Business

વર્ષ 2023માં માનસિક રીતે મજબૂત થઈએ

નિયાને કંઈક નવું કરી બતાવવાનો આ જ સમય છે. માનસિક મજબૂતાઈ તો દરેક માટે મહત્ત્વની હોય છે પરંતુ બિઝનેસ માટે તો એકદમ મેન્ટલ સ્ટ્રોંગનેસ તમને બધા કરતાં અનોખા બનાવી શકે. વ્યક્તિ નોકરી કરતો હોય કે પોતાનો બિઝનેસ કરતો હોય પરંતુ જો મેન્ટલી સ્ટેબલ હશે તો કોઈ પણ પ્રતિકૂળ સંજોગોમાં પણ અડીખમ ઊભો રહી શકશે. કેટલાક એન્ત્રોપ્રિનર અથવા તો સ્ટાર્ટ અપ બિઝનેસની શરૂઆત કરનાર બિઝનેસના નાના મોટા સ્ટ્રેસથી ગભરાઈ જતા હોય છે. બિઝનેસ નાનો હોય કે મોટો હોય કોઈ દિવસ કમ્ફર્ટવાળી પરિસ્થિતિનું નિર્માણ થવાનું નથી. બિઝનેસમાં ગણતરીપૂર્વકનું જોખમ લેવું અને પ્રોફિટવાળો ધંધો કરવો એ અલગ વસ્તુ છે પરંતુ બિઝનેસ કરનારે એટલું સમજવું ખૂબ જ જરૂરી છે ક્યારેય પરિસ્થિતિ 100 % અનુકૂળ થવાની નથી. બહારની પરિસ્થિતિ પર તમારો કંટ્રોલ ન હોવાને કારણે કેટલીક વખત પ્રતિકૂળ સંજોગો ઊભા થતા હોય છે અને બિઝનેસ લીડર આને લીધે સ્ટ્રેસમાં આવી જતા હોય છે. ખરેખર સમજવાની જરૂર છે કે બહારની પરિસ્થિતિ પર તમારો કંટ્રોલ નથી પરંતુ તમારી જાત પર તમારો કંટ્રોલ હોવો ખૂબ જ જરૂરી છે. જો તમે મેન્ટલી સ્ટ્રોંગ અને સ્ટેબલ હશો તો કોઈ પણ પરિસ્થિતિને પ્રતિકૂળમાંથી અનુકૂળમાં ફેરવી શકશો. જયારે પણ પરિસ્થિતિ પ્રતિકૂળ દેખાય ત્યારે 3 બાબતનું એનાલિસિસ કરવું.

સાચી વસ્તુનો સ્વીકાર કરવો અને લાગતાવળગતાને માહિતીસભર રાખવા

પ્રતિકૂળ બાબતમાં એવું કંઈક તો હશે જેનાથી તમે પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળમાં ફેરવી શકશો

પાછલી બાબતોનો વિચાર કર્યા વગર રસ્તો કેવી રીતે કાઢવો તેના પર ફોક્સ કરવું.

આ બાબતને વધુ ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ. ગુજરાતની એક વખતની ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અગ્રગણ્ય કંપની કોઈ એક ખોટા ડિસિઝનને લઈને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં આવી ગઈ. લગભગ 4000 કર્મચારીઓની ફોજને પગાર આપવા માટે પણ કંપનીને ફાંફાં પડવા માંડ્યા. બેંકોના હપ્તા ચૂકવાતા બંધ થઇ ગયા. જે બેંકો અગાઉ કંપનીની સારી પરિસ્થિતિમાં પૈસા આપવા માટે લાઈન લગાવતા હતા તેઓ આ સમયે કંપનીના ફાઇનાન્સ હેડને મળવા માટે બહાર કતારમાં બેસી રહેતા હતા. વેન્ડર્સ પેન્ડિંગ પેમેન્ટને લઈને કંપનીની પાછળ હતા. આવી પરિસ્થિતિમાં કંપનીના મેનેજીંગ ડિરેક્ટરને મળવાનું થયું. મને ડર હતો કે કંપનીના લીડરને આવી પરિસ્થતિમાં મળવું કેટલું ઓકવર્ડ લાગશે પરંતુ જયારે મળ્યા ત્યારે તેઓનો એ જ હસમુખો અને પોઝિટિવ વાઇબ્રન્સ આપતો ચહેરો જોવા મળ્યો.
ઘણી વાતો કર્યા પછી લાગ્યું કે આવી પરિસ્થિતિમાં લીડર એકદમ સ્વસ્થ અને શાંત કેવી રીતે રહી શકે. પછી મેં પૂછી જ લીધું કે, ‘‘સર, તમે આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આટલા શાંત કેવી રીતે રહી શકો છો?’’ એમનો એક જ જવાબ હતો જે મને જીવનભર યાદ રહી ગયો. તેમણે કહ્યું કે, ‘‘પાસ્ટ પર મારો કોઈ જ કંટ્રોલ નથી પરંતુ વર્તમાન મારા હાથમાં છે અને વર્તમાનને કેવી રીતે બેસ્ટ બનાવવો તે જ મારા માટે મહત્ત્વનું છે.’’ તેઓના આવા પોઝટિવ એપ્રોચને આભારી આજે 5 વર્ષ પછી ફરી પાછી કંપની પાટા પર આવી ગઈ છે.
કહેવાનો મુદ્દો એ જ છે કે જો તમે બિઝનેસ કરતા હો ત્યારે ક્યારેય પણ નેગેટિવ વિચારો કરવા નહિ. આ પરિસ્થતિ અથવા આ બાબત પૂરી થયા પછી મારે શાંતિ એવું કદાપિ બોલવું નહિ અને વિચારવું નહિ. બિઝનેસમાં પ્રતિકૂળ સંજોગો આજે છે અને કાલે પણ રહેવાના જ છે. તમારું મગજ સરસ રીતે સ્ટેબલ રાખી વિનિંગ પોઝિશનનું કેવી રીતે નિર્માણ કરવું તેના પર વધારે ફોક્સ કરવું.
હું આ બાબત જોડે કમ્ફર્ટેબલ નથી અથવા તો મને આ ફાવતું નથી એવા શબ્દો બિઝનેસમાં ના ચાલે. બિઝનેસ જો લાંબા સમય સુધી કરવો હોય તો ‘લેટ ગો’ કરતા શીખવું પડશે. એટલું જ નહિ પરંતુ પરિસ્થિતિને બધા એંગલથી જોવાની ટેવ પાડવી પડશે.ૉ

કેટલીક ટિપ્સ

બિઝનેસમાં ફરિયાદ ન કરી શકાય.

બિઝનેસ કરતા હો ત્યારે ભૂતકાળને યાદ ન રખાય.

નોકરી કરવી અને બિઝનેસ કરવો એ બંને અલગ બાબત છે તેનું ધ્યાન રાખવું.

બિઝનેસની પ્રતિકૂળ પરિસ્થિતિથી બહાર નીકળવા માટે 3 Ps નો સહારો લેવો – પોઝિટિવિટી,પેશન્સ અને પૅશન.
ubhavesh@hotmail.com

Most Popular

To Top