World

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા એક્શન મોડમાં, સીરિયા પર કર્યો મોટો હુમલો

નવી દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે અમેરિકા (America) પણ એક્શન મોડમાં આવી ગયું છે. ઇઝરાયલને યુદ્ધમાં સતત મદદ કરી રહેલા અમેરિકાએ સીરિયામાં (Syria) જ્યાં ઈરાન (Iran) તરફી જૂથોએ આશ્રય લીધો છે તેના લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા છે. યુદ્ધની વચ્ચે અમેરિકાનું આ પગલું ઘણું મહત્વનું માનવામાં આવે છે. કારણ કે, ઈરાન પર સતત આરોપ લગાવવામાં આવે છે કે તે હમાસને ભંડોળ પૂરું પાડે છે જે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ કરી રહ્યું છે અને તેને અન્ય રીતે મદદ પણ કરી રહ્યું છે.

અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું કે સીરિયાના અલ્બુ કમાલ અને માયાદીન શહેરમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, ઈરાન તરફી મિલિશિયા સીરિયાના દેર અલ જોર પ્રાંતના અલ્બુ કમાલના પશ્ચિમ વિસ્તારમાં આતંકવાદી કેમ્પ ચલાવી રહ્યું હતું. અહીં જ હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય બીજો હુમલો માયાદીન શહેર નજીક એક પુલ પાસે કરવામાં આવ્યો હતો. ઓસ્ટીને એમ પણ કહ્યું કે આ હુમલાનો સીધો આદેશ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું, ‘જો બિડેન માટે અમેરિકન સૈન્ય દળોની સુરક્ષા કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ નથી.

સીરિયા અને ઈરાકમાં ઈરાન સમર્થક મિલિશિયા પર અમેરિકાનો આ ત્રીજો મોટો હુમલો છે. તમને જણાવી દઈએ કે અમેરિકા આ ​​વિસ્તારોમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોન અને રોકેટ હુમલાને ઘટાડવાના પ્રયાસોમાં લાગેલું છે. કારણ કે અહીં આતંકવાદી સંગઠનો નાના નાના હુમલા કરીને અમેરિકી સેનાને મોટું નુકસાન પહોંચાડતા રહે છે. આ ઈરાન સમર્થિત મિલિશિયા જૂથો માને છે કે હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના ઝડપી હવાઈ હુમલા માટે અમેરિકા જવાબદાર છે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં ઈરાન સમર્થિત મિલિશિયાએ ઈરાક અને સીરિયામાં અમેરિકન સૈનિકો પર લગભગ 40 હુમલા કર્યા છે. આ હુમલામાં લગભગ 45 અમેરિકન સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાસ્તવમાં સીરિયામાં લગભગ 900 અમેરિકન સૈનિકો તૈનાત છે અને ઇરાકમાં 2500થી વધુ સૈનિકો તૈનાત છે. અહીં એક મોટો હિસ્સો કબજે કર્યા બાદ ઈસ્લામિક સ્ટેટનો પરાજય થયો ત્યારે તેમને તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે તેઓ ઇસ્લામિક સ્ટેટને આ વિસ્તારમાં ફરી વધતા અટકાવવા માંગે છે.

Most Popular

To Top