Latest News

More Posts

ગુજરાતમાં પુરસોત્તમ રૂપાલાનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હવે કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદનથી રાજકારણ (Politics) ગરમાયું છે. રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને આપેલા એક નિવેદન બાદ વડાપ્રધાન મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. હવે તેની જ્વાળા ગુજરાત સુધી પહોંચી છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈ હવે સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદન અંગે સી આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે રાજા મહારાજાઓ અંગે ટીપ્પણી કરીને કોંગ્રેસે તેમની માનસિકતા ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસથી દૂર થયા છે. કોંગ્રેસ દેશની સંપતિ લઘુમતીઓને વેચી દેવાની વાતો કરે છે. તેમણે કહ્યું કે રાજાઓની સંપતિ લઈ લેવાનું કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઇપણ સંજોગોમાં આવી કરતૂતો ચલાવી લેવામાં નહીં આવે.

બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ એજ કોંગ્રેસ પાર્ટી છે જે એકતા કરવાનું કામ કરે છે. દેશને લૂંટવવાળાઓનો રાજા-રજવાડાઓ સાથે અનેરો સબંધ હતો તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું જે વિડીયો મારી પાસે છે. ગોહિલે કહ્યું કે ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા, દિકરીઓનું અપમાન કર્યું. અહંકાર કર્યો જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો.

રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન પર ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકોટ કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલા દલીલ આપીને રાહુલનો બચાવ કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતા અશોકસિંહના મતે જો રાહુલે અત્યારના સમય પ્રમાણે આ ટિપ્પણી કરી હોય તો નિંદનિય છે. પરંતુ છતાંપણ રૂપાલાએ જે ટિપ્પણી બહેન દીકરીઓ વિશે કરી છે તેવી ટિપ્પણી રાહુલ ગાંઘીએ નથી કરી. રાહુલ ગાંધીએ ક્ષત્રિય સમાજ વિશે વાત નથી કરી. તેમણે ફક્ત તે સમયના રાજા રજવાડા અંગે વાત કરી છે. તેમણે અસ્મિતા લાજે તેવી ટિપ્પણી કરી નથી.

જણાવી દઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક પ્રચારસભામાં સંબોધન કરતાં કહ્યું કે જ્યારે રાજા મહારાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ તેમને જે ઇચ્છા થાય તે કરતાં. તેમને કોઇની જમીન જોઇતી તો લઇ લેતાં હતા. આ નિવેદનનો વીડિયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે. વીડિયો સાથે સંઘવીએ સંદેશ લખ્યો હતો કે કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું હતું.

To Top