Columns

ભૃગુકચ્છના જૈન વેપારીઓ

જૈનો ભારતની એક મહાન વ્યાપારી કોમ છે. જૈનોએ વ્યાપાર અને બેંકીંગનો વ્યવસાય અપનાવ્યો હતો. ભરૂચ બંદરની  ખીલવણીમાં હિંદુ વેપારીઓ ખરા પણ પ્રભુત્વ જૈનોનું પ્રવર્તતું હતું. તેઓ માત્ર ભરૂચમાં જ નહીં પણ સોપારા, વેરાવળ, દ્વારકા અને પોરબંદર ઉપરાંત જાવા, સુમાત્રા, સુન્દા, મસ્કત અને એડન જેવાં બંદરોમાં રહીને વેપાર ધંધો કરતા હતા. તેમણે વ્યાપારી મહાજનો સ્થાપીને સંઘ બળ ઊભું કર્યું હતું.

આ રીતે જૈનોએ ભૃગુકચ્છને દેશવિદેશ સાથે જોડીને તેનું બિઝનેસ અને કલ્ચરલ નેટવર્ક વિસ્તાર્યું હતું. આજે ગુજરાતમાં વૈષ્ણવ વણિક, ભાટિયા, લોહાણા, પાટીદાર, પારસી, ખોજા, વહોરા અને મેમણ જેવી વ્યાપારી જ્ઞાતિઓ અને કોમો (business castes and communities) વસે છે, અને તેમાં જૈનો અને વૈષ્ણવ વણિક પ્રભુત્વ ધરાવે છે. જૈનો ભારત વર્ષની સહુથી પ્રાચીન અને તેજસ્વી વ્યાપારી કોમ છે. જૈન વેપારીઓ અને જૈન સાધુસંતો ભરૂચ અને સોપારા જેવા બંદરોમાં પ્રવૃત્ત હોવાના અનેક સમકાલીન દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે. જૈનોની વ્યાપારી સફળતા કયાં કારણોસર હતી? તેનું વિવરણ નીચે મુજબ છે.

જૈનો: ભારત વર્ષની એક વ્યાપારી કોમ:

જૈનો એક તેજસ્વી વ્યાપારી કોમ છે. તેના ઐતિહાસિક, ધાર્મિક અને સમાજશાસ્ત્રીય કારણો છે. અસલથી જૈન કોમને એનાં ધર્મ, અધ્યાત્મ અને નૈતિક મૂલ્યોનું મોટું પીઠબળ પ્રાપ્ત થયું છે. જૈન ધર્મના પાયામાં અહિંસા, સત્ય, અસ્તેય, સદ્‌વર્તન અને અપરિગ્રહ છે. ફિલોસોફીની દૃષ્ટિએ તે અનેકાન્તવાદમાં માને છે. તે મુજબ સત્ય અને વાસ્તવિકતા (reality) જટિલ છે અને તેનાં અનેક પાસાંઓ છે.

વાસ્તવિક જગતને અનુભવો દ્વારા સમજી શકાય છે પણ તેને સમજવા માટે માત્ર ભાષા જ પૂરતી નથી. રીયાલીટી મલ્ટી-ડીમેન્શનલ છે. સત્ય અને વાસ્તવિકતાની સમજ માટે કોઇ એક જ દૃષ્ટિકોણ નથી. વિવિધ માર્ગો છે. સત્ય સ્વાયત્ત (absolute) નથી. એ ‘non-absolute’ છે. તેને પામવા માટે સદાચારની જરૂર છે. છેક મહાવીરના સમયથી જૈન સાધુઓએ આત્માનાં કલ્યાણ અને મોક્ષ માટે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ ઉપર ભાર મૂકયો છે. જૈન એથીકસ આ મૂલ્યો પર રચાયું છે. મહાવીર સ્વામીએ ત્યાગી સાધુઓ અને સાવકો (ગૃહસ્થીઓ)નાં કાર્યો અને ફરજો સમજાવીને તેમની વચ્ચે નૈતિક અને ધાર્મિક ગઠબંધન રચ્યું હતું.

