બંગાળી‘ઝાલમુરી’ની ઝાકમઝોળ એટલી વધી ગઈ કે, મગજમાં પણ હવે તો ઝાલમુરી ‘બ્રાંડ’ વંટોળ ફૂંકાય છે બોસ..! પૂછવું તો ના જોઈએ, પણ આવી ‘ઈફેક્ટ’ ઘણાને થતી હશે, ત્યાં સુધી કે, ઘડિયાળમાં ટકોરા પડે તો, તે પણ ‘ઝાલમુરી’ બોલતા હોય એવું લાગે..! (વધારે પડતું લખી નાંખ્યું ને..?) બંગાળમાં ચૂંટણી શું આવી ને ઝાલમુરીનાં તેવર શું બદલાયા..? પૃથ્વીના પટ ઉપર કોઈ ‘ઝાલમુરીદેવી’ પ્રગટ થઈ હોય એમ હાહાકાર કરી નાંખ્યો..! એવી પણ અફવા ફેલાઈ કે, બંગાળની સલ્તનત બદલાઈ એમાં ઝાલમુરીનો હાથ છે, ખરું કે ખોટું એ તો જાણે મારો ભગો દાજી..!
ખાખણી તો એવી આવે કે, ઝાંપાબજારમાં મળતી હોય તો ઝાપટી આવીએ. પણ બંગાળ સિવાય મળે નહિ. ઘડીક તો એમ પણ થાય કે, એકાદ છોકરું સ્ટોકમાં હોત તો કેવું સારું..? ઝાલમુરી ઝાપટવા એકાદ વેવાઈ બંગાળમાં તો હોત..? એની જાતને ‘ઝાલમુરી’ માંડ શાંત પડી ત્યાં હવે, ‘મેલોડી’ ગાજી..! શેર-માર્કેટ, ઊંચું જાય કે નીચું, નિફ્ટી ચીપ્ટીમાં આવે કે ફિફ્ટીમાં, પણ એક વાત છે, મેલોડી ને ઝાલમુરીના અચ્છે દિન આવી ગયા. તમે ગમે એટલા અધિક માસના ઉપવાસ કે, પૂજા-પાઠ કરો, પણ એના જેટલા રાતોરાત વિખ્યાત નહિ થાવ, ‘Talk of the world’ બની ગયા.
કોઈને અણધારેલી લોટરી લાગતાં, રાતોરાત કરોડપતિ થઇ જાય, એમ આ બંને ‘રાતોરાત વિશ્વવિખ્યાત થઇ ગયાં. આપણને કોઈ બળતરા નથી, પણ આ તો એક વાત, કે બંગાળમાં ચૂંટણી શું આવી, ને ઝાલમુરીનો ઉધ્ધાર શું થયો..? ચમનિયાને તો એ વાતે દહેશત છે કે, વિદેશી જમાદારોનાં ધાડાં ઝાલમુરી ઝાપટવા ભારત પણ આવે..! ભરોસો નહિ..! રહ્યો ‘અતિથિ દેવો ભવ’ નો દેશ..! એટલે ઝાલમુરી દર્શન પણ કરાવવાં પડે. એનો પણ વાંધો નહિ, પણ, ચાઈનાનો ડર બહુ લાગે. એટલા માટે કે, નકલ કરવામાં એ પાવરધું. ચીન જઈને ઝાલમુરીની નકલ કરીને ‘ચાંગ-પુરી’ પણ બનાવી દે..! માસ્ટરી છે ને યાર..?
આવી અતિશય વિખ્યાતિ જોઇને ચમનિયો કહે, ‘સાહેબનાં આંટા તો આપણી બાજુ પણ હોય છે. વલસાડનાં ખમણ, હાઈ-વે નું ઊંધિયું ને કેસર કેરી ને અમલસાડના ચીકુ તથા સુરતની ઘારી, સુરતનો લોચો, સુરતનો પોંક, સુરતની સુતરફેણી ને ડુમસનાં ભજીયાંનો પણ આસ્વાદ લેવા જાહેરમાં ‘હસ્ત-સ્પર્શ’ કરતા હોય તો..? અમારા પણ મોભા તો પડે..? મઝાની વાત તો એ કે, બધે ઝાલમુરી-ઝાલમુરી થયું તો ખરું, પણ શરૂ શરૂમાં તો ઝારેલું જ નહિ કે, આ ઝાલમુરી બલા શું છે? આપણે રહ્યા દાળ-ભાત, થેપલા-અથાણા-પાપડના ચરસી..!
