમામ જીવંત પ્રાણીઓનો સમાવેશ થઈ જાય છે. આ કલમ મુજબ માછલાં અને જળચરો પણ જીવંત પ્રાણી છે, જેના પ્રત્યે બિનજરૂરી ક્રૂરતા આચરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ કાયદામાં બિનજરૂરી ક્રૂરતાની વ્યાખ્યા કરવામાં નથી આવી, પણ મનુષ્યના ખોરાક માટે કતલ કરાતાં પ્રાણીઓને પણ ક્રૂરતાથી કતલ નહીં કરવાની વાત કરવામાં આવી છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે મનોરંજન માટે માછીમારી કરવી તે બિનજરૂરી ક્રૂરતાનો જ એક પ્રકાર છે.

મનોરંજન માટે માછીમારી કરવામાં સળિયાનો, હૂકનો, પ્લાસ્ટિકની દોરીનો અને બેઈટ તરીકે જીવજંતુનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં અળસિયાનો પણ ઉપયોગ કરાતો હોય છે. માછલું જ્યારે જીવજંતુને ખાવા આવે છે ત્યારે તે હૂકમાં ફસાઈ જાય છે અને તરફડિયાં મારીને મરી જાય છે. ફીશીંગને રમત સમજનારા આ ક્રૂર પ્રવૃત્તિને મનોરંજન માને છે. સરકાર તેમાંથી કમાણી કરવા તેનું લાઈસન્સ આપવા માગે છે. કેટલાક લોકો દરિયામાં ડૂબકી લગાવી છરા જેવા હાર્પૂન વડે માછલાં મારવામાં પણ બહાદુરી સમજે છે. અમુક રમતોમાં તીર વડે માછલાંને વીંધી નાખવામાં આવે છે. કેટલાક લોકો હાથ વડે માછલાં મારવાનો આનંદ માણે છે. કેટલાક લોકો મનોરંજનના હેતુથી માછલાં મારવા માટે જાળી, ટ્રેપ, બૂમરેંગ વગેરેનો પણ ઉપયોગ કરે છે. આ માછલાંને તેઓ કાચા ને કાચા ખાઈ પણ જતા હોય છે.

ભારત સરકાર વતી એ. નાગરાજના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો કે કેવળ મનોરંજનના હેતુથી દક્ષિણ ભારતમાં જે જાલિકટ્ટુની રમત રમવામાં આવે છે, તેમાં આખલાઓ પ્રત્યે બિનજરૂરી ક્રૂરતા આચરવામાં આવતી હોવાથી તેની પરવાનગી આપી શકાય નહીં. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે દરેક પ્રાણીની પાંચ પ્રકારની સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો હતો. તેમાં ભૂખ-તરસથી સ્વતંત્રતા, ઇજા, પીડા અને રોગથી સ્વતંત્રતા, અસુવિધાથી સ્વતંત્રતા, સામાન્ય વર્તણૂકની અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા અને ભય કે ચિંતાથી સ્વતંત્રતાનો સમાવેશ થાય છે.

માત્ર મનોરંજનના હેતુથી માછલાં મારનારા લોકો પ્રાણીઓની આ પાંચેય પ્રકારની સ્વતંત્રતા છીનવી લેવાનું પાપ કરતા હોય છે. BJP સરકાર એક બાજુ હિન્દુત્વનો ચીપિયો પછાડી રહી છે તો બીજી બાજુ તમામ સ્તરે હિંસાને પ્રોત્સાહન આપવાની યોજનાઓ ઘડી રહી છે. તાજેતરમાં વેપાર પ્રધાન પીયૂષ ગોયલે જાહેર કર્યું હતું કે આવતાં 5 વર્ષમાં માછલાંની નિકાસ બમણી કરીને વાર્ષિક એક લાખ કરોડ રૂપિયા પર પહોંચાડી દેવાની યોજના છે. જે દેશમાં ગાય, ભેંસ, બળદ, ઘેટાંબકરાં, મરઘાં, માછલાં અને ડુક્કરોની હિંસાને સરકાર દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવતું હોય તે દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?

Most Popular

To Top