ગૌતમ બુધ્ધની (ઇ.પૂ. 563-483) જેમ તેમના સમકાલીન ચોવીસમા જૈન તીર્થંકર મહાવીર સ્વામીએ (ઇ.પૂ. 540-468) પ્રેમ અને અહિંસાનો ધર્મ ફેલાવ્યો હતો. મહાવીર સ્વામીએ બ્રાહ્મણોના ક્રિયાકાંડ, હોમહવન અને પશુબલિનો વિરોધ કર્યો અને હિંદુ વર્ણવ્યવસ્થા સામે ઝુંબેશ કરી. તેને પરિણામે હિંદુ વર્ણવ્યવસ્થાના ઢાંચામાં સબડતા આવેલા લાખો શોષિત લોકોએ નવાચારી જૈન ધર્મ અપનાવ્યો. જૈન ધર્મનો પાયો અહિંસા છે. પશુપક્ષી અને નાનાં જીવડાંની પણ હિંસા ન થાય. ખેતી માટે હળ દ્વારા થતા જમીનનાં ખોદકામથી જંતુઓ મરી જાય છે. અહિંસાના આ એથિકસને પરિણામે લાખો લોકોએ ખેતી છોડી અહીં આજીવિકા માટે વ્યાપાર – વાણિજય, શરાફી અને બેંકિંગ જેવા વ્યવસાયો અપનાવ્યા.

તેને પરિણામે મૌર્ય કાળમાં મગધ ઉપરાંત સોમનાથ, પ્રભાસ, પોરબંદર, વેરાવળ અને ગિરનાર જેવા સૌરાષ્ટ્રના પ્રદેશો ઉપરાંત ભરૂચ અને સોપારા સુધી જૈન ધર્મ ફેલાયો. મૌર્ય સમ્રાટ અશોક બૌધ્ધ હતો પણ તેના પૌત્ર સંપ્રતિએ (ઇ.પૂ. 229-220) જૈન ધર્મ અપનાવ્યો અને ફેલાવ્યો હતો. તે સમયના ઇન્દ્રભૂતિ ગૌતમ, ભદ્રબાહુ, કુન્ડકુન્ડ અને સુધર્મ સ્વામી જેવા જૈન મુનિઓએ ઉપદેશો આપીને જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા વધારી હતી. ઇ.પૂ. બીજી સદીમાં થઇ ગયેલો કલીંગનો સમ્રાટ ખારવેલ જૈન હતો.

Paul Dundas નામના ઇંગ્લેંડની એડીનબરા યુનિવર્સિટીના સંસ્કૃત અને ફિલોસોફીના પ્રોફેસર તથા જૈન અને બૌધ્ધ ધર્મના નિષ્ણાતે એમના ગ્રંથ ‘The Jains’માં લખ્યું છે  કે પ્રથમ અખિલ ભારતીય જૈન પરિષદ મૌર્ય સામ્રાજયના પાટનગર પાટલીપુત્રમાં ઇ.પૂ. 265 માં યોજાઇ હતી અને ત્યાર બાદ બીજી અને ત્રીજી અખિલ ભારતીય પરિષદો ગુજરાતનાં વિખ્યાત બંદરો ભરૂચ અને વલભીપુરમાં અનુક્રમે ઇ.સ. 454 અને ઇ.સ. 300 માં ભરાઇ હતી. તે સમયે ભરૂચ, સોપારા અને વલભીપુર ધીકતા આંતરરાષ્ટ્રીય બંદરો હતાં.

જૈન ધર્મનું એક મોટું લક્ષણ એ હતું કે જૈન મુનિઓ તપસ્વી અને મહાવિદ્વાન હતા અને ભાવકો ઉપર તેમનો સારો પ્રભાવ હતો. જૈન સાધુઓ જૂના સાહિત્યની ભંડારોમાં જાળવણી કરતા અને નવા ધાર્મિક ગ્રંથો રચતા હતા. શ્રાવક વેપારીઓ અને શ્રેષ્ઠીઓ સાધુઓને ચાતુર્માસ દરમિયાન ઉપદેશો આપવા નિમંત્રણો પાઠવતા હતા. સાધુઓ તે સ્વીકારતા હતા. જૈન મુનિઓ અને તેમના વેપારી અનુયાયીઓ વચ્ચે આવું સુમેળભર્યું આદાનપ્રદાન થતા વ્યાપારને મોટું પીઠબળ મળ્યું હતું અને આ પ્રક્રિયા દ્વારા ગુજરાતનો નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક તથા આર્થિક વિકાસ થયો હતો. પ્રાચીન ભૃગુકચ્છમાં જૈન મુનિઓ અને તેમના અનુયાયીઓ વસતા હતા.

