ઉમરગામ નારગોલના માછી સમાજના લોકોનો દરિયા કિનારે પહેરો શા માટે?

કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને ઉમરગામના મધદરિયે જ ઉમરગામ નારગોલના માછી સમાજના સ્થાનિકોએ દરિયામાં જઈ વિરોધ દર્શાવી આવતી બોટોને અટકાવી હતી અને પરત જવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ તાલુકા સહિત આજુબાજુના મહારાષ્ટ્રને અડીને આવેલાં ગામડામાંથી હજારોની સંખ્યામાં ખલાસી-ટંડેલો મચ્છીમારી માટે નોકરી-ધંધાર્થે સૌરાષ્ટ્ર વેરાવળ પોરબંદર ગયા હતા. કોરોના વાયરસની મહામારીથી બચવા હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે માછીમારોનો ધંધો પણ બંધ છે. આવા સંજોગોમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળથી સેંકડો ખલાસી માછીમારો પરત પોતાના વતન ફરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી બોટ માલિકો દ્વારા પાંચ-સાત જેટલી બોટોમાં પાંચસોથી પણ વધુ ખલાસીઓને બોટમાં ઉમરગામમાં મોકલાવતાં આ બોટો ઉમરગામ આવવા નીકળી હતી. આ ખલાસી સાથેની બોટો ઉમરગામ, નારગોલ જીટી ઉપર શનિવારે આવવાની હતી અને ઉમરગામ જેટીથી નજીકમાં જ દરિયામાં આવી પહોંચી હતી. જેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ જેટી ઉપર પહોંચી ગઈ હતી. બીજી તરફ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને જોતાં નારગોલ-ઉમરગામના સ્થાનિક માછીમારો મધદરિયે પહોંચી ગયા હતા. અને મધદરિયે વિરોધ દર્શાવી આવતી બોટોને અટકાવી હતી અને પરત જવા જણાવ્યું હતું. જેથી ખલાસીઓ સાથેની બોટ પરત જતી રહી હતી.
આ વાત વાયુવેગ ઉમરગામ તાલુકાના કાંઠાનાં ગામોમાં પણ પ્રસરી ગઈ હતી અને ગમે ત્યારે આ બોટ ગમે તે કિનારે આવી ચડે તેવી શક્યતા જોતાં અત્રેના સ્થાનિકો પણ આ બોટ અટકાવવા દરિયાકિનારે એલર્ટ બની પહેરો ભરતા જોવા મળ્યા હતા. બીજી તરફ સેંકડો કિલોમીટર કાપીને સૌરાષ્ટ્રમાંથી ઉમરગામ સુધી પહોંચેલા બોટમાં સવાર ખલાસીઓ પણ જાયે તો જાયે કહાં જાયે તેવી પરિસ્થિતિમાં અવઢવની સ્થિતિમાં મુકાયા હોવાની વાત તેમના પરિવારજનોને ટેલિફોનિક માધ્યમથી કરી હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં સૂત્ર પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, આ સૌરાષ્ટ્રના વેરાવળ પોરબંદરથી ખલાસીઓ સાથે ઉમરગામ આવેલી આ બોટ મોડી સાંજના ઉમરગામના મરોલી દરિયાકિનારે લાવવામાં આવે તેવી શક્યતા છે. જેના લઈ પોલીસ સ્ટાફ અને મેડિકલની ટીમ પણ ત્યાં તૈનાત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related Posts