National

જમ્મુ-કાશ્મીર: અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્તા 15 શ્રદ્ઘાળુંના મોત, અનેક યાત્રાળું ફસાયા

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) અમરનાથ ગુફા પાસે સાંજે 5:30 વાગ્યાની આસપાસ વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાના કારણે 15 લોકોના મોત થયાની જાણકારી મળી આવી છે. જેમાંથી 5 શ્રદ્ધાળુઓના મૃતદેહ પણ મળી આવ્યા છે. જેમાં 3 મહિલા અને 2 પુરૂષો છે. NDRF અને SDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. વાદળ ફાટ્યા બાદ તંબુઓમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગ્યો હતો. ધટનાના પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સાથે આ ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા એક સપ્તાહ પહેલા 30 જૂને શરૂ થઈ હતી.

બાલતાલ જવાના રસ્તા ITBP અને NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આગામી સમયમાં શ્રાઈન બોર્ડ દ્વારા હેલ્પ લાઈન પણ જાહેર કરવામાં આવશે. ધટના સ્થળે ગયેલ સંબંધીઓ અંગેની જાણકારી પરિવારજનો આ નંબર મેળવી શકે છે. આ દુર્ઘટના અમરનાથ ગુફાથી માત્ર દોઢ કિમી દૂર ઘટી હોવાની જાણકારી મળી આવી છે. અહીં લગભગ 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ રોકાયા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી આવી છે. શ્રદ્ધાળુઓ માટે લગાવવામાં આવેલા આશરે 25 ટેંટ અને ત્રણ લંગર પાણીના વહેણ સાથે વહી ગયા હતા.

એનડીઆરએફના ડીજી અતુલ ગઢવાલના જણાવ્યા અનુસાર પુષ્ટિ કરી શકાઈ તેવી પરિસ્થિતી નથી કે કેટલા લોકોના મોત થયા છે. લોકોના બચાવ કાર્ય અંગે તેઓએ જાણકારી આપી છે કે તમામ લોકોને કેમ્પમાં લઈ જવામાં આવશે. અર્ધલશ્કરી દળના જવાનોને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે. હેલિપેડ દ્વારા ઘાયલો લોકોને કેમ્પમાં મોકલવામાં આવી રહ્યાં છે. ખરાબ હવામાનને કારણે જમ્મુ-કાશ્મીરની પોલીસ પણ ઘાયલોને સલામત રીતે યોગ્ય સ્થળે ખસેડવા માટે ત્યાં છે. BSF, CRPની મેડિકલ ટીમ પણ ઘટના સ્થળે હાજર છે.

આ ઘટના બાદ PM નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે ચર્ચા કરી હતી. તેમજ ઘટેલી ધટનામાં મૃત્યુ પામેલ લોકો માટે દુખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત પીડિત લોકોને શક્ય તમામ મદદ કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત​​​​​ ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર કહ્યું કે બાબા અમરનાથજીની ગુફા નજીક વાદળ ફાટવાથી આવેલા ફ્લેશ ફ્લડ અંગે તેઓએ LG મનોજ સિંહા જી સાથે વાત કરી પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવી છે. લોકોના જીવ બચાવવા તે અમારી પ્રાથમિકતા છે.

જણાવી દઈએ કે બે દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાન વચ્ચે અમરનાથ યાત્રાને પહેલગામ અને બાલટાલ બંને રૂટથી રોકી દેવામાં આવી હતી. મંગળવારે મુસાફરોને બેઝ કેમ્પથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી. મંગળવારે ભારે ભૂસ્ખલનને કારણે શ્રીનગર-લેહ નેશનલ હાઈવે કલાકો સુધી પ્રભાવિત રહ્યો હતો. જમ્મુ ડિવિઝનને કાશ્મીર સાથે જોડતા સિન્થન ટોપ વિસ્તારમાં વહેલી સવારે વાદળ ફાટવાને કારણે સિન્થન નાલા તણાઈ ગયા હતા. આ સાથે હવામાન કેન્દ્ર શ્રીનગરે બુધવારે ભારે વરસાદને કારણે પૂરની ચેતવણી જારી કરી હતી.

Most Popular

To Top