Columns

મા કેવી હોય

દાદાભાઈ નવરોજજીએ કહેલું : ‘મારી માતાએ મારા પર નજર રાખીને મને મારા ખરાબ મિત્રોના દુષ્પ્રભાવથી બચાવ્યો હતો!’ (કાશ દાઉદ ઈબ્રાહિમ કે ઓસામા બિન – લાદેનને પણ એવી એકાદ મા મળી ગઈ હોત!) જો કે ન્યાય ખાતર સ્વીકારવું રહ્યું કે દુનિયાની કોઈ મા રેડીમેડ રાવણો, દુર્યોધનો કે શકુનિઓને જન્મ આપતી નથી. દરેક માતાને કૂખે પહેલા એક માસૂમ બાળક જન્મતું હોય છે. સંજોગો એને રાવણ કે વિભીષણ બનાવી દે છે. ટોલ્સટૉયે કહેલું : ‘મારી માનો ચહેરો એવો સુંદર હતો કે મા આવે એટલે માહોલ બદલાઈ જાય. બધું જ હસતું, રમતું અને સુંદર લાગે!’ ટોલ્સટૉય સાહેબ – ‘સ્ત્રી બદ્સૂરત હોઈ શકે, મા તો હંમેશાં સુંદર જ હોય…!’ કેમ કે સ્ત્રીનું સૌંદર્ય વયલક્ષી હોય છે પણ માતાનું સૌંદર્ય વાત્સલ્યલક્ષી હોય છે.

વાત્સલ્યને કદી વૃદ્ધાવસ્થા આવતી નથી. માતૃત્વને કદી પાનખર નડતી નથી. (Mother is evergreen garden of human resort!) એક વાર હરીન્દ્ર દવેએ મા શબ્દની ઉત્પત્તિ વિશે સુંદર પ્રશ્ન ઉઠાવ્યો હતો : ‘સૌ પ્રથમ મા શબ્દ ક્યારે ઉચ્ચારાયો હશે? પહેલવહેલું ફૂલ ક્યારે ખીલ્યું હશે? પહેલવહેલું સ્મિત ક્યારે પ્રગટ્યું હશે? એ પ્રશ્નોનો ઉત્તર આપી શકીએ તો મા શબ્દ પહેલી વાર કોણે ઉચ્ચાર્યો હશે તેના સગડ મળી શકે.’ ઉમાશંકર જોષીએ પણ કંઈક એ મતલબનું જ કહ્યું છે : ‘માતાના પ્રેમને ઋણ ગણીને રૂપિયા- પૈસામાં હિસાબ માંડવામાં આવે અને ભગવાન દુનિયાની દરેક માતાઓનું ઋણ ચૂકવવાનું બીડું ઝડપે તો ભગવાનનું પણ દેવાળું નીકળી જાય!’

મા અને સંતાન વચ્ચેનો પ્રેમ કેવો હોય? પાણીનો એક નળ ચાલુ છે. એમાંથી અસ્ખલિત જળધારા વહે છે. એની નીચે ખોબો ધરી એક બાળક પાણી પી રહ્યું છે. બાળકની તૃષા તૃપ્ત થઈ જાય છે પણ પેલો નળ પાણી આપવાનું બંધ નથી કરતો. મા અને બાળક વચ્ચે આવો સ્નેહસંબંધ હોય છે. (કવિ બોટાદકરે એ વાત ખૂબ સુંદર રીતે સમજાવી છે : ‘જમનાના નીર તો વધેઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે! જનનીની જોડ સખી નહીં જડે રે લોલ!’ માતા વિશે બરકત વિરાણીએ ઉમાશંકર જોષી જેવી જ અનુભૂતિ વ્યક્ત કરી છે. કવિ કહે છે : ‘મા ઉદરમાં 9 મહિના બાળકનો ભાર વેઠે છે. માત્ર એ 9 મહિનાનો હિસાબ આપવા બેસું તો મારા 90 વર્ષ પણ કાંઈ વિસાતમાં નથી!’

