Charchapatra

અંધશ્રદ્ધા નહીં, વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવવાનો સમય

ભારતના એક જવાબદાર નાગરિક તરીકે હું માનું છું કે કોઈપણ ધર્મ, સંપ્રદાય અથવા વ્યક્તિ કરતાં દેશના બંધારણમાં દર્શાવેલા વૈજ્ઞાનિક મિજાજ, તર્કશક્તિ અને કાયદાના શાસનને પ્રથમ સ્થાન મળવું જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને કથાઓ દરમિયાન ચમત્કારિક દાવાઓ, દિવ્ય શક્તિઓના પ્રદર્શન અને લોકોની સમસ્યાઓના અલૌકિક ઉકેલોના દાવાઓ ચર્ચાનો વિષય બન્યા છે.

ધાર્મિક આસ્થા દરેક વ્યક્તિનો બંધારણીય અધિકાર છે, પરંતુ આસ્થાના નામે અંધશ્રદ્ધા, ભ્રમ કે વૈજ્ઞાનિક તથ્યોને અવગણવાની પ્રેરણા આપવી સમાજ માટે ચિંતાનો વિષય છે. કોઈપણ વ્યક્તિ દ્વારા જો આરોગ્ય સંબંધિત ઉપચાર, રોગમુક્તિ અથવા ચમત્કારિક સારવારના દાવા કરવામાં આવે, તો તે બાબતે સંબંધિત કાયદાઓ અને તબીબી નિયમોનું પાલન થવું જરૂરી છે. લોકોના આરોગ્ય સાથે જોડાયેલી બાબતોમાં માત્ર પ્રમાણિત તબીબી વ્યવસ્થા પર જ વિશ્વાસ રાખવો જોઈએ.

તાજેતરમાં કેટલાક ધાર્મિક કાર્યક્રમોને લઈને સમાજમાં ચર્ચા અને વિવાદો ઉભા થયા છે. આવા પ્રસંગોએ નાગરિકો, સામાજિક આગેવાનો અને જાહેર પ્રતિનિધિઓએ લાગણીના આધારે નહીં પરંતુ તથ્યો અને કાયદાના આધારે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ. કોઈપણ વ્યક્તિ, સંસ્થા અથવા ધાર્મિક નેતા કાયદાથી ઉપર નથી. આપણે  સૌએ યાદ રાખવું જોઈએ કે ઈંધણ બચાવવું, પર્યાવરણનું રક્ષણ કરવું, વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવવી અને સમાજમાં તર્કસંગત ચર્ચાને પ્રોત્સાહન આપવું દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. અંધ અનુસરણ કરતાં પ્રશ્ન પૂછવાની અને પુરાવાની માંગ કરવાની સંસ્કૃતિ જ લોકશાહી અને પ્રગતિશીલ સમાજની ઓળખ છે.

હું રાજ્ય સરકાર, પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટીતંત્રને વિનંતી કરું છું કે કોઈપણ જાહેર કાર્યક્રમ માટે મંજૂરી આપતા પહેલા કાયદાકીય શરતોનું કડક પાલન સુનિશ્ચિત કરે. જો કોઈ કાર્યક્રમ દરમિયાન ભ્રામક દાવાઓ, જાહેર શાંતિને અસર કરતી પ્રવૃત્તિઓ અથવા કાયદાનો ભંગ થતો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. સમાજના તમામ જાગૃત નાગરિકો, શિક્ષકો, યુવાનો અને વિજ્ઞાનપ્રેમીઓને અપીલ છે કે તેઓ વૈજ્ઞાનિક મિજાજ, માનવતા અને બંધારણીય મૂલ્યોના સમર્થનમાં અવાજ ઉઠાવે અને અંધશ્રદ્ધા સામે જાગૃતિ ફેલાવવામાં પોતાનો યોગદાન આપે.
 એક જવાબદાર ભારતીય નાગરિકસુરત     -આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top