ભેળપુરી-સેવપુરી-બટાકાપુરી-દહીંપુરી-પાણીપુરી, ઓમપુરી કે અમરીશપુરી પૂરતું જ નોલેજ..! બંગાળની લાડી ને ગુજરાતનો વર તો હોય નહિ, એટલે ઝાલમુરીની કુંડળી સમજાય પણ નહિ ને ઝાલમુરી ખાવા બંગાળ જઈએ તો ‘ભાઠાની ભેંસને ચરવા કરતાં તરવાનું વધારે આવે..!’ તોયે ચમનિયાથી નહિ રહેવાયું. ખાવાની વાત આવે તો, ખાધેલા ઉપર પણ ખાય તેવો. (એને ખાધ ઉપવાસ કહેવાય..!) જ્યારથી ચમનિયાના કાને ઝાલમુરીની ગુંજ પડી, ત્યારથી એ જંપીને બેઠો નથી. ઝાલમુરી શોધવા માટે, કોલંબસ જેટલો પરસેવો પાડ્યો હશે. ઝાલમુરીનો એવો આશિક બની ગયો કે, ફરસાણવાળાને ત્યાં લેવા ગયો તો, ફરસાણવાળો કહે, ‘ભ’ઈઈઈ, ‘ઝારા-ઝારી અમે રાખતા નથી, વાસણ વેચવાવાળાને ત્યાં તપાસ કરો..! ગુગલમાં ચાંચ નાંખી ત્યારે ખબર પડી કે, ‘ઝાલમુરી કોઈ દેવી નથી, ભેળપુરીની જ જાત.! પાણીપુરી, ઝાલમુરીની કુળદેવી થાય..! તંઈઈઈઈ..?
બાકી ચટાકેદાર નાસ્તો એટલે ઝાલમુરી..! એનાં દર્શન થાય એટલે ગમે એવો પ્રતિભાશાળી માણસ પણ ઝાલમુરી ખાવા ખેંચાય. એ માત્ર નાસ્તો નથી, એક અનુભવ છે. ભેળપુરી-સેવપુરી-બટાકાપુરી-દહીંપુરી-પાણીપુરી પણ એનું જ ફરજંદ..! તમે મેળામાં ખોવાઈ ગયેલા બાળકની વાર્તા તો સાંભળેલી ને..? એમ ગુજરાતથી છૂટીને બંગાળમાં ભૂલી પડી ગયેલી એટલે ઝાલમુરી..! આ તો બંગાળની ચૂંટણી આવી, ત્યારે આપણા હાથમાં ઝાલમુરી આવી.
જેમ પ્રાંતે પ્રાંતે ભગવાન શ્રીકૃષ્ણનાં નામ અલગ, એમ બંગાળમાં એ ‘ઝાલપુરી’થી વિખ્યાત બનેલી. ઝાલ એટલે તીખું-તમતમતું-મસાલેદાર..! એવું મસાલેદાર કે, ખાવાની ફાવટ ના હોય તો નાકમાંથી ધુમાડા ને આંખ નાકમાંથી ઝરા પણ કાઢે..! મુરી, એટલે મમરા. કાનો-માત્રા-અનુસ્વાર-રસ્વઈ-દીર્ઘઈ વગરના શબ્દ ‘સરસવ’ તેલ સાથે આ બધું ભળે એટલે, ચટાકેદાર ઝાલમુરી થાય. એમાં ગુજરાતી એટલે ‘મમરા’ મૂકવામાં તો ભારે પાવરધા..! કોને, કોની સાથે ભેળવવાનું, એ પણ બહુ ફાવે..! (રાજનીતિની વાત નથી હંઅઅકે..?) સ્વાદિષ્ટ લાગે, એને લપેટમાં લઇ લે એનું નામ ગુજરાતી..! બાકી, મને તો આ ‘દહીંવડાં’ ની આઈટમમાં પણ શંકા છે કે, પુરીને તગેડીને દહીં સાથે ‘વડા’ને તો નહિ ભેળવ્યાં હોય..?