એક સંતને કોઈએ પૂછ્યું : ‘મા એટલે શું?’ સંત કાંઈ બોલ્યા નહીં, પણ એકાએક ગંભીર બની ગયા. એમની આંખોમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું : ‘હું જન્મથી અંધ છું. મેં માને કદી જોઈ નથી પણ લાગણીથી અનેક વાર અનુભવી છે. મારો બાપ મારી પાસે ભીખ મંગાવતો. મને તે ગમતું નહોતું. રાત્રે તે દારૂ પીને મને ચાબૂક મારતો. મારી મા મારી આગળ ઊભી રહી જતી અને બધા ચાબૂક એ સહી લેતી. માના દેહમાંથી લોહી નીકળતું. મારી મા હવે દુનિયામાં રહી નથી પણ મને એટલું સમજાયું છે કે દીકરાની પીઠ પર પડતા ચાબૂક પોતાના દેહ પર ઝીલી લે એને મા કહેવાય!’

શ્રી હરીન્દ્ર દવેએ એક સુંદર પ્રસંગ નોંધ્યો છે – એક વાર એક મા – દીકરા વચ્ચે ઝઘડો થયો. દીકરાએ કહયું : ‘મા, તે મને મોટો કર્યો એ ઉપકારનો બદલો હું ચૂકવવા માગું છું. બોલ, મારી પાછળ તે કેટલો ખર્ચ કર્યો? કેટલા મારાં કપડાં પાછળ ખર્ચ્યા? કેટલા મારા જમવા પાછળ ખર્ચ્યા અને કેટલા દવાદારૂમાં ગયા? બધું લખાવ. હું વ્યાજ સાથે તને ચૂકતે કરી દઈશ!’ માએ કહ્યું : ‘લખાવું તો ખરી પણ કઈ મિનિટથી લખાવું. પહેલે દિવસે મેં તને છાતીએ વળગાડી દૂધ પાયું. પછી તને ખોળામાં લઈ તારી સામે જોઈ હરખના આંસુ સાર્યા હતા. બોલ એ દૂધ કેટલા રૂપિયે લિટર લખીશ અને આંસુના ટીપાની શી કિંમત માંડીશ? કયા કોમ્પ્યુટર પર એનો હિસાબ ગણીશ? પ્રત્યેક ટીપાનો કેટલો ભાવ મૂકીશ? પુત્રનો બધો રોષ ઊતરી ગયો. એણે માના ખભે માથું મૂકી, ગદગદ થઈ કહ્યું : ‘મા, મને માફ કર. મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું!’

વર્ષો પૂર્વે ‘દાદીમા’ ફિલ્મ જોઈ હતી. એમાંના એક ગીતના શબ્દો હતા : ‘ઉસકો તો નહીં દેખા હમને મગર પર ઉસકી જરૂરત ક્યા હોગી? એ મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી?’ માનો પ્રેમ મહાન હોય છે. મા સંસારનું એક માત્ર પવિત્ર ‘વાત્સલ્યધામ’ છે, જેના વિના ધરતી પર એક પણ મહાપુરુષનું અવતરણ શક્ય ન હતું. લોકસાહિત્યમાં પણ માતા માટે કહેવાયું છે :
ધૂપછાંવ
‘મોટું તીરથ માવતરનું. ઈ છે જનમના ઝાડ,
ગુણ ભૂલમાં ગાંડિયા, જેણે નવ માસ ઉપાડ્યો ભાર.
ચરણ ધોઈ એના ચરણામૃત લઈએ. એ દેવીને કોઈ દુ:ખ ના દઈએ.
પરભુ, માનું હું તારો મોટો પાડ. ઉપાડ્યા જેણે મુજ કાજે દુ:ખના પહાડ!’

Most Popular

To Top