Columns

અમેરિકા શું ખરેખર ઝોમ્બી વાયરસના સકંજામાં આવી ગયું છે?

સાયન્સ ફિક્શન ફિલ્મો ક્યારે વાસ્તવિકતા બની જશે, તે કહી શકાય તેવું નથી. અમેરિકાની એચબીઓ ચેનલ પર આજકાલ ‘ધ લાસ્ટ ઓફ અસ’નામની સિરિયલ ચાલી રહી છે, જેમાં એક ફૂગ મનુષ્યના મગજમાં ઘૂસીને તેને રાક્ષસ જેવો બનાવી દે છે. આ ફૂગ જેના મગજમાં પ્રવેશી જાય છે તેના મોંમાંથી સાપોલિયા બહાર નીકળતા દેખાય છે. આ રોગનો ભોગ બનેલા મનુષ્યોની ખોપડીમાં અને ચહેરા પર બિલાડીના ટોપ ઉગી નીકળે છે. આ ભેદી ફૂગ મોટા ભાગની માનવજાતનો વિનાશ કરે છે. આ અગાઉ પણ હોલિવૂડમાં ઝોમ્બીલેન્ડ, ધ વોકિંગ ડેડ, ડોન ઓફ ધ ડેડ વગેરે ફિલ્મો આવી ગઈ છે, જેમાં ઝોમ્બી વાયરસ માનવોના જીવનમાં કેવો હાહાકાર મચાવી શકે, તેની બિહામણી વાતો કરવામાં આવી છે.

આ તો કાલ્પનિક ફિલ્મો છે, પણ અમેરિકાના લોકોમાં આજકાલ એક ભેદી બીમારી પેદા થઈ છે, જેનાં લક્ષણો ઝોમ્બી વાયરસ જેવા છે. આ બીમારીનો ભોગ બનનારા લોકો રસ્તા પર ચાલતા હોય તો ઝોમ્બી જેવા દેખાય છે. તેઓ પોતાના બે પગ ઉપર ટટ્ટાર ઊભા પણ રહી શકતા નથી. ચાલતા ચાલતા તેઓ ડોલતા હોય છે. તેમના શરીર પર અચાનક છિદ્રો પેદા થઈ જાય છે. આ વિચિત્ર બીમારી એક જાતની નશાકારક ડ્રગને કારણે થતી હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાની લગભગ આખી યુવાપેઢી ડ્રગ્સના નશામાં બરબાદ થઈ ગઈ છે. અમેરિકાના યુવાનો નશો કરવા માટે હેરોઈન, ચરસ, ગાંજો, અફીણ વગેરે જાતજાતના પદાર્થો શોધી કાઢે છે.

ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ પણ કમાણી કરવા માટે અમેરિકામાં અબજો ડોલરનો ડ્રગ્સનો કારોબાર કરે છે. તેમાં પણ ફિલાડેલ્ફિયામાં ઝાયલાજીન નામની વિચિત્ર ડ્રગ યુવાનો લઈ રહ્યા છે, જે અફીણમાંથી નથી બનતી પણ એક પ્રકારનાં કેમિકલમાંથી બને છે. આ ડ્રગ લેવાને કારણે યુવાનોમાં શ્વાસની તકલીફ, ડિપ્રેશન, હાઇપરટેન્શન અને ક્યારેક મોત પણ થઈ જાય છે. ફિલાડેલ્ફિયાથી આ ડ્રગ સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસમાં થતી આખા અમેરિકામાં ફેલાઈ ગઈ છે. નવાઈની વાત એ છે કે ઝાયલાજીનના વેચાણ ઉપર અમેરિકામાં કોઈ પ્રતિબંધ નથી. તે વેટરનરી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર મળી શકે છે, કારણ કે તેનો ઉપયોગ જાનવરો માટે કરવામાં આવે છે.

