Editorial

ભારતનું બ્રહ્મોસ મિસાઈલ દુશ્મન દેશ માટે ઘાતક સાબિત થશે

એક સમય હતો કે જ્યારે એક રાજા બીજા રાજા પર હુમલો કરીને તેનું રાજ્ય પચાવી પાડે. સમય જતાં મોટાભાગના દેશોમાંથી રાજાશાહી નાબુદ થઈ ગઈ અને લોકશાહી કે પ્રમુખશાહી આવી. જો કે, તેમ છતાં પણ વિશ્વમાં દેશો વચ્ચે યુદ્ધ થતાંજ રહ્યા છે. બે વખત તો વિશ્વયુદ્ધ પણ થઈ ચૂક્યા છે. હાલમાં જ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન ભારતની સરહદો પર છમકલાં કરતાં જ રહે છે. આ કારણે ભારતે પણ હંમેશા શસ્ત્રસજ્જ રહેવું પડે છે. નવા શસ્ત્રો વિકસાવવા પડે છે કે રખેને ગમે ત્યારે દુશ્મન દેશ ચડાઈ કરે તો તેને પહોંચી વળાય. ભારત દ્વારા આ કારણે જ પરમાણુશસ્ત્રો પણ વિકસાવવામાં આવ્યા છે. આ શ્રેણીમાં જ ભારતે તાજેતરમાં બ્રહ્મોસ મિસાઈલનું પણ પરિક્ષણ કર્યું છે. સુખોઈ વિમાન મારફત આ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

આ મિસાઈલની ખાસિયત એ છે કે તે યુદ્ધ જહાજથી 400 કિ.મી. દૂર સુધી હુમલો કરી શકે છે. બ્રહ્મોસ મિસાઈલનું અગાઉ પણ પરિક્ષણ કરાયું જ હતું પરંતુ હાલમાં જે નવી મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું તે મિસાઈલના એર લોન્ચ વર્ઝનનું એન્ટિ શિપ વર્ઝન છે. આ મિસાઈલના પરિક્ષણ સાથે સુખોઈ વિમાનની ક્ષમતાનું પણ પરિક્ષણ કરી લેવામાં આવ્યું હતું. આ મિસાઈલ એવું છે કે તેના દ્વારા ભારતની વાયુસેના વધુ મજબુત બનશે. અગાઉ જ્યારે બ્રહ્મોસ મિસાઈલ બનાવવામાં આવી ત્યારે તેની રેન્જ 290 કિ.મી. દૂરના લક્ષ્યોને ટાર્ગેટ કરવાની હતી પરંતુ બાદમાં તેને વધારીને 350 અને હવે 400 કિ.મી. સુધી કરવામાં આવી છે.

સુખોઈ વિમાન દ્વારા જે બ્રહ્મોસ મિસાઈલને છોડવામાં આવી તે મિસાઈલએ બંગાળની ખાડીમાં રાખવામાં આવેલા લક્ષ્યનો નાશ કર્યો હતો. બ્રહ્મોસ મિસાઈલને ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ), રશિયાના ફેડરલ સ્ટેટ યુનિટરી એન્ટરપ્રાઈઝ વચ્ચેના સંયુક્ત કરાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ મિસાઈલને મધ્યમ રેન્જની સુપરસોનિક ક્રુઝ મિસાઈલ તરીકે ઓળખવામાં આવે છે અને આ મિસાઈલને જહાજ, સબમરીન, એરક્રાફ્ટ તેમજ જમીન પરથી લોન્ચ કરી શખાય છે. ભગવાન બ્રહ્માના શક્તિશાળી શસ્ત્ર બ્રહ્માસ્ત્રના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. બ્રહ્મોસ મિસાઈલને એન્ટિ શિપ ક્રુઝ મિસાઈલ તરીકે વિશ્વની સૌથી ઝડપી મિસાઈલ માનવામાં આવે છે.

બ્રહ્મોસ મિસાઈલ 2500 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પોતાના લક્ષ્યને નષ્ટ કરી શકે છે. આ જોતાં 400 કિ.મી.ના લક્ષ્યને તે માત્ર 10 જ મિનિટમાં ભેદી શકે છે. બ્રહ્મોસ મિસાઈલને છોડ્યા બાદ તે પહેલા આકાશ તરફ જાય છે અને બાદમાં નીચે આવીને પોતાના લક્ષ્યને ભેદી નાખે છે. ભારત સરકારે બ્રહ્મોસ મિસાઈલ દ્વારા પોતાની સેનાની તાકાત વધારી જ છે પરંતુ સાથે સાથે વિશ્વને એ સંદેશો પણ આપ્યો છે કે ભારત પોતાની પર હુમલો થાય તો શાંતિથી બેસી શકે તેવો દેશ નથી.

વિશ્વમાં ધીરેધીરે આકાશી યુદ્ધનું ચલણ વધી રહ્યું છે. ભૂતકાળની જેમ ભૂમિસેનાનું મહત્વ ઘટી રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે પણ યુદ્ધ થશે ત્યારે તે મિસાઈલો દ્વારા જ લડાશે. આ સંજોગોમાં ભારતનું બ્રહ્મોસ મિસાઈલ હુકમનો એક્કો સાબિત થાય તેમ છે. ભારતે બ્રહ્મોસ મિસાઈલથી અટકવાની જરૂર નથી. ભારતે વધુને વધુ અંતર સુધી માર કરી શકે તેવી મિસાઈલોને હજુ પણ વિકસાવવાની જરૂરીયાત છે. આમ થશે તો જ ભારત યુદ્ધમાં જીતી શકશે તે નક્કી છે.

Most Popular

To Top