Gujarat

LRD ભરતીમાં પાસ ઉમેદવારો નોકરી નહીં મળે તો સરકારને ઈચ્છામૃત્યુ માટે અરજી કરશે

અમદાવાદ: ચૂંટણી (Election) પહેલા આંદોલન કરી રહેલા એલઆરડી ભરતી (LRD Bharti) 2018-19માં પાસ થયેલા ઉમેદવારોને (Candidate) એનકેન પ્રકારે સરકારે (Goverment) નોકરીનું વચન આપીને પારણા કરાવી દીધા હતા, પરંતુ આજ દિન સુધી તેઓને નોકરીથી વંચિત રાખવામાં આવ્યા છે જોવા ઉમેદવાર ભાઈ બહેનોને ન્યાય નહીં મળે તો તેઓ સરકાર સમક્ષ ઈચ્છા મૃત્યુ માટે અરજી કરશે. તેવું એલઆરડી ભરતી 2018-19માં પાસ થયેલા સફળ ઉમેદવારોના પ્રતિનિધિ મંડળએ પ્રદેશ કોંગ્રેસ (Congress) કચેરી ખાતે રજૂઆત કરતા જણાવ્યું હતું.

  • 2018-19માં પાસ થવા છતાં હજુ સુધી નોકરીથી વંચિત, ચૂંટણી પૂર્વે ધરણાં પર ઉતરેલા ઉમેદવારોને પારણાં કરાવી નોકરીનું વચન આપ્યું હતું
  • LRD પ્રતિનિધિ મંડળે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખને રજુઆત કરી: LRDને ન્યાય નહીં મળે તો કોંગ્રેસની પણ આંદોલન કરવા ચીમકી

એલઆરડી ભારતી 2018- 19માં પાસ થયેલા ઉમેદવારોનું પ્રતિનિધિ મંડળ આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું. જ્યાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમરને મળી રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૮માં લોકરક્ષકની કુલ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવેલી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાની જગ્યામાં વધારો કરીને ફાઇનલ મહિલા રીઝલ્ટ ૦૮/૦૫/૨૦૨૦ ના રોજ જાહેર કરી, LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લિસ્ટની જાહેરાત કરવામાં આવી હતી, તા.૨૮/૦૭/૨૦૨૨ના રોજ ઉમેદવારોના ડોકયુમેન્ટનું વેરીફિકેશન પણ કરેલું અને કહેલું કે તમને જલદી નોકરી માટે બોલાવી લેવામાં આવશે. જે અંગેની માહિતી લોકરક્ષક ભરતીબોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે. પરંતુ આ ઉમેદવારોને આજદિન સુધી નોકરી આપેલી નથી અને ખાનગી રીતે ૧૪૭ મહિલા ઉમેદવાર અને ૨૧૨ પુરુષ ઉમેદવારને લીધેલા છે.

જેથી ન્યાય મેળવવા તેઓએ તા.૦૯/૦૮/૨૦૨૨ના રોજ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરતાં ૫૬ બહેનો અને ૨૩ ભાઈઓને તેમના પરિવારને જાણ કર્યા વિના સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી વગર જેલ ખાતે પાંચ દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી તેઓને કોઈ ન્યાય મળેલ નથી. તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બાબતે કોઇપણ પ્રકારનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવેલો નથી.

પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સરકારને માંગણી કરે છે કે, એક તરફ ગુજરાત સરકારમાં પોલીસ બેડામાં હજારોની જગ્યાઓ ખાલી છે. ૨૦% વેઇટીંગ લિસ્ટમાં તેમના નામ હોવા છતાં તેઓની ન્યાયિક રજુઆત સરકાર સાંભળતી નથી. તો તેમની હકીકતલક્ષી રજુઆત પરત્વે ન્યાય આપી તમામ ઉમેદવારોને નિમણૂક ઓર્ડર અપાવવા માટે અનુરોધ છે. જો રાજ્ય સરકાર ઉમેદવારોને ન્યાય નહીં આપે તો, ઉમેદવારોની સાથે કોગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.

Most Popular

To Top