પઅઅણ..! એક વાતની નવાઈ લાગી કે, આપણી ભૂલી પડેલી ઝાલમુરી આટલાં વર્ષોથી બંગાળમાં હોવા છતાં, એ ઝાલમુરી જ રહી, ઝાલમુરીનું ‘ઝોલમુરી’ થયું નથી. કારણ કે, બંગાળી બાબુઓ મહદ્ અંશે કાનો માત્રા લગાવીને જ શબ્દોચ્ચાર કરતા હોય..! (જો કે, પત્નીને ‘પોત્નીઓ’ બોલતા સાંભળ્યા નથી..! આ તો એક ગમ્મત..! ) પણ રામાયણકાળમાં ભગવાનશ્રી રામના ચરણસ્પર્શથી શલ્યાની અહલ્યા થયેલી તેવું જ ઝાલમુરીના કિસ્સામાં થયું..! જે હોય તે, આપણે એમાં ઊંડા ઊતરવું નથી. પણ જે દિવસે ઝાલમુરી પ્રકાશમાં આવી, તે જ દિવસે અમારો ચમનિયો પણ મિત્રોમાં ભારે ‘ટ્રોલ’ થયેલો. થયેલું એવું કે, એ જ દિવસે એના ઘરે ૧૪ વરસે પારણું બંધાયું, દીકરીનો જનમ થયો. અમને શું મસ્તી સૂઝી તે અમે વળી ચમનિયા પાસે પાર્ટી માંગવાના થયા. તો ચમનિયો કહે, ‘કયા હરખથી પાર્ટી આપું બોસ..? ભગવાને મારા ઘરે ૧૪ વરસે ‘બેબી’ તો આપ્યું, પણ જરાક અમસ્તું જ આપ્યું..! તારા કપાળમાં કાંદા ફોડું, તો શું ૧૪ વર્ષના હિસાબ સાથે આપે..? છતાં આનંદ એ વાતનો થયો કે, દીકરીનું નામ પણ એણે ‘ઝાલમુરી’ જ રાખ્યું..!
લાસ્ટ બોલ
ચમનિયો બંગાળ ગયો ત્યારે, પહેલું કામ ‘ઝાલમુરી’ ઝાપટવાનું કર્યું.
ઝાલમુરીવાળાને કહે, ‘૧૦ રૂપિયાની એક ઝાલપુરી આપો..!’
પેલો કહે, ‘દશ રૂપિયામાં ઝાલમુરી ખાવાના જમાના તો ગયા સાહેબ..! હવે તો એક ઝાલમુરીનાં ૧૦૦ રૂ થઇ ગયા. બોલો આપું..?
૧૦૦ રૂપિયા આપીને ચમનિયાએ ઝાલમુરી ખાધા પછી, દુકાનવાળાને કહે, ‘ ભાઈ..મમરા તો સાવ પોચા હતા. ચટણીમાં પણ કોઈ ભલેવાર ન હતો અને લીંબુ તેલ તો સાવ ઓછું હતું..!
દુકાનવાળો કહે. ‘આખી ઝાલમુરી ખાઈ ગયા, ત્યાં સુધી કંઈ નહિ બોલ્યા ને હવે ફરિયાદ કરવા બેઠા..? પહેલાં કહેવું જોઈએ ને..?
ચમનિયો કહે, ‘મારે ખાતરી કરવી હતી કે, છેલ્લે સુધી આવું જ છે કે, આગળ જતાં કંઈ સુધારો આવશે એ જોવામાં ખવાઈ ગઈ..! તારે બીજી ઝાલમુરી તો વગર પૈસે આપવી જ પડશે..!
કૌન કહેતા હે ગુજરાતીમેં પાની નહિ હૈ…!
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.