સુરત પોલીસ કમિશનર વાબંગ જામીરના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં સઘન બંદોબસ્ત; નાઈટ કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન સાથે શ્રદ્ધાળુઓની સુરક્ષાને અપાઈ પ્રાથમિકતા
આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને સુરત શહેર પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં દર વર્ષની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાશે. તેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું વ્યાપક આયોજન તૈયાર કર્યું છે. આ વર્ષે સુરત શહેરમાં પરંપરાગત 8 સહિત કુલ 11 રથયાત્રાઓ નીકળવાની હોવાથી સમગ્ર શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તાજેતરમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) એસ. એમ. મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં રાજ્યભરના પોલીસ અધિકારીઓને રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સૂચનાઓના આધારે સુરત શહેર પોલીસ કમિશનર વાબંગ જામીરના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.રથયાત્રાની સુરક્ષા માટે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સંયુક્ત પોલીસ કમિશનર ડૉ. કરણ રાજ વાઘેલા, સેક્ટર-1ના અધિકારી બલરામ મીના, સેક્ટર-2ના મહેન્દ્ર બાગડિયા, ડીસીપી સજનસિંહ પરમાર, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના રાજદીપસિંહ નકુમ તેમજ વિવિધ ઝોનના નાયબ પોલીસ કમિશનરો સમગ્ર આયોજન પર સતત નજર રાખશે.
રથયાત્રાના તમામ રૂટ પર ડ્રોન કેમેરા દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે. ઉપરાંત શહેરના કંટ્રોલ રૂમમાંથી પણ સમગ્ર યાત્રા પર સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ કામગીરીની જવાબદારી ડીસીપી એ. એમ. પરમારને સોંપવામાં આવી છે, જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. શ્રદ્ધાળુઓ અને શહેરના નાગરિકોને ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસે પણ વિશેષ આયોજન તૈયાર કર્યું છે. રથયાત્રાના રૂટ પર ગ્રીન કોરિડોર, જરૂરી સ્થળોએ ટ્રાફિક ડાયવર્ઝન, તેમજ સમયબદ્ધ રીતે કેટલાક માર્ગો બંધ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરિયાત મુજબ વૈકલ્પિક માર્ગો પણ જાહેર કરવામાં આવશે.
રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થવાની છે ત્યાં પોલીસ અધિકારીઓને ખાસ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે એકતા કમિટીના સભ્યો, સાધુ-સંતો, સ્થાનિક આગેવાનો અને આયોજકો સાથે પણ સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.પોલીસ તંત્રનું કહેવું છે કે રથયાત્રા દરમિયાન સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. શહેરવાસીઓને પણ ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
રથયાત્રા માટે પોલીસની મુખ્ય તૈયારીઓ
શહેરમાં કુલ 11 જગન્નાથ રથયાત્રાઓ યોજાશે.
સમગ્ર રૂટ પર ડ્રોન સર્વેલન્સ અને કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ.
ટ્રાફિક માટે ગ્રીન કોરિડોર, ડાયવર્ઝન અને સમયબદ્ધ રોડ બંધની વ્યવસ્થા.
સંવેદનશીલ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ શરૂ.
એકતા કમિટી, સાધુ-સંતો અને આયોજકો સાથે સતત સંકલન.
સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત.
શ્રદ્ધાળુઓની સુરક્ષા અને શાંતિપૂર્ણ રથયાત્રા માટે શહેર પોલીસ સંપૂર્ણ એલર્ટ પર.