Latest News

More Posts

12 જૂન, 2025નો દિવસ અમદાવાદ ક્યારેય ભૂલી શકશે નહીં. ગુરુવારની એ સામાન્ય લાગતી બપોરે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે થોડા જ મિનિટોમાં શહેર એક એવી દુર્ઘટનાનો સાક્ષી બનશે, જે સેકન્ડોમાં સેંકડો પરિવારોના સપના અને ખુશીઓ ખાખ કરી નાખશે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તે દિવસે રોજની જેમ ચહલપહલ હતી. લંડન જવા માટે એર ઇન્ડિયાનું વિમાન તૈયાર હતું. મુસાફરોમાં કેટલાક ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા હતા, કેટલાક નોકરી અને વ્યવસાયના નવા અવસર માટે, તો કેટલાક પોતાના પરિવારજનોને મળવા અથવા વેકેશન માણવા માટે પ્રવાસે નીકળ્યા હતા. એરપોર્ટ પર પરિવારજનો અને મિત્રો પોતાના સ્વજનોને પ્રેમભરી વિદાય આપી રહ્યા હતા. કોઈએ હાથ હલાવીને ‘આવજો’ કહ્યું, તો કોઈએ જલ્દી પાછા આવવાની શુભેચ્છા આપી. પરંતુ કોઈને ખબર નહોતી કે આ વિદાય ઘણી વ્યક્તિઓ માટે અંતિમ સાબિત થવાની હતી.

વિમાને બપોરે લગભગ 1:39 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ટેક-ઓફ થયા પછી થોડી જ મિનિટોમાં અચાનક વિમાનમાં ગંભીર સમસ્યા સર્જાઈ અને તે શહેરના અસારવા વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના કેમ્પસમાં તૂટી પડ્યું. વિમાન સીધું જ કોલેજની મેસ અને આસપાસના વિસ્તારમાં ખાબકતાં ભયાનક ધડાકો થયો. થોડા જ પળોમાં આખો વિસ્તાર આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાથી ઘેરાઈ ગયો. ઘટનાની જાણ થતાં જ શહેરમાં અરેરાટી મચી ગઈ. પરિવારજનો, સ્થાનિક લોકો, પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. પરંતુ ત્યાંનું દૃશ્ય એટલું ભયાનક હતું કે અનુભવી બચાવકર્મીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના જીવ ગયા હતા. વિમાનમાં સવાર 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો ઉપરાંત જમીન પર હાજર 19 લોકો પણ આ આગ અને વિસ્ફોટનો ભોગ બન્યા હતા. મૃતકોમાં બી.જે. મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો, જે તે સમયે મેસમાં ભોજન લઈ રહ્યા હતા.

આજે આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, છતાં બી.જે. મેડિકલ કોલેજના પરિસરમાં પગ મૂકતાં જ એ કાળમુખી દિવસની યાદો તાજી થઈ જાય છે. એક સમયે વિદ્યાર્થીઓના હાસ્ય, વાતચીત અને અવરજવરથી જીવંત રહેતું મેસનું પરિસર આજે પણ જાણે દુઃખની ચાદર ઓઢીને બેઠું હોય તેમ લાગે છે. અકસ્માતમાં બળીને ખાખ થયેલી મેસના કેટલાક ભાગો આજે પણ એ જ હાલતમાં જોવા મળે છે. આગની જ્વાળાઓથી કાળા પડી ગયેલા દિવાલો, વળી ગયેલા લોખંડના પંખા, પીગળી ગયેલા એર કન્ડિશનરના અવશેષો અને વિસ્ફોટથી નુકસાન પામેલી સામગ્રી આજે પણ એ ભયાનક ક્ષણોની સાક્ષી આપે છે. મેસની બહાર ઊભેલું એક વૃક્ષ અડધું બળેલું હોવા છતાં હજુ ઊભું છે. જાણે તે નિઃશબ્દ રીતે એ દુર્ઘટનાની આખી કહાની કહી રહ્યું હોય. કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે આ જગ્યા માત્ર એક બિલ્ડિંગ નથી, પરંતુ દુઃખદ સ્મૃતિઓનું પ્રતિક બની ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓ આજે પણ એ દિવસને યાદ કરીને ભાવુક થઈ જાય છે. જેમણે પોતાના મિત્રો, સહાધ્યાયીઓ અથવા ઓળખીતાઓ ગુમાવ્યા હતા, તેમના માટે આ દુઃખ ક્યારેય સંપૂર્ણપણે ભૂંસાઈ શકશે નહીં.

આ દુર્ઘટનામાં માત્ર મુસાફરો અને વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ત્યાં કામ કરતા કર્મચારીઓ, રસોડામાં ફરજ બજાવતા લોકો અને આસપાસ રોજીરોટી કમાવતા સામાન્ય નાગરિકો પણ કાળનો કોળિયો બન્યા હતા. એક ચાની લારી ચલાવતો યુવાન પણ આ અકસ્માતનો ભોગ બન્યો હતો. તેની સાથે અનેક પરિવારોના આશાના દીવા એક જ ક્ષણમાં બુઝાઈ ગયા. એક વર્ષ બાદ પણ મૃતકોના પરિવારજનો માટે આ ઘટના માત્ર એક યાદ નથી, પરંતુ રોજ અનુભવાતી પીડા છે. ઘણા પરિવારો હજુ પણ પોતાના સ્વજનોના ફોટા સામે દીવો પ્રગટાવીને તેમને યાદ કરે છે. કોઈ માતા પોતાના પુત્રને યાદ કરે છે, તો કોઈ બાળક પોતાના પિતાની ખોટ અનુભવે છે. દુર્ઘટના બાદ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. નિષ્ણાતોની ટીમે ટેક્નિકલ માહિતી, ફ્લાઇટ ડેટા અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી હતી. જોકે, એક વર્ષ વીતી જવા છતાં અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું, તેમાં ટેક્નિકલ ખામી હતી કે માનવીય ભૂલ, તે અંગેનો અંતિમ અને સત્તાવાર જવાબ હજુ લોકોની રાહ જોઈ રહ્યો છે. અમદાવાદ માટે 12 જૂન એક એવો દિવસ છે, જેણે શહેરને ગમગીન કરી દીધું અને સેંકડો પરિવારોના જીવનમાં ક્યારેય ન ભરાય એવી ખાલી જગ્યા છોડી દીધી. સમય આગળ વધી ગયો છે, પરંતુ બી.જે. મેડિકલ કોલેજના પરિસરમાં આજે પણ એ ભયાનક બપોરનો સન્નાટો, ધુમાડો અને મદદ માટેની ચીસો જાણે ગુંજી રહી હોય તેમ અનુભવાય છે.

To Top