Sports

IPL: ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર!

નવી દિલ્હીઃ (New Delhi) ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝનમાં જોવા નહીં મળે. પીટીઆઈના અહેવાલ મુજબ વર્લ્ડ કપ અને છેલ્લી આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર શમી આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈના એક સૂત્રએ ગુરુવારે જણાવ્યું હતું કે ડાબા પગની ઘૂંટીની ઈજાને કારણે તે આવતા મહિને થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી બહાર થઈ ગયો છે જેના માટે તે યુકેમાં સર્જરી કરાવશે.

IPLમાંથી મોહમ્મદ શમી બહાર થઈ ગયો છે. જો કે ટીમ દ્વારા હાલ ઓફિશ્યલી આ અંગેની જાહેરાત કરવામાં આવી નથી. 33 વર્ષીય આ ખેલાડી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીનો પણ ભાગ નથી. તે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત માટે રમ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર શમી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં પગની ઘૂંટીનું ખાસ ઈન્જેક્શન લેવા લંડનમાં હતો અને તેને કહેવામાં આવ્યું હતું કે ત્રણ અઠવાડિયા પછી તે લાઇટ રનિંગ શરૂ કરી શકે છે. ત્યારબાદ તે ક્રિકેટ રમી શકે છે.

સૂત્રોએ એવું પણ જણાવ્યું કે ઈન્જેક્શન કામ નથી કરી રહ્યું અને હવે એકમાત્ર વિકલ્પ બચ્યો છે સર્જરી. તે ટૂંક સમયમાં સર્જરી માટે યુકે જવા રવાના થશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આઈપીએલમાં તેના રમવાનો હવે પ્રશ્ન જ નથી.

Most Popular

To Top