Charchapatra

કોર્પોરેટરો, કમિશનરશ્રીને કામ કરવા દો, ને તમે તમારું કરો

16મી ફેબ્રુઆરીના ‘ગુજરાતમિત્ર’માં સુરત મ્યુનિ. કોર્પોની સભામાં ‘‘મ્યુનિ. કમિ.શ્રી મળતા નથી. મુલાકાત આપતા નથી. દર્શન દુર્લભ છે’’એવી રજૂઆતો કોર્પોરેટરો તરફથી સભામાં થયાનો હેવાલ છે.  મ્યુનિ. કમિ. 24 કલાક માટેના અમલદાર છે, કોર્પોરેટરો નવરાધૂપ જેવા હોય છે. કેટલા કોર્પોરેટરને ઘેર ફરિયાદીઓ ફરિયાદ લઈને જાય છે? અમે તો ગોરધનદાસ ચોખાવાલા, જયંતી રેશમવાળા, કૃષ્ણવદન પચ્ચીગર, શંભુ પટેલ જેવાઓને ત્યાં ‘પબ્લીકની લાઈનો’જોઈ છે. આજના મોબાઈલના જમાનામાં તમને કમિશનરને મળવાની જરૂર જ શું રહે છે? પ્રથમ નીચેના અમલદારોનો સંપર્ક કરો, તેનો પ્રતિભાવ બરાબર ન હોય તો વ્હોટ્સએપ પર એસ.એમ.એસ. કરી ફરિયાદ નોંધાવો, આ બધું રેકર્ડ પર રહેશે.

તમારી કામગીરીની સાક્ષી પૂરશે કમિશનરને શોખ ખાતર મળવા જવાની વૃત્તિ વ્યાજબી નથી. ખરેખર તો તેમને સમય જ નથી હોતો. પોલીસ અમલદાર તરીકે મને પણ સમયના અભાવની તકલીફ નડતી હતી. ઘણાં મુલાકાતી માત્ર શોખ ખાતર બે ત્રણ મિત્રોને લઈ આવી બેસતા. હું પૂછતો તમે તમારા ફોજદારનો આ બાબતમાં સંપર્ક કર્યો છે? તેનો સંપર્ક કરો, પછી તેના પર સર્કલ ઈન્સ. હોય છે, તેનો સંપર્ક કરો પછી પણ તમને ફરિયાદ રહે, તો મારી પાસે આવો તે બરાબર કહેવાય. મારા અધિકારીપદના દિવસોમાં કામ એટલું વધી જતું કે ફાઈલોના પોટલા બાંધી ઉકાઈ વીઆઈપી રેસ્ટ હાઉસમાં ચાલી જતો, ઘરવાળા બહાર ફર્યા કરતા અને હું દરવાજો અંદરથી બંધ કરી કામ કરતો.

સમય જ નથી હોતો. એમાં તમે મ્યુનિ. કમિશનરને કહો કે તમે મળતા કેમ નથી? સંદેશવ્યવહારનાં સાધનો છે, તેનો અને વહીવટીતંત્રની અમલદારશાહીનો ઉપયોગ કરતાં શીખો. કોર્પોરેટરો વોર્ડમાં અને પડોશના કે શહેરના બીજા વિસ્તારોની મુલાકાત લો, જ્યાં મ્યુનિ. કામ ચાલતા હોય ત્યાં જઈ ઊભા રહો, કામદારો અને અમલદારો કેટલી તકલીફથી કામ કરતા હોય છે તે જુઓ. એક વસ્તુ સમજો, ઉચ્ચ અમલદારો જ્યારે ફ્રી હોય, એકલા પડે, ત્યારે જ અગત્યનાં કામો પર નિર્ણયો લેવાની તેમની કાર્યદક્ષતા વધતી હોય છે. તેમને પોતાની રીતે કામ કરવા દો, તમે તમારું કરો.
સુરત     – ભરત પંડ્યા ગોહિલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વલણનો વૈભવ
વ્યક્તિની પ્રતિભાનો પ્રભાવ માત્ર વ્યક્તિના ડિસેન્ટ ડ્રેસ કોડથી નહીં, પણ તેના વલણ એટલે કે અભિગમ પર વધુ આધારિત રહે છે. પછી ભલે તે સામાન્ય શિક્ષક, પ્રોફેસર, આચાર્ય, સમારંભના પ્રમુખ, ચેરમેન કેમ ન હોય! આ બધાં જ વર્તુળોમાં communication is very important સાથે સાથે વ્યક્તિનાં વાણી-વિચાર અને ખાસ કરીને વર્તન અતિ મહત્ત્વનાં બની રહે છે. વ્યક્તિએ તેનાથી નીચેની કક્ષાનાં, સમકક્ષાનાં, ઉપરી કક્ષાનાં વ્યક્તિ સાથે દરેક પરિસ્થિતિમાં સભ્યતા નમ્રતાભરી attitude જાળવવી જોઈએ. કારણ કે ઘણી વખત વ્યક્તિનાં શબ્દો કરતાં તેનું બીજા પ્રત્યેનું વલણ વધુ કહી જાય છે! આથી જ કહેવાય છે કે વ્યક્તિનાં વલણ (Attitude) થકી તેના સંસ્કારનાં દર્શન થતાં હોય છે.
સુરત     – દીપક દલાલ ગોહિલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top