SURAT

આ માથાભારે ઈસમે મોટા વરાછામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પર આવો ધંધો શરૂ કરી દીધો

સુરત: મોટા વરાછામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી તેના પર દુકાન ઠોકી બેસાડનારા સામે લેન્ડ ગ્રેબિંગ રેવન્યુ એક્ટ અન્વયે ઉત્રાણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે દિલીપ શંકર પટેલ (ઉં.વ.61) (રહે., મોટા વરાછા, ખરી ફળિયું) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તેમાં દિલીપ પટેલ દ્વારા સરવે નં.473, ટી.પી. નં.18, મોટા વરાછા, ફાઇનલ પ્લોટ નં.92માં સરકારની કુલ 25,293 ચોરસ મીટર જમીન નોંધાયેલી છે, એ જમીન પૈકી 2190 ચોરસ મીટર જમીન પર કબજો કરી તેમાં દુકાનો તાણવામાં આવી છે. આ ઉપરાંત આ જમીન પર આવેલી દુકાનોમાંથી દિલીપ પટેલ ભાડું મેળવી રહ્યો છે. આ મામલે સરકારની જમીન પર ગેરકાયદે કબજો કરી આર્થિક નુકસાન પહોંચાડવા બદલ દિલીપ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગ રેવન્યુ એક્ટ અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં જમીનમાં ગેરકાયદે દબાણ કરતાં તત્ત્વોને નશ્યત કરવા માટે પોલીસને આદેશ અપાયા છે. દરમિયાન આ મામલે રેવન્યુ કચેરી અને પોલીસે આક્રમક વલણ અપનાવી કાર્યવાહી શરૂ કરી છે. તેમાં પ્રતિદિન સુરત શહેરમાં ચારથી પાંચ ફરિયાદો દાખલ કરી છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફૂલપાડામાં જમીન પચાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ
સુરત: રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કરાયા બાદ ફૂલપાડામાં ગેરકાયદે રીતે જમીન પર પચાવી પાડનાર ઇસમ સામે કાપોદ્રા પોલીસ દ્વારા કલેક્ટરના આદેશથી લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફૂલપાડાના રેવન્યુ સરવે નં.33.1.1 ટી.પી. સ્કીમ નં.15, ફાઇનલ પ્લોટ નં.60 ઉપર આવેલી 397 ચોરસ મીટર જમીન જેની કિંમત બે કરોડ કરતાં વધુ થાય છે. આ જમીન પર એક લાખનું બાનુ આપી પચાવી પાડવાનો કારસો કરવામાં આવ્યો હતો.

આ મોકાની જમીન પર જેઠા સાજન ભરવાડ ઉર્ફે કસોટિયા (રહે.,ઇન્દિરાનગર સોસાયટી, પંચમુખી હનુમાન મંદિર પાસે, હીરાબાગ કાપોદ્રા) દ્વારા જમીન પર ગેરકાયદે રીતે ખોલી પાડી તેને ભાડે આપી દેવામાં આવી હતી. આ મામલે જમીનના માલિક ગોવિંદ રણછોડ પટેલ (ઉં.વ.70) (રહે., ધર્મિષ્ઠાપાર્ક સોસાયટી, ડાયમંડનગરની બાજુમાં, એ.કે.રોડ, વરાછા) દ્વારા સાજન ભરવાડને પૂછવામાં આવતાં આ મામલે ગોવિંદભાઇને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. દરમિયાન વર્ષ 2017માં રાજુ કરમટિયા સાથે તેમણે જમીનના વેચાણપેટે બાનુ 1 લાખ રૂપિયા લીધું હતું. બાદ આ સોદો રદ થતાં તેમણે આ નાણાં પરત કરીને તેનું કાચું લખાણ પણ કર્યુ હતું. બાદ આ જમીન પર સાજન કસોટિયાએ કબજો કરી લીધો હતો. સુરત કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top