Columns

નિક્મ્મા કરતાં આ તે કેવા ભેજાગેપ કાયદા…

બેવકૂફ-અર્થહીન કે પછી સાવ હાસ્યાસ્પદ કાયદાને આપણે ‘કાયદો ગધેડો છે’ એમ કહીને વગોવતા આવ્યા છીએ. વર્ષો થયાં, દુનિયા સમસ્ત પલટાઈ ગઈ પણ ન તો ગધેડા જરાય સુધર્યા છે કે ન તો કાયદા. આજની તારીખે એ કાયદા વાંચીએ ત્યારે હસવું કે રડવું એની વિમાસણ થાય. થોડા સમય પહેલાં આપણા વડા પ્રધાને વિભિન્ન રાજ્યના ન્યાયતંત્ર સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓને સંબોધતા કહ્યું કે ‘’આપણે ત્યાં બ્રિટિશ શાસનમાં ઘડાયેલા અનેક કાયદા એવા છે જે આજની તારીખે તદન નકામા છે. બાબા આદમના જમાનાના એવા અર્થહીન કાયદાને કાયદાની પોથીમાંથી સદાયને માટે નેસ્તનાબૂદ કરવાની તાતી જરુર છે.’’

આ વિશે નિર્ણય તો આઠેક વર્ષ પહેલાં લેવાઈ ગયો હતો પણ આવા 1800થી વધુ વાહિયાત કાયદામાંથી એમના શાસનના છેલ્લાં 3 વર્ષ દરમિયાન 1500ને રદબાતલ કરવામાં આવ્યા છે. બાકીનાને પણ કાયદાપોથીમાંથી વહેલી તકે દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. ગોરા શાસકોના એ જમાનાના આવા કાયદાનો આજે અભ્યાસ કરીએ તો સહેજે ખ્યાલ આવી જાય કે એ શાસકો જાણે આપણી પ્રજાને કહેતા હતા : ‘’તમે અબૂધ છો- અભણ છો અને તમે અમારા ગુલામ છો એટલે તમારા માટે અમે ઘડેલા આ બધા કાનૂનોનું તમારે પાલન કરવું પડશે.’’ એ બધા જ કાયદામાંથી માત્ર જોહુકમી સત્તા જ ભોગવવાની બૂ આવતી હતી. ગોરાસાહેબોની વિદાય પછી એ કાયદાઓની જરૂર રહી નહીં પરંતુ આઝાદી પછી પણ ગોરાસાહેબોના વધુ પડતા આંધળા નિષ્ઠાવાન આપણા સરકારી સાહેબો પેલા કાયદાઓને વળગી રહ્યા. કાળક્રમે એ ઓછું તો થયું પણ ધીરે ધીરે આધુનિક બનતો જતો આપણો સામાજિક માહોલ અને ન્યાય પ્રક્રિયામાં પેલા જડકાયદા નડતર બનતા રહ્યા..

 આવા જરીપુરાણા કાયદાઓનો સિનારિયો માત્ર આપણે ત્યાં નથી. જગતભરના દેશોમાંય કાયદારૂપી કાગડા કાળા જ છે. મદ્યપાન- દારૂ-નશાને લઈને અમુક આપણા તો કેટલાક વિદેશી કાયદાઓથી વાત માંડીએ તો એમાં અમુક તો ‘નશો’ ચઢી જાય એવા છે. એવા ખડૂસ કાયદા સાથે આપણે હળવાશથી શરૂઆત આ રીતે કરીએ…. આપણા જ દેશમાં મદ્યપાન કરવાના – તોછડી ભાષામાં કહીએ તો ‘ઢિંચવા’ના કાયદા પ્રત્યેક રાજ્યમાં ભિન્ન – વિભિન્ન છે. ઉદાહરણ તરીકે :

