India

ટ્રેનના AC કોચમાંથી રૂ. 100 કરોડથી વધુનું લિનન ગાયબ રૂમાલ, બેડશીટ અને ઓશીકાના કવરની ચોરીએ ભારતીય રેલવેને ચિંતામાં મૂકી

દર 1000 મુસાફરોમાંથી એક લઈ જાય છે રેલવેનો સામાન!,2022થી અત્યાર સુધી AC કોચમાંથી 1.27 કરોડ વસ્તુઓ ગાયબ, નુકસાન રૂ.100 કરોડથી વધુ

ભારતીય રેલવે દેશનું સૌથી મોટું જાહેર પરિવહન નેટવર્ક છે, જ્યાં દરરોજ લાખો લોકો એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરે છે. ખાસ કરીને AC કોચમાં મુસાફરી કરતા મુસાફરોને રેલવે દ્વારા ચાદર, બેડશીટ, ઓશીકું, ઓશીકાનું કવર અને ફેસ ટોવલ જેવી લિનન સુવિધા આપવામાં આવે છે. પરંતુ હવે આ સુવિધા જ રેલવે માટે મોટી ચિંતાનું કારણ બની ગઈ છે.
તાજેતરમાં સામે આવેલા આંકડાઓ મુજબ વર્ષ 2022થી લઈને મે 2026 સુધીના સમયગાળા દરમિયાન ભારતીય રેલવેના AC કોચમાંથી રૂ.100 કરોડથી વધુ કિંમતની લિનન સામગ્રી ગાયબ થઈ ગઈ છે. આ ચોરીનો કુલ આંકડો આશરે 1.27 કરોડ વસ્તુઓ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

આ માહિતી મુજબ સૌથી વધુ ચોરી રૂમાલ અને ફેસ ટોવલની થઈ છે. અંદાજે 46 લાખથી વધુ રૂમાલ, 41 લાખથી વધુ બેડશીટ, 23 લાખથી વધુ ઓશીકાના કવર, 12 લાખથી વધુ બ્લેન્કેટ તેમજ લાખો અન્ય વસ્તુઓ ગાયબ થઈ હોવાનું નોંધાયું છે. આ તમામ વસ્તુઓ મુસાફરોને માત્ર મુસાફરી દરમિયાન ઉપયોગ માટે આપવામાં આવે છે અને મુસાફરી પૂર્ણ થયા બાદ રેલવેને પરત કરવાની હોય છે. છતાં મોટી સંખ્યામાં મુસાફરો આ વસ્તુઓ પોતાની સાથે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે.

રેલવેના જણાવ્યા મુજબ દરરોજ લાખો મુસાફરો AC કોચમાં મુસાફરી કરે છે અને દરરાત્રે લગભગ આઠ લાખ જેટલા મુસાફરો લિનન બેડરોલનો ઉપયોગ કરે છે. આ સુવિધા મુસાફરોની આરામદાયક મુસાફરી માટે આપવામાં આવે છે. પરંતુ કેટલીક વ્યક્તિઓ દ્વારા આ સામાનની ચોરી થવાને કારણે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.ચોંકાવનારી બાબત એ પણ છે કે આંકડાઓ અનુસાર દર 1000 મુસાફરોમાંથી એક મુસાફર કોઈને કોઈ વસ્તુ પોતાની સાથે લઈ જાય છે. ભલે આ પ્રમાણ ઓછું લાગે, પરંતુ દરરોજ લાખો લોકો મુસાફરી કરતા હોવાથી કુલ નુકસાન ખૂબ મોટું બની જાય છે.

વિભાગવાર જોવામાં આવે તો બિકાનેર રેલવે ડિવિઝનમાં સૌથી વધુ ચોરી નોંધાઈ છે, જ્યાં 25 લાખથી વધુ વસ્તુઓ ગાયબ થઈ છે. ત્યારબાદ રાંચી, દિલ્હી અને જોધપુર ડિવિઝનનો ક્રમ આવે છે. આ આંકડાઓ દર્શાવે છે કે સમસ્યા માત્ર એક વિસ્તાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશના અનેક ભાગોમાં જોવા મળી રહી છે.રેલવે અધિકારીઓ માટે આ માત્ર આર્થિક નુકસાનનો મુદ્દો નથી,પરંતુ મુસાફરોને ગુણવત્તાસભર સેવા જાળવી રાખવાનો પડકાર છે. દરેક મુસાફરી બાદ લિનનની ધुलाई, જાળવણી અને નવી ખરીદી પાછળ પહેલેથી જ મોટો ખર્ચ થાય છે. તેમાં ચોરીના કારણે વધારાનો બોજો ઉભો થાય છે.

રેલવે સમયાંતરે મુસાફરોને જાહેર અપીલ પણ કરે છે કે લિનન સામગ્રી રેલવેની સંપત્તિ છે અને તેનો ઉપયોગ મુસાફરી દરમિયાન જ કરવો જોઈએ. આવી વસ્તુઓ ઘરે લઈ જવી કાયદેસર નથી અને તે જાહેર સંપત્તિની ચોરી સમાન છે.જો કે
નિષ્ણાતોનું માનવું છે કે મુસાફરોમાં જાહેર સંપત્તિ પ્રત્યે જવાબદારીની ભાવના વધારવી જરૂરી છે. કડક નિયમો બનાવવાથી સમસ્યા હલ નહીં થાય,પરંતુ લોકોમાં જાગૃતિ લાવવી એટલી જ મહત્વપૂર્ણ છે.ભારતીય રેલવે હવે આવી ચોરી અટકાવવા માટે વધુ અસરકારક દેખરેખ, આધુનિક મોનિટરિંગ વ્યવસ્થા અને જાગૃતિ અભિયાન જેવા પગલાં પર વિચાર કરી રહી છે. જો મુસાફરો પણ પોતાની જવાબદારી સમજીને જાહેર સંપત્તિનું રક્ષણ કરશે તો કરોડો રૂપિયાનું નુકસાન અટકાવી શકાય અને દરેક મુસાફરને વધુ સારી સેવા મળી શકશે.

Most Popular

To Top