Latest News

More Posts

નડિયાદના મહાદેપુરા નજીક કટીંગ સમયે LCBની ટીમે સપાટો બોલાવી 11.05 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

લોકસભા ચૂંટણી ટાણે ખેડા જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચને વિદેશી દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. જિલ્લામાં મોટીમાત્રામાં પરપ્રાંતીયથી ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો બુટલેગર સગેવગે કરે તે પહેલા જ LCBની ટીમે ઝડપી લીધો છે. ખુલ્લી જગ્યામાં દારૂ કટીંગ દરમિયાન પોલીસ ત્રાટકતા બુટલેગર ફરાર થયા છે અને પોલીસે રૂપિયા 11.04 લાખનો વિદેશી દારૂ સાથે કન્ટેનર ટ્રક અને અન્ય બે વાહનો મળી એક ઈસમને પકડી લીધો છે. પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો ગતરાત્રે ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન આ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મહાદેવપુરા તાપીકૂઈ તલાવડી પાસે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. જે માહીતીના આધારે ઉપરોક્ત સ્થળે પોલીસે પહોંચી દરોડો પાડતા ત્યાં હાજર બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ પહોંચે તે પહેલા તમામ બુટલેગરો ફરાર થઈ ગયા હતા. જ્યારે એકને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. આ પકડાયેલા વ્યક્તિનું પોલીસે નામઠામ પુછતા તેણે પોતાનું નામ સલીમ મહેબુબ મુરખા ખાન (રહે.હરીયાણા) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે તેને સાથે રાખી મળી આવેલ કન્ટેનર ટ્રક અને બે માલવાહક ટેમ્પામાં તપાસ આદરતા આ ત્રણેય વાહનોમાં વિદેશી દારૂના કુલ બોક્ષ નંગ 184 જેમાં બોટલ નંગ 2208 કુલ કિંમત રૂપિયા 11 લાખ 4 હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂના જથ્થા સાથે ઉપરોક્ત ત્રણેય વાહનોની કિંમત રૂપિયા 28 લાખ તેમજ એક મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 39 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

To Top