Latest News

More Posts

વાસણાની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન બાદ તબિયત લથડતાં સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા, પરિવારમાં ભારે શોક

(પ્રતિનિધિ), વડોદરા. તા.11

વડોદરા :- ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા વેડચ ગામના એક આશાસ્પદ મહિલાનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા બાદ રહસ્યમય સંજોગોમાં તબિયત બગડતાં મોત નીપજ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ઓપરેશન બાદ મહિલાની સ્થિતિ નાજુક થતાં તેમને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ બનાવને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભારે શોક વ્યાપ્યો હતો.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે રહેતા ૩૩ વર્ષીય સંગીતાબેન જાદવ નામના મહિલાએ વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન સફળ રહ્યું હોવાના પ્રાથમિક અંદાજ વચ્ચે અચાનક જ સંગીતાબેનની તબિયત અત્યંત નાજુક બની ગઈ હતી. ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ પણ સ્થિતિ કાબૂ બહાર જતાં, તેમને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવાનો નિર્ણય લેવાયો હતો.

સંગીતાબેનની સ્થિતિ વણસતાં તેમને ગત ૭મી તારીખે સાંજે ૬:૦૦ વાગ્યાની આસપાસ સયાજી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.

ઓપરેશન જેવા સામાન્ય ગણાતા પ્રોસિજર બાદ ૩૩ વર્ષના પરિણીતાના અકાળે મોતને પગલે પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન કોઈ ક્ષતિ રહી ગઈ હતી કે કેમ, અથવા કયા કારણોસર તબિયત અચાનક બગડી તે દિશામાં રહસ્ય ઘેરાયું છે. આ મામલે હોસ્પિટલ સત્તાવાળાઓ અને તબીબોની પૂછપરછ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં સયાજી હોસ્પિટલના પોલીસ ચોકી સ્ટાફ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

To Top