Charchapatra

કુંવારિકાઓનો ઉત્સવ અલૂણાવ્રત

અષાઢી મહિનો,વરસાદી વાતાવરણ હોય અને મોટી હવેલી હોય, ત્રણચાર ભાઈનો સંયુક્ત પરિવાર રહેતો હોય,દરેક ઘરમાં પાંચ દશ છોકરીઓ હોય તેવા ઘરમાં અલૂણાવ્રત એટલે દિવાળીનો તહેવાર લાગે.ચઢતી ઉતરતી ઉંમરની છોકરીઓ હોય એટલે મોટીઓ જ્યા પાર્વતીનું વ્રત કરે અને નાની અલૂણાવ્રત કરે.સવારે નવાં કપડાં પહેરવાનાં ભોળાનાથ મહાદેવના મંદિરે જઈ જવારાની પૂજા કરવાની,ઘરે આવી ઉંબરો પૂજવાનો અને યુનિફોર્મ વગર નવાં કપડાં પહેરી શાળાએ જવાનું.નાસ્તામાં સૂકો મેવો અને લીલાં ફળો હોય ,જે સહેલીઓ સાથે કરે.મોટું ઘર હોય એટલે ઘરમાં બે-ત્રણ હિંચકા બંધાય.છોકરીઓ ઘણી હોવાથી હિંચકામાં વારા બંધાય.ત્યાં ભાઈઓ પણ ભાગ પડાવે.

ઉપવાસ હોવાથી બપોરે ,ચોખાની રોટલી, કેરીનો રસ,મઠો, શ્રીખંડ,દૂધપાક,દાણાના લાડુ,દૂધભાતની ફરાળ થાય .સુરતના બાગ બગીચામાં ફક્ત મહિલાઓને પ્રવેશ હોવાથી સાંજે છોકરીઓ બાગમાં જાય, ત્યાં ઊભી ખો,બેઠી ખો,સાંકળી,પકડદાવ જેવી દેશી રમતો રમાય.છેલ્લા દિવસે જાગરણ હોવાથી સુરતની શેરીઓ છોકરીઓથી ઉભરાય. આખી રાત નાનીમોટી રમતો રમાય.આ રીતે જાગરણ કરી અલૂણાનું સમાપન થાય.બીજે દિવસે શાળામાં રજા હોવાથી શાંતિથી નિંદર મનાય.જ્યારે આજે કન્યાઓ ઓછી,વિભક્ત પરિવાર,મોબાઈલનો ક્રેઝ અને ભારવાળા ભણતરમાં અલૂણાવ્રતની ઉજવણીમાં ઊણપ વર્તાય છે.
સુરત     – કિરીટ મેઘાવાલા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top