ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ મતદાર યાદીમાં થયેલા મોટા ફેરફારો વચ્ચે હવે છૂટી ગયેલા લાયક મતદારો અને નવા મતદારોના નામ ઉમેરવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. SIR બાદ ગુજરાતની મતદાર યાદીમાં આશરે 68 લાખ મતદારોનો ઘટાડો નોંધાયો હતો. હવે મતદાર યાદીને ફરી ચકાસવાની અને બાકી રહી ગયેલા પાત્ર નાગરિકોને નોંધણીની તક આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ રાજ્યના તમામ મતદાન મથકો પર ચાર રવિવારે ખાસ કેમ્પ યોજાશે. 11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર (BLO) અને નિયુક્ત અધિકારીઓ મતદાન મથકો પર હાજર રહેશે. આ દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા સહિતની અરજીઓ અને દાવા-વાંધા સ્વીકારવામાં આવશે.
ખાસ કરીને SIRની પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં નામ સામેલ ન થઈ શકેલા પાત્ર નાગરિકો ઉપરાંત પહેલીવાર મતદાર બનવા જઈ રહેલા 18થી 19 વર્ષના યુવાનોને આ અભિયાનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. હાલ Non-SIR સમયગાળો હોવાથી પાત્ર નાગરિકો મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે Form-6 દ્વારા અરજી કરી શકશે. SIR દરમિયાન ગુજરાતમાં બેવડાં નામ, મૃત્યુ પામેલા મતદારો, સ્થળાંતરિત અથવા લાંબા સમયથી ગેરહાજર મતદારોના નામની ચકાસણી કરવામાં આવી હતી. અંતિમ યાદી બાદ હવે બાકી રહી ગયેલા લાયક મતદારોને ફરી નોંધણીની તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે મતદારોએ પોતાના મતદાન મથક પર જઈને નામની સ્થિતિ તપાસવી અને જરૂરી હોય તો Form-6 મારફતે અરજી કરવી પડશે. આ ખાસ ઝુંબેશનો મુખ્ય હેતુ મતદાર યાદીને વધુ સચોટ અને સર્વસમાવેશી બનાવવાનો તથા કોઈ લાયક નાગરિકનું નામ નોંધણીથી બાકી ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે.