Comments

હાસ્ય પણ ઉપચાર બની શકે છે, હસો

હસવું અને રડવું સૌથી વધુ સહજ અભિવ્યક્તિ છે. આ બે એવા વ્યવહાર છે, જે માણસ જન્મથી જ શીખીને આવે છે. ખુશી અને દુઃખ જેટલી તીવ્રતાથી આપણે હસી કે રડી પડીએ. માણસને હસવું ક્યારે આવી જાય છે એ ખબર જ નથી પડતી. હાસ્યનું બાળપણ સ્મિત રૂપે જન્મ લે છે. યુવાવસ્થામાં ખિલખિલાટમાં પ્રવેશ કરે છે અને તેની અંતિમ અવસ્થામાં અટ્ટહાસ્યનો દોર શરૂ થઈ જાય છે. હસવું એ પણ એક પ્રકારની કળા છે. ક્યારે હસવું એ પણ કળા છે. જો કે એ નક્કી કરવું મુશ્કેલ છે કે કેવી રીતે અને કેવું હસવું જોઈએ. હજુ સંશોધન ચાલુ છે. હાસ્યના પ્રકારો હજુ સુધી નિર્ધારિત થયા નથી . માનવજાતનો વિકાસ થયો ત્યારથી હાસ્ય અનેક સ્વરૂપે સામે આવ્યું છે અને માનવીના વિકાસ, વ્યક્તિત્વ તથા તેના સ્વભાવ સાથે જોડતું ગયું. એ જે સ્વરૂપે આવ્યું એનો સ્વભાવ લોકોને જાણ્યે- અજાણ્યે ખૂબ જ પસંદ પડ્યો, પછી એ નવજાત શિશુનું હોય કે અહંકારી રાવણનું અટ્ટહાસ્ય. વૈજ્ઞાનિક કહે છે કે માણસ શિશુઅવસ્થામાં એક બાળક ૨૪ કલાકમાં લગભગ ૪૦૦ વખત હસે છે અને વયસ્ક વ્યક્તિ આ અહેસાસથી ૩૮૩ વાર વંચિત રહે છે.

આપણે આપણા જીવન તરફ દૃષ્ટિ કરીશું તો આપણને જણાશે કે પહેલાં આપણે હળવા ફૂલ હતા. આજે આપણે જિંદગીને જીતી લેવામાં ભારેખમ બની ગયા છીએ અને જિંદગીના સાગરમાં તરવાની સખત મહેનત કરવી પડે છે. આપણે આપણા બચપણ તરફ નજર નાખીશું તો અનુભવાય છે કે હાલની માસિક આવક કરતાં પિતાજીની ટૂંકી આવકમાં જે મજા હતી તેવી મજા આજે નથી અનુભવતા. જીવન જીવવા માટે ખૂબ જ દોડવું પડે છે, દોડીએ છીએ,એટલે થાકીએ છીએ એટલે જીવનનો ખટમીઠો રસ પીવાનો ઉત્સાહ નથી રહેતો.

આપણે હાસ્ય શોધવું પડે એ આપણા જીવનની કરુણતા જ કહેવાય.જીવનમાં હાસ્યનું અત્યંત મહત્ત્વ છે. તે જો આપણે સમજી શકીયે તો આપણા બધા જ પ્રયત્નો આપણે હસીએ તેના જ હોય.‘ હાસ્ય’એ આપણી દરેક મુશ્કેલીનું રામબાણ ઔષધ છે. હવે લાફ્ટર ક્લબ, હ્યુમર વેબ સાઇટ, કૉમિક્સ, સ્ટેન્ડ – અપ કોમેડિયન,કોમેડી સીરિયલ અને ફિલ્મ જેવા અનેક વિકલ્પો આપણી પાસે છે. માણસના જીવનમાં સહજ ગણાતા હાસ્યનું પણ દુનિયાભરમાં એક માર્કેટ બની ગયું છે.  આજકાલ લાફટર થેરાપિસ્ટ, હયુમર કન્સલ્ટન્સી, લાફ્ટર ગુરુ, લાફ્ટર કોચની નવી ફસલ તૈયાર થઈ ગઈ છે. આજની આપણી પેઢીની વ્યસ્ત અને તણાવભરી જીવનશૈલીને કારણે હાસ્યનું બજાર સોનાની લગડી જેવું પુરવાર થઈ રહ્યું છે.