  • પંજાબ -હરિયાણા- મહારાષ્ટ્રમાં 25 વર્ષથી દારૂનો નશો થઈ શકે. હા, મહારાષ્ટ્રમાં 21 વર્ષી યુવાન બિયરથી ‘ચિયર્સ ‘કરી શકે તો કેરળમાં 23 વર્ષથી પીવાની છૂટ છે પણ કર્ણાટકમાં 21ની આયુથી ડ્રિંકની રજા પણ 18ના હો તો તમે સત્તાવાર દારૂ ખરીદી શકો ખરા.
  • બીજી તરફ, અગાઉ જ્યાં પૂર્ણ દારૂબંધી હતી એવાં રાજસ્થાન-હિમાચલ પ્રદેશ -પોન્ડિચરી- સિક્કિમ -આન્ધ્રપ્રદેશ-મિઝોરમમાં અત્યારે 18 થી વધુ આયુના યુવાનો હાર્ડ ડ્રિંકસ લઈ શકે છે તો બિહાર – નાગાલેન્ડ-લક્ષદ્વિપ (એકાદ ટાપુને બાદ કરતાં)માં અત્યારે સંપૂર્ણ દારૂબંધી અમલમાં છે અને આ બધા વચ્ચે આપણા ગાંધીની ગરવી ગુજરાતમાં કેવી ‘અડીખમ’ દારૂબંધી છે એ તો તમે-અમે ને સરકાર પણ જાણે છે! આ તો આપણી વાત થઈ. એક તાજા સર્વે મુજબ, આજે વિશ્વના 65 % દેશમાં 18 વર્ષથી વધુ આયુ ધરાવનારાઓ દારૂ પી શકે છે. જેમ કે…
  • અમેરિકામાં 21ની આયુથી પીવાની છૂટ છે પણ એન્ટિગુઆ તેમ જ સેન્ટ્ર્લ્ આફ્રિકન રિપબ્લિકમાં તો 15 વર્ષનો તરુણ ખુલ્લેઆમ ઢીંચી શકે છે!
  • વર્ષો પૂર્વે 1872 દરમિયાન સ્કોટલેન્ડમાં એવો કડક કાયદો હતો કે દારૂ પીધા પછી તમે ગાયને ખેતરે દોરીને સાથે લઈ જઈ ન શકો. એ જ રીતે, તમે અશ્વસવારી પણ ન કરી શકો. આ બન્ને કાયદાના ભંગ બદલ તમને સત્તાવાળા 200 પાઉન્ડનો દંડ કે પછી 51 ( હા, 51!) સપ્તાહની કડક સજા ફ્ટકારી શકે!
  • બોલિવ્યાની રાજધાની લા પાઝમાં દારૂ વિશે એવો કાયદો છે કે મેરેજ પહેલાં ત્યાંની મહિલા ઈચ્છે એટલું પી શકે પરંતુ લગ્ન બાદ હૉટેલ વગેરે જેવી જાહેર જગ્યામાં એક ગ્લાસ વાઈનથી વધુ પીવા પર મહિલાને મનાઈ છે. જો જાહેરમાં એમ કરતાં એ ઝડપાઈ ગઈ તો પતિ ત્યાંના કાયદા અનુસાર પત્નીને છૂટાછેડા આપી શકે છે!
  • અમેરિકાના ટેકસાસ રાજ્યના લેફોર્સ ટાઉનમાં ઢીંચવાનો આ નમૂનેદાર કાયદો જાણી લો. અહીં પબ-બારના કાઉન્ટર પર તમે 2 ગ્લાસ બિયર ઊભાં ઊભાં પી શકો પણ બિયરનો ત્રીજો ગ્લાસ તો ચૅર પર બેસીને જ પીવો પડે નહીંતર ચઢેલો નશો ઊતરી જાય એવો દંડ ફ્ટકારવામાં આવે!
  • હવે હળવાશમાંથી બહાર આવીએ. આપણે ત્યાં આજે કેટલાક ગંભીર કાનૂન- કાયદા છે. એ બાબા આદમના જમાના છે પણ આજની તારીખમાં ય એ કેવા અવરોધરૂપ બની શકે છે એની આ 2-3 ઝલક પૂરતી છે, જેમ કે…
  • એક કાયદા અનુસાર પંજાબનાં ગામ-કસ્બાઓ ( તેમ જ દિલ્હીમાં પણ !)ના પુરુષોએ ઘરદીઠ રાત્રિવેળા ચોકીપહેરો કરવો એવો કાનૂન છે. આનું પાલન ન કરનારને સજા થઈ શકે!
  • મદ્રાસના એક પશુપાલન કાયદા (1940) અનુસાર વાછરડું આગળ જતા સીધોસાદો બળદ બનશે કે સાંઢ એ નક્કી કરવાનો હક્ક એના માલિક-પશુપાલકને નથી. એનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર સરકારને છે અને સત્તાવાળા એ અનુસાર માલિકને લાયસન્સ આપે છે!
  • કોઈની પાસે પણ જો 2.43 થી લઈને 3.52 મિલીમીટર જેટલો પાતળો તાર-વાયર મળી આવે તો એ ગેરકાયદે ગણાય. એને માટે સજા થઈ શકે. આમાં વક્ર્તા એ છે કે આપણે ત્યાં ટેલિગ્રાફ સેવા 2013થી બંધ થઈ ગઈ છે પરંતુ 1950નો આ કાયદો હજુ અમલમાં છે. આવા તો અનેક વાહિયાત-હાસ્યાસ્પદ કાનૂન હજુ આપણી કાયદા પોથીમાં મોજૂદ છે. જો કે ,આવા હાસ્ય નહીં, અટ્ટહાસ્ય કરવા પ્રેરે એવા વિદેશના કેટલાક કાનૂનના ‘નંગ’ પણ માણીએ, જેમ કે…
  • અમેરકાના વાયોમિંગ રાજયમાં ફિશીંગ કરવાની-માછલી પકડવાની મનાઈ છે. એની સાથોસાથ, માછલીની તમે ગનથી પણ હત્યા ન કરી શકો !
  • ટેકસાસ સ્ટેટમાં આંખ વેચવા પર મનાઈ છે.
  • એ જ રીતે, વૉશિંગ્ટનમાં નવા શૂઝ તમારા પગમાં બરાબર ફીટ થાય છે- બંધ બેસે છે કે એ જોવા એક્સ-રે મશીનના ઉપયોગ પર સખત પ્રતિબંધ છે!
  • ઉટ્ટાહ સ્ટેટમાં દારૂ પર કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ ન આપવાનું ફરમાન છે. ટૂંકમાં ત્યાંનાં પબ – બાર -પીઠામાં ‘હેપી અવર્સ’ની પરવાનગી નથી અર્થાત ઓછી કિંમતે દારૂ ‘ઢીંચવા’ પર મનાઈ છે!
  • જ્યોર્જિયામાં તમને બોટહાઉસમાં 30થી વધુ દિવસ રહેવાની પરવાનગી નથી!
  • હેમ્પશાયરના ચર્ચયાર્ડ- કબ્રસ્તાનમાં શિકાર કરવાની સખ્ત મનાઈ છે કારણ કે જમીનની નીચે કોફિનમાં દાટેલા મૃતાત્માને શાંતિ ભંગ થાય!
  • અલબામાના રસ્તા પર છત્રી ઉઘાડવાની મનાઈ છે. વર્ષો પૂર્વે આ કાયદો અમલમાં એટલા માટે આવ્યો હતો એ જમાનામાં અશ્વ પર બધા આવન-જાવન કરતા હતા. જો કોઈ છત્રી ઉઘાડે તો અશ્વની આંખમાં વાગી ન જાય માટે આવો પ્રતિબંધ હતો. આજે પણ આ કાયદો સત્તાવાર રીતે રદબાતલ કરવામાં નથી આવ્યો.
  • મોનટાના સ્ટેટમાં પરણેલી મહિલાને રવિવારે માછલી પકડવા એકલી જવાની પરવાનગી નથી!
  • ઓરેગનમાં રવિવારે આઈસક્રીમ ખાવા-માણવા પર પ્રતિબંધ છે. શું કામ ? ગૉડ જાણે !
  • આ સૌથી વિચિત્ર-વાહિયાત લાગતો કાયદો અલાસ્કાનો છે. આકાશમાં ઊડતા વિમાનમાંથી જીવતા ઉંદરને બહાર ફગાવવા પર મનાઈ છે!