શ્રીલંકામાં ચોથી સદીમાં રચાયેલ ગ્રંથો ‘દીપવંશ’ અને ‘મહાવંશ’ મુજબ લાટનો રાજા વિજય શ્રીલંકા ગયો હતો અને ત્યાં જૈન વસાહતો સ્થાપીને તે ભૃગુકચ્છ પાછો ફર્યો હતો. તેને પરિણામે લંકાની રાજકુમારી સુદર્શના ભૃગુકચ્છ આવી હતી અને તેણે આ નગરમાં ‘શકુનાવિહાર’ નામનું જૈન દેરાસર બંધાવ્યું હતું. એ.એલ. બાગમ, જી.ડી. એન્ડિસ અને સુનીતિકુમાર ચેટરજી જેવા વિદ્વાનોએ સિંહાલી, જાપાનીસ અને પાલી સ્ત્રોતોને આધારે બતાવ્યું છે કે જૈન વેપારીઓ શ્રીલંકા, જાવા, સુમાત્રા અને બોરોબુદુરમાં વસાહતો સ્થાપીને રહ્યા હતા. આ વાતને પ્રાચીન સંસ્કૃત શ્લોક દ્વારા સમર્થન પ્રાપ્ત થાય છે:

‘મરુકચ્છ પયાતાનં વણિબાનું ધનેસિનમ્‌ I
નાવાય વિષ્ણત્થાય તદા ચ મરુકચ્છ I
વાણિજા નાવાય સુવર્ણભૂમિ ગચ્છતિ II’

વિખ્યાત ઇતિહાસકાર રાધાકુમુદ મુકરજીએ ૧૯૧૨ માં લંડનથી પ્રસિધ્ધ કરેલ ગ્રંથ ‘A history of Indian Shipping’માં લખ્યું છે: ‘The Jataka literature indicates that the Jains of Gujarat under took trading voyages to shores of the Persian Gulf even in the third century B.C.’ ક્ષત્રપ શાસક નહપાનના સમય દરમિયાન (ઇ.સ. 32-78) વજ્રભૂતિ નામના જૈન આચાર્ય ભૃગુક્ચ્છમાં રહ્યા હતા. તેમણે ત્યાં ‘અશ્વબોધ’ નામનું દેરાસર બંધાવ્યું હતું અને જૈન વેપારીઓને  ઉપદેશો આપ્યા હતા. આ નહપાન તે જ પહેલી સદીમાં રચાયેલા ગ્રંથ ‘પેરિપ્લસ’નો નામ્બુનુસ. પેરિપ્લસે નામ્બુનુસનું આબેહૂબ વર્ણન કરતાં લખ્યું છે કે ‘બરાકા (દ્વારકા) થી આગળ આવેલા બારીગાઝામાં અને આરીમાડામાં  નામ્બુનુસનું શાસન પ્રવર્તે છે.’ ઇસ્વીસનની ચોથી સદીમાં થઇ ગયેલા જૈન તર્કશાસ્ત્રી અને દાર્શનિક સિધ્ધસેન દીવાકર ભૃગુકચ્છ બંદરમાં રહીને એમના અનુયાયીઓને ઉપદેશ આપતા હતા.

તેવી જ રીતે ઇસ્વીસનની પાંચમી સદીમાં જૈનમુનિ સંઘદાસમણીએ રચેલા ગ્રંથ ‘વસુદેવ હીંડી’ મુજબ ભરૂચ અને સોપારામાં અનેક જૈન સાધુસંતો અને ભાવકો વસતા હતા. ચારૂદત્ત નામનો જૈન વેપારી શ્રીલંકા, જાવા, સુમાત્રા, એડન, મસ્કત અને હોર્મુઝ બંદરોમાં ગયો હતો અને વેપારમાં અઢળક દ્રવ્ય કમાઇને ભૃગુકચ્છ પાછો ફર્યો હતો. દસ્તeવેજી પુરાવાઓને આધારે આપવામાં આવેલી આ માહિતી ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જૈનો પ્રાચીન સમયથી એક તેજસ્વી બિઝનેસ કોમ્યુનfટી તરીકે વિકસ્યા છે. પ્રાચીન સમયના ભૃગુકચ્છની જાહોજલાલી જૈન વેપારીઓ અને જૈન મુનિઓ વચ્ચે પ્રવર્તમાન ભાવાત્મક એકતાને આભારી હતી.

Most Popular

To Top