રોગોની ચિકિત્સા રૂપે હાસ્યના ફાયદા જોવા મળ્યા પછી હાસ્યની જાદુઈ શક્તિનો એહસાસ થયો. આનું શ્રેય ૧૯૬૪માં પ્રગટ થયેલા નોર્મન કઝીન્સના પુસ્તક એનાટોમી ઓફ એન ઇલનેસ’ ને જાય છે. આ પુસ્તકમાં તેમણે હાસ્યની મદદથી પોતે એક જીવલેણ બીમારીમાંથી કેવી રીતે ઊગરી ગયા એનું વર્ણન છે. આ ઘટના પછી હાસ્યનો પ્રવેશ મનોરંજનમાંથી આરોગ્યની એક થેરેપી રૂપે પ્રસિદ્ધિ મળી. આપણે હવે લાફ્ટર થેરાપિસ્ટ, ગુરુ વગેરેનો થોડો તફાવત સમજીએ.
લાફ્ટર થેરાપિસ્ટ: સ્વસ્થ રહેતાં શીખવે. થેરાપિસ્ટનું કામ ડૉકટર, મનોચિકિત્સક અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ જેવું છે. સ્વાસ્થ્યની અસર વિશે આપણને સમજાવે છે.

લાફ્ટર ગુરુ : જીવન જીવતાં શીખવે છે.
તેઓ જણાવે છે કે કેવી રીતે બે પળ હસીને ખુશ રહી શકાય છે.
હ્યુમર કન્સલ્ટનસી: ખુશ રહીને કામ કરતાં શીખવે છે.
કામના બોજા વચ્ચે સ્વસ્થ અને તાજામાજા રહેવાનો ગુણ તથા જીવનમાં હસતાં રહીને સફળ થવાનો ગુણ શીખવે છે.
લાફ્ટર કોચ: બીજાઓને હસાવતાં શીખવે છે.

લાફ્ટર કોચ સારા કોમેડિયન બનવાના નુસખાઓ આપે છે. તેઓ હાસ્યલેખન, ટેકનિક, ટાઈમિંગ અને રજૂઆત વગેરેની કળા શીખવે છે.
આપણે હસતાં નથી ત્યારે આપણી મનોવૃત્તિ કેવી હોય?
(૧) સતત થાકની લાગણી. (૨) કામથી કંટાળો. (૩) ચીઢિયાપણું (૪) સતત ઉશ્કેરાટ (૫) અકારણ ગુસ્સો (૬) નિષ્ફળતાની બીક (૭)નિરાશામાં ડૂબવું વગેરે.

આપણે હસતાં હોઈએ ત્યારે….(૧) આનંદની અનુભૂતિ. (૨) માનસિક સ્થિરતા. (૩) આત્મવિશ્વાસ વધવો. (૪) સહકાર વૃત્તિ વગેરે.
સુખી જીવન માટે હાસ્ય જરૂરી છે, પરંતુ એક પ્રશ્ન થાય કે કેવું હસવું ? ઘણાંને હસતાં ન પણ આવડે, ઘણાં હસે ત્યારે તમાચો મારવાની ઈચ્છા થઈ આવે. કેટલાક શિયાળનું લુચ્ચું ‘સ્માઈલ’ કરે. આવી વ્યક્તિ હસે ત્યારે આપણને વિશ્વાસ કરવાની ઈચ્છા થતી નથી. કેટલાકના હાસ્યમાંથી અહંકારની બૂ આવે છે. કેટલાક ધંધાદારી સ્માઈલ એટલે કે ‘ કોલગેટ સ્માઈલ’  કરે છે. આપણે અનેક રીતે હસી શકીએ છીએ.

અંતમાં આપણે હાસ્યનું મનોવિજ્ઞાન સમજીએ.
મનોવૈજ્ઞાનિકોનું તારણ માન્યામાં ન આવે તેવું છે કે તમામ હાસ્ય પોતાની શ્રેષ્ઠતા સ્થાપિત કરવા માટેનાં હોય છે. લોકો હાસ્યનો ઉપયોગ એટલા માટે કરે છે કે તેમને એવું લાગે છે કે બીજાં લોકોએ ક્યારે અને કઈ વાતો ઉપર હસવું.  તેઓ નક્કી કરે. પ્રસન્નતા ઈશ્વરીય ઔષધ છે. ક્યારેક જો કોઈક ડૉકટરને ત્યાં જવાનું થાય તો હસમુખા ડોકટરને ત્યાં જવું વધુ હિતાવહ છે. પ્રસન્નચિત્ત ડોકટરને ત્યાં મળતી દવા ગંભીર ડોકટરને ત્યાં મળતી દવા કરતાં અનેક ગણી લાભકારક હોય છે.

ડૉ. હોડાજ
જો આપણે હસી શકીએ નહિ તો આપણે જીવન વિશે નવેસરથી વિચારવાની જરૂર છે.
સુખી જીવન માટે હસતાં રહેવું જરૂરી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top