ઘોડા, ગાય, બળદ વગેરે પાલતુ પ્રાણીઓને બેભાન કરવા હોય તો ઝાયલાજીનનાં ઇન્જેક્શનો આપવામાં આવે છે. આ ડ્રગ એક વાર લેવામાં આવે તો તેનાથી હળવાશનો અનુભવ થાય છે, કારણ કે તેની અસર મગજ અને જ્ઞાનતંત્ર પર થાય છે. જો તેને વારંવાર લેવામાં આવે તો તેની આદત પડી જાય છે. પછી આ ડ્રગ લીધા વિના ચાલતું નથી. જેમ જેમ તેનું વધુ સેવન કરવામાં આવે તેમ શરીરમાં થકાવટનો અનુભવ થાય છે. થોડા સમય પછી ચામડીમાં કાણાં પડવા લાગે છે. ચામડીનો કેટલોક ભાગ સૂકાઈને ખરવા પણ લાગે છે. જો તેનો સમયસર ઇલાજ ન કરવામાં આવે તો હાથ કે પગ કાપવાનો વારો પણ આવે છે. અમેરિકામાં આવા દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.

અફીણમાંથી બનતી ડ્રગ્સમાં અને ઝાયલાજીનમાં પાયાનો ફરક એ છે કે અફીણવાળી દવાનું સેવન કરનારા અર્ધજાગ્રત અવસ્થામાં રહેતા હોય છે. તેમને પોતાની આજુબાજુ શું બની રહ્યું હોય છે, તેનું ભાન હોય છે; જ્યારે ઝાયલાજીનનું સેવન કરનારા અચાનક ઉંઘી જાય છે. તેઓ રસ્તા પર ચાલતાં ચાલતાં કે કાર ડ્રાઇવ કરતાં પણ ઉંઘી જાય છે. અમેરિકાના રસ્તા પર ચાલતો કોઈ યુવક કે યુવતી અચાનક ઢળી પડે તો ધારી લેવામાં આવે છે કે તે ઝાયલાજીનનો બંધાણી છે. જો કાર ચલાવતાં આ બીમારીનો હુમલો આવે તો અકસ્માત થઈ શકે છે. આ ડ્રગનો શિકાર બનેલી યુવતી કોઈ જાહેર સ્થળ પર હોય અને અચાનક સાનભાન ગુમાવી દે તો તેના પર બળાત્કાર પણ થઈ શકે છે.

અમેરિકાના કેટલાક યુવાનો હેરોઈનના નશામાંથી બહાર આવવા માટે પણ ઝાયલાજીનનો ઉપયોગ કરે છે. તેઓ ઝાયલાજીન સાથે ફેન્ટાનિલ નામની દવાનું મિશ્રણ કરે છે. તેને ટ્રાન્કડોપ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાની શેરીઓમાં થોડાક ડોલર ખર્ચતા તે સહેલાઈથી મળી જાય છે. અમેરિકાનું આરોગ્ય તંત્ર આ ડ્રગના ફેલાવાથી ચિંતામાં ગરકાવ થઈ ગયું છે. ગયાં વર્ષે યુ-ટ્યૂબની કેટલીક ચેનલો ઉપર અમેરિકાની શેરીઓમાં ડગુમગુ ચાલતા યુવાનોના બિહામણા વીડિયો વાઇરલ કરવામાં આવ્યા ત્યારે લોકો તેને કોન્સ્પિરસી થિયરી ગણીને હસી કાઢતા હતા. આ વીડિયોમાં કહેવામાં આવતું હતું કે તેઓ કોઈ જાતના ઝોમ્બી વાયરસનો ભોગ બન્યા છે. હવે આ વીડિયો વાસ્તવિક પુરવાર થતાં યુ-ટ્યૂબ પર આવા લાખો વીડિયો વહેતા મૂકાયા છે. કેટલાક વીડિયોમાં તો આગાહી કરવામાં આવે છે કે ઝોમ્બી વાયરસને કારણે માનવ જાતનો નાશ થઈ જશે.

