Dakshin Gujarat

ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અંકલેશ્વરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો

ભરૂચ: (Bharuch) રવિવારે સવારે ભરૂચ જિલ્લાના ૭ તાલુકામાં મેઘરાજાનું (Monsoon) આગમન થયું હતું. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં માત્ર ૬ કલાકમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ (Rain) ખાબક્યો હતો. ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બે જિલ્લામાં ભારે વરસાદ થશે.

  • ભરૂચ જિલ્લામાં સાત તાલુકામાં વરસાદ પડ્યો
  • સવા ઈંચ વરસાદને પગલે અંકલેશ્વરમાં ઠેર-ઠેર પાણી ભરાયા
  • ૨૦ અને ૨૧મી જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે

ભરૂચ જિલ્લામાં રવિવારે સવારના સમયે વરસાદ પડ્યો હતો. સવારે ૬થી ૧૨ વાગ્યા સુધીમાં સૌથી વધારે અંકલેશ્વરમાં-૩૨ મીમી, આમોદમાં-૧ મીમી, ઝઘડિયામાં-૭ મીમી, ભરૂચમાં-૩ મીમી, વાગરામાં-૫ મીમી, વાલિયામાં-૭ મીમી અને હાંસોટમાં-૭ મીમી વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનથી ખાસ કરીને ધરતીપુત્રોને આનંદ છવાયો હતો. ઉનાળામાં ૪૨ ડિગ્રીને પાર કરી જતાં તાપમાનનો પારો ગગડતાં લોકોએ ભારે રાહત અનુભવી હતી. અંકલેશ્વર-ભરૂચ પંથકમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલાં જોવા મળ્યાં હતાં. હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તા.૨૦ અને ૨૧મી જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

અંકલેશ્વરમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
અંકલેશ્વર: અંકલેશ્વરમાં છેલ્લા દસ દિવસથી અવારનવાર ઝરમર વરસાદ વરસતો હતો. પરંતુ રવિવારે મેઘરાજાએ જાણે પૂરબહારમાં અંકલેશ્વર પર પોતાની કૃપા વરસાવી હતી અને એક કલાક સુધી ગાજવીજ સાથેના વરસાદે જનજીવનને પણ અસર કરી હતી. વરસાદને પગલે અંકલેશ્વર પીરામણ નાકા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કેબિન પાસેનું એક વૃક્ષ ધરાશાયી થતાં જનજીવન અને ટ્રાફિકને અસર થઇ હતી. જ્યારે વૃક્ષની નીચે જ ઊભેલી એક ટુ વ્હીલર બાઇકને પણ ભારે નુકસાન થયું હતું. ટ્રાફિકના જવાનો અને અંકલેશ્વરના ફાયરબ્રિગેડના જવાનો આ વૃક્ષને હટાવીને ટ્રાફિક પૂર્વવત્ કરવા માટે વરસતા વરસાદમાં પણ કામે લાગ્યા હતા. તો બીજી તરફ અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની બૂમ પડી હતી, જેમાં તડ ફળિયા, સંજયનગર જેવા વિસ્તારોમાં તો ખાસ દર વર્ષે વરસાદમાં પાણી ભરાતા જ હોય છે. ત્યારે આ વિસ્તારના રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણે લોકોને શીતળતા અર્પી હતી અને રવિવારની મજા પણ લોકોએ માણી હતી.

Most Popular

To Top