 અહીં વર્ણવેલા મોટાભાગના વિચિત્ર કાયદા અમેરિકાના છે. આ વર્ષો જૂના કાનૂન ક્યા કારણે -કઈ રીતે ઘડાયા અને અમલમાં આવ્યા એના કોઈ ખાસ પૂર્વાપર સંબંધ કે કારણ આજે જાણવા નથી મળતા. એમાંથી મોટાભાગનાનો અમલ આજે ભાગ્યે જ થાય છે છતાં સત્તાવાર રીતે અસ્તિત્વમાં છે .  અનેક દેશમાં આજે જયારે પણ કોઈ નવા કાયદા-કાનૂન બને – એનું ઘડતર થાય ત્યારે એની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને એને કેટલા સમય સુધી જ અમલમાં રાખવો ને પછી આપોઆપ રદ થઈ જાય એવી ગોઠવણ પણ ન્યાયતંત્ર આગોતરા નક્કી કરી રાખે છે. કાનૂની ભાષામાં આને ‘સનસેટ ક્લોઝ’ કહે છે. એથી વિરુદ્ધ આપણે ત્યાં તો અસંખ્ય કાયદા આડેધડ ઊગે છે પણ એનો સૂર્યાસ્ત કયારેય થતો નથી!

Most Popular

To Top