અમેરિકાના ડોક્ટરો ઝાયલાજીનનો ઉલ્લેખ ઝોમ્બી ડ્રગ તરીકે કરવા લાગ્યા છે. સામાન્ય રીતે જે લોકો હેરોઇન જેવી ડ્રગ્સનો શિકાર બન્યા હોય તેમની સારવાર કરવા માટે ડોક્ટરો નાલોક્ષોન કે નાર્કાન જેવી દવાઓનો ઉપયોગ કરતા હોય છે, પણ ઝોમ્બી ડ્રગનો ભોગ બનેલા યુવાનો પર તેનો કોઈ ફાયદો જોવા મળતો નથી. તેમાં પણ જો ઝાયલાજીનનું મિશ્રણ અન્ય કોઈ ડ્રગ સાથે કરવામાં આવે તો તેનો કોઈ ઇલાજ કરી શકાતો નથી. યુ-ટ્યૂબ ઉપરના વીડિયોમાં ઝોમ્બી ડ્રગનો ભોગ બનેલા કેટલાક યુવાનો જાહેર રસ્તા પર ચાવી દીધેલાં પૂતળાંની જેમ ચાલતા નજરે પડે છે.

એકબાજુ અમેરિકાના યુવાનો ભેદી ઝોમ્બી ડ્રગનો ભોગ બની રહ્યા છે તો બીજી બાજુ સાઇબેરિયાનાં રણમાં સુષુપ્ત અવસ્થામાં પડેલા ૫૦,૦૦૦ વર્ષ જૂના ‘ઝોમ્બી વાયરસ’ને વિજ્ઞાનીઓ દ્વારા ફરી જીવતા કરવામાં આવ્યા છે. આ વાયરસ સાઇબેરિયાના વરંગલ ટાપુ ઉપર એક થીજી ગયેલાં તળાવને તળિયે હજારો વર્ષો સુધી પડ્યા હતા. જાગતિક તાપમાન વધવાને કારણે બરફ પીગળતાં આ વાયરસ તળાવની સપાટી પર આવી ગયા હતા. વિજ્ઞાનીઓ હવે આ પુનર્જીવિત કરવામાં આવેલા વાયરસનો અભ્યાસ કરી રહ્યા છે. તેને પેન્ડોરા વાયરસ નામ આપવામાં આવ્યું છે.

પેન્ડોરાના ડબ્બાની જેમ તેમાંથી કોઈ અજાણ્યું ભૂત પણ બહાર નીકળી શકે તેમ છે. સાઇબેરિયામાં હજારો વર્ષો પહેલાં માર્યા ગયેલા વરૂનો મૃતદેહ બરફ હેઠળ દબાયેલો હતો. તેના આંતરડા અને ઉનમાંથી મળી આવેલા અજાણ્યા વાયરસનો પણ વિજ્ઞાનીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિજ્ઞાનનો જેમ વિકાસ થતો જાય છે તેમ શસ્ત્રોના પ્રકારો પણ બદલાતા જાય છે. પ્રાચીન કાળમાં યુદ્ધો તીર-કામઠાં અને ભાલા-તલવારો વડે લડાતા હતા. ત્યાર બાદ દારૂગોળાની શોધ થતાં યુદ્ધો તોપો અને બંદૂકો વડે લડાતા થયા. પછી એટમ બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બની શોધ થઈ. બીજાં વિશ્વયુદ્ધમાં અમેરિકાએ પહેલી વખત એટમ બોમ્બનો ઉપયોગ કરીને વિનાશ વેર્યો હતો.

બીજાં વિશ્વયુદ્ધમાં હિટલર દ્વારા રાસાયણિક હથિયારોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો, જેમાં ઝેરી ગેસના ઉપયોગથી લાખો યહૂદીઓનો સંહાર કરવામાં આવ્યો હતો. હવે જે યુદ્ધો લડાશે તે માઇક્રોસ્કોપમાં પણ માંડ જોઈ શકાય તેવા બેક્ટેરિયા અને વાયરસ વડે લડાશે. ચીનના વુહાનની લેબોરેટરીમાંથી જે કોરોના વાયરસ લિક થયો હોવાનું કહેવાય છે, તેના પર પ્રયોગો ચાલી રહ્યા હતા અને તે પ્રયોગો જૈવિક શસ્ત્રો પેદા કરવા માટે ચાલી રહ્યા હતા. આધુનિક વિજ્ઞાન માનવ જાતને ખતમ કરનારો વાયરસ છૂટો મૂકી દે તે પહેલાં કોઈકે તો તેના પર લગામ તાણવી જ પડશે.

Most Popular

To Top