Dakshin Gujarat

કડોદરા પોલીસે 10 ગુનામાં વોન્ટેડ માથાભારે આ લિસ્ટેડ આરોપીને દબોચી લીધો

પલસાણા: (Palsana) કડોદરા પોલીસ મથક (Police Station) સહિત જિલ્લાનાં વિવિધ પોલીસ મથકોમાં મળી કુલ ૧૦ જેટલા ગુનાનો માથાભારે લિસ્ટેડ બુટલેગર (Listed Bootlegger) છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. જેને કડોદરા પોલીસે (Kadodra Police) બાતમી આધારે તેને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રહેતો પ્રવીણ સોમા વાંસફોડિયા સુરત જિલ્લાનાં વિવિધ પોલીસ મથકોમાં ૨૩ જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. અને છેલ્લા એક વર્ષથી જિલ્લાના વિવિધ પોલીસમથકોમાં તેની સામે દારૂના તેમજ આર્મ્સ એક્ટના મળી ૧૦ જેટલા ગુનામાં નાસતો ફરતો હતો. ત્યારે ચૂંટણી નજીક આવતી હોવાથી આવાં માથાભારે તત્ત્વોને ઝડપી પાડવા કડોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી. કડોદરા પોલીસમથકના પી.આઇ. આર.એસ.પટેલને બાતમી મળી હતી કે, માથાભારે લિસ્ટેડ બુટલેઘર પ્રવીણ વાંસફોડિયા પલસાણાના વાંકાનેડા ગામે હળપતિવાસમાં છે. આથી કડોદરા પોલીસે સ્થળ પર જઇ તેને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી હતી.

વ્યારાના કાટગઢ ગામે ધોરી માર્ગ પરથી ટેમ્પોમાંથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો
વ્યારા: વ્યારા-સુરત જતાં બાયપાસ રોડ પર કાટગઢ ગામ પાસે તા.૯/૧૧/૨૦૨૨ના રોજ એલ.સી.બી.એ પેટ્રોલિંગ દરમિયાન ને.હા.નં.૫૩, પી.પી.સવાણી સ્કૂલ સામેથી છોટા હાથી ટેમ્પોમાંથી આશરે ત્રણ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટક કરી હતી.

વ્યારા કાટગઢ ગામે ધોરીમાર્ગ પરથી દારૂની હેરીફેરી અંગેની બાતમીનાં આધારે વોચ ગોઠવી એલસીબીએ જીતેન્દ્ર રવિન્દ્ર પવાર (ઉં.વ.૩૦) (રહે. હાલ ફ્લેટ નં.- ૮૦૪, બ્રાઉચ બિલ્ડીંગ, સ્પ્રીંગ સીટી, મસાદ, સેલવાસ (ભાડેથી), મૂળ રહે. મઠગવાન, તા. અમલનેર, જિ.જલગાંવ,મહારાષ્ટ્ર) તેમજ ચંદ્રકાત હિંમત પાટીલ (ઉં.વ.૪૦),(રહે. હાલ ફ્લેટ નં.- ૮૦૪ બ્રાઉચ બિલ્ડિંગ, સ્પ્રીંગ સિટી, મસાદ, સેલવાસ (ભાડેથી), મૂળ રહે. સોનબરડી, હનુમનખેડા તા.એરંડોલ, જિ.જલગાંવ, મહારાષ્ટ્ર)ને છોટા હાથી ટેમ્પો નં.-DN-09-R-9840, આશરે કિં.રૂ. ૩ લાખમાં અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો કુલ ૧૧૨૮ કુલ કિંમત રૂ.૨,૯૫,૨૦૦નો પ્રોહિ. મુદ્દામાલ ભરી હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા.

પોલીસે મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૮,૦૦૦, લોખંડના બે મોટા કબાટો, લોખંડ પાઇપોનો દોરીવાળો એક પતંગ, પતરાના નાના ચોરસ પીપ નંગ-૩, તેમજ પ્લાસ્ટિક કોથળાના તાડપત્રી નંગ-૨ મળી કુલ કિં.રૂ.૨,૩૦૦ની મત્તાનો ઘરવખરીનો સરસામાન સાથે મળી કુલ રૂ.૬,૦૫,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ દારૂની હેરીફેરી પ્રકરણમાં અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસના હવાલે કર્યા છે.

Most Popular

To Top