SURAT

VIDEO: સુરતના લોકો સેલ્ફી લેવા દીપડાના પાંજરા પર ચઢી ગયા, 10 કિ.મી. સુધી પાછળ દોડ્યા

સુરત (Surat) : સુરતના ડ્રીમ સિટી વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સની નજીક આવેલા ખજોદ ગામમાં (Khajod) શુક્રવારે સવારે બાણફળિયા ખેતરમાંથી દીપડો (Leopard) દેખાતા ગભરાટ ફેલાયો હતો. વનવિભાગ, પ્રયાસ સંસ્થાએ દીપડાને પકડવા અહીં પાંજરુ મુક્યું હતું, જેમાં રવિવારે રાત્રે દીપડો ઝડપાઈ ગયો હતો. શિકારની પાછળ દોડેલો દીપડો પાંજરામાં પુરાઈ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

મળતી વિગત મુજબ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના રસામાં ખેતર વિસ્તારમાંથી દીપડાએ શીકાર પાછળ દોટ લગાવી બાણ ફળિયા સુધી ઘૂસી આવ્યો હતો જે બાબતે સ્થાનિક ખેડૂત યશવંતભાઈ અને અન્યોએ સ્થળ તપાસ કરતા દીપડા નાં પગલાં જેવા જ પગલાં મળી આવ્યા હતા તેથી તેના ફોટોગ્રાફ્સ સહીતની હકીકત જંગલખાતાને જાણ કરવામાં આવી હતી. તેમજ દિપડાને પકડવા માટે પાંજરૂ મુકવા સહીતની કાર્યવાહી કરવા સાંઈ યુવક મંડળ ટ્રસ્ટ ખજોદના પ્રમુખ પ્રકાશભાઈ પી પટેલ, મંત્રીપ્રકાશભાઈ વી કોન્ટ્રાક્ટર અને ટ્રસ્ટી યશવંતભાઈ ડી પટેલ વગેરેએ જાણ કરી હતી. આ બાબતે જંગલ ખાતામાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ જંગલ ખાતાએ અહીં પાંજરૂ ગોઠવીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. દરમિયાન રવિવારે મોડી રાત્રે શિકારની શોધમાં આવેલો દીપડો મારણની લાલચે પાંજરામાં ઘૂસ્યો હતો અને પકડાઇ ગયો હતો. આ દીપડાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. પાંજરે પૂરાયેલા દીપડા સાથે સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી મુકી હતી. કેટલાંક યુવાનો પાંજરું જે ગાડી પર મુક્યું હતું તેની પર ચઢી ગયા હતા. જ્યારે વનવિભાગના અધિકારીઓ પાંજરામાં કેદ દીપડાને લઈ જઈ રહ્યાં હતાં ત્યારે ગામના યુવાનોએ 10 કિ.મી. સુધી તેનો પીછો કર્યો હતો, જેના લીધે વનવિભાગના અધિકારીઓ હેરાન થઈ ગયા હતા. જો કે, દીપડો પકડાઇ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

બુર્સની બાજુમાં દીપડાની હલચલથી હીરા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો
સુરતના હીરાઉદ્યોગકારોનો અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સ ખજોદ-સરસાણામાં જ આવેલો છે. અહીં ગુજરાત સરકાર ડ્રીમ સિટી માટે જમીન ફાળવી છે, તેમાં જ સુરત ડાયમંડ બુર્સ સાકાર થયું છે. પેન્ટાગોન કરતા વિશાળ સુરત ડાયમંડ બુર્સને ટૂંક સમયમાં ખુલ્લું મુકવામાં આવનાર છે. અહીં હાલમાં પણ રોજ સૈંકડો મજદૂરો કામ કરતા હોય છે. હીરા ઉદ્યોગકારોએ ઓફિસોમાં ફર્નિચરનું કામ શરૂ કરી દીધું છે, ત્યારે બુર્સથી 1 કિલોમીટર દૂર ખજોદ ગામના બાણફળિયામાં દીપડો દેખાતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વળી, બાણ ફળિયા અને ડાયમંડ બુર્સ વચ્ચે માત્ર ખેતરો છે. જ્યાં ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સના મજદૂરો રહેતા હોય છે. જણાવી દઈએ કે સુરત ડાયમંડ બુર્સ થી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે આભવા અને ખજોદ ગામના ખેતરો છે, અહીં દીપડો દેખાયો તે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. અહીંથી સુરત શહેરના વેસુ તરફ દીપડો આવે તેવી દહેશત પણ રહેલી છે.

Most Popular

To Top