Vadodara

વડોદરા : રાજાશાહી સોનાની લાલચે ખેડૂત સાથે રૂ.7 લાખની ઠગાઈ, નકલી દાગીના પધરાવી ઠગ ટોળકી ફરાર

માતાની સારવાર દરમિયાન હોસ્પિટલ બહાર થયેલી ઓળખાણ ખેડૂતને ભારે પડી, ઘરે જઈ તપાસ દરમિયાન નકલી સોનું નીકળતા ખેડૂતના પગ નીચેથી જમીન સરકી ગઈ

જમીન ગીરવે મૂકી અને સગા સંબંધીઓ પાસેથી ઉછીના નાણાં ભેગા કરીને ખેડૂતે રૂપિયા ચૂકવ્યા

વડોદરા તા 14

છોટાઉદેપુર જિલ્લાના ખોડવાણિયા ગામના ખેડૂતને રાજાશાહી સમયના સસ્તા સોનાની લાલચ આપીને રૂ.7 લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. ઠગ ટોળકીએ અસલી સોનાનો મણકો બતાવી વિશ્વાસ જીત્યા બાદ નકલી દાગીનાની થેલી આપીને રોકડ લઈને ફરાર થઈ છેતરપિંડી આચરી હતી. કરજણ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

છોટાઉદેપુર તાલુકાના ખોડવાણિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા ઇશ્વરભાઈ ગોવિંદભાઈ રાઠવાએ નોધાવેલી ફરિયાદ મુજબ તેમની માતા વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેઓ વારંવાર હોસ્પિટલ જતા હતા. આ દરમિયાન હોસ્પિટલ બહાર અજાણ્યા શખ્સો સાથે તેમની ઓળખાણ થઈ હતી. વાતચીત દરમિયાન આરોપીઓએ પોતાની પાસે રાજા-મહારાજાના સમયનું કિંમતી સોનું હોવાનું કહી સસ્તા ભાવે વેચવાની લાલચ આપી હતી.
ચાર દીકરીઓના ભવિષ્યના લગ્નની ચિંતામાં રહેલા ખેડૂત આ લાલચમાં આવી ગયા હતા. આરોપીઓએ શરૂઆતમાં ઓછી કિંમતે વધુ સોનું આપવાની વાત કરી અને બાદમાં 250 ગ્રામ, 500 ગ્રામ તેમજ એક કિલો સોનાની ઓફર કરીને રૂ.10 લાખની માંગણી કરી હતી. આખરે રૂ.7 લાખમાં સોદો નક્કી થતાં ખેડૂતે પોતાની જમીન ગીરવે મૂકી રૂ.5 લાખ તેમજ સગા-સંબંધીઓ પાસેથી રૂ.2 લાખ ઉછીના મેળવી રકમ ભેગી કરી હતી.
ખેડૂતનો વિશ્વાસ જીતવા માટે ઠગ ટોળકીએ તેમને ડભોઈ-શિનોર ચોકડી પાસે બોલાવી સોનાના બે હાર બતાવ્યા હતા. હારમાંથી એક મણકો તોડીને સ્થાનિક સોની પાસે ચકાસણી કરાવતા તે અસલી હોવાનું બહાર આવતાં ખેડૂતને કોઈ શંકા ગઈ ન હતી
ત્યારબાદ આરોપીઓએ ખેડૂતને કરજણ બ્રિજ નીચે રોકડ રકમ સાથે બોલાવ્યા હતા. ત્યાં કેમેરા હોવાનું બહાનું બતાવી ગાડી બ્રિજ નીચે લઈ જવા કહી રૂ.7 લાખ રોકડા મેળવી લીધા અને બદલામાં સોના જેવા દેખાતા દાગીનાથી ભરેલી થેલી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘરે પહોંચીને તેમજ સ્થાનિક સોની પાસે દાગીનાની તપાસ કરાવતા સમગ્ર સોનું નકલી હોવાનું સામે આવતાં ખેડૂતના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર બનાવ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં દાદ્યાભાઈ ઉર્ફે રામભાઈ ગંગારામ હિમરવાડી, વિજયભાઈ ભગવાનભાઈ બારોટ, મીરાબેન રાઠોડ અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Most